તળાજામાં સરકારી અનાજનો ડબલ જથ્થો મેળવવાનું ષડયંત્ર
- એક જ વ્યક્તિનું બે રેશનકાર્ડમાં નામ, તંત્રની વોચ
- આયુષ્યમાન કાર્ડની કામગીરી દરમિયાન ઘટસ્ફોટ થયો, કાયદેસરની કાર્યવાહી કરવી જરૂરી
તાજેતરમાં જ આરોગ્ય કર્મીઓ આયુષ્યમાન કાર્ડની કામગીરી કરી રહ્યા હતા, ત્યારે એક જ વ્યક્તિના બે રેશનકાર્ડમાં નામો ચાલતા હોય તેવા અનેક નામો બહાર આવ્યા હતા. એક જ વ્યક્તિના નામે બે રેશનકાર્ડ હોય તે બાબતે વોચ ગોઠવી છે. આવા કાર્ડ સામે આવ્યા તેના રદ્દ કરવામાં આવી રહ્યા છે. ત્યારે તંત્ર સામે સવાલએ ઉઠી રહ્યા છે કે જે નામો સામે આવ્યા તેની સામે સરકાર સાથે છેતરપિંડી કરવા બદલ સખત કાર્યવાહી કરવી જોઈતી હતી. પરંતુ તેમ ન કરવામાં આવતા આવા શખ્સોને છાવરવામાં આવી રહ્યાની શંકા પણ જનતામાં ઉઠી છે. બીજી તરફ તંત્રે રેશનકાર્ડ પર મળતો જથ્થો ઓનલાઈન જ મળે તેવી તકેદારી લીધી હોવાનું સત્તાવાર સાધનોએ જણાવ્યું હતુ.
ઉલ્લેખનિય છે કે, તળાજા પંથકમાં ૨૦૦ જેટલા ફેરિયાઓ ગરીબોને રેશનકાર્ડ પર મળે ત્યારે તે જથ્થો લેવા પહોંચી જાય છે. મફત અથવા તો રાહતદરે સરકારી અનાજ મેળવી વેચી મારી રોકડી કરી લે છે. આવા પરિવારને તેની જરૂર નથી તે નક્કી થાય છે. ત્યારે જો તંત્રની સાફ નીતિ હોય તો આવા લોકોને પકડવા આસાન છે.