ભાવનગરમાં આવાસ યોજનાની કામગીરી નબળી થતી હોવાથી કોંગ્રેસે સવાલો ઉઠાવ્યા
- મહાપાલિકાની સાધારણ સભામાં ચર્ચા બાદ તમામ ઠરાવોને સર્વાનુમતે મંજૂરી અપાઈ
- કોંગ્રેસના શાસનમાં બનેલા આવાસ 50 વર્ષે પણ અડીખમ છે અને છેલ્લા 25 વર્ષથી આવાસ નબળી ગુણવતાના બનતા હોવાનો કોંગ્રેસના આક્ષેપ
મહાપાલિકાના હોલ ખાતે આજે શુક્રવારે મેયરના અધ્યક્ષ સ્થાને સાધારણ સભા મળી હતી, જેમાં પ્રશ્નોત્તરીકાળ દરમિયાન વિપક્ષ કોંગ્રેસના નગરસેવકોએ મહાપાલિકા દ્વારા બનાવવામાં આવતા પ્રધાનમંત્રી આવાસ યોજનાની નબળી કામગીરી અંગે સવાલો ઉઠાવ્યા હતાં. કોંગ્રેસના શાસનમાં બનેલા આવાસ પ૦ વર્ષે પણ અડીખમ છે અને છેલ્લા રપ વર્ષથી આવાસ નબળી ગુણવતાના બનતા હોવાનો આક્ષેપ કર્યા હતાં. આવાસોમાં ડ્રેનેજ લાઈન લીકેજ, પ્લાસ્ટર ખરી જવુ, લીફટ બંધ, પાણીના ટાંકા તૂટી જવા સહિતની ફરિયાદ છતાં યોગ્ય પગલા લેવાતા નથી. રૂવા, કોન્વેટ સ્કૂલની બાજુમાં બનેલ આવાસમાં ખુબ જ ફરિયાદ છે. સાગર પાર્ક પાસે આવાસમાં ૪૦૦ પરિવાર રહે છે છતાં તેઓને ફરીને જવુ પડે છે ત્યારે રોડ બનાવવો જોઈએ તેમ મહાપાલિકાના કોંગ્રેસના વિપક્ષના નેતા ભરત બુધેલીયાએ કર્યા હતાં. મનપાએ ૬,ર૮પમાંથી ૪,૮૪૮ આવાસની કામગીરી પૂર્ણ કરેલ છે અને ૧,૩૩૭ આવાસની કામગીરી શરૂ હોવાનુ અધિકારીએ જણાવ્યુ હતું. અધિકારીએ કામ સારૂ થતુ હોવાનો દાવો કર્યો હતો અને ફરિયાદ હલ કરવાની ખાતરી આપી હતી.
આવાસ યોજના બની ગયા બાદ તેની ડીપોઝીટ સહિતનો વહીવટ આવાસના લોકોએ બનાવેલ સોસાયટીને સોંપી દેવામાં આવે છે તેમ અધિકારીએ જણાવ્યુ હતુ ત્યારે વિપક્ષના નેતાએ જણાવ્યુ હતુ કે, આવાસ યોજનામાં અનેક પ્રશ્ન ઉભા થાય છે પરંતુ સોસાયટીના સભ્યો પ્રશ્ન હલ કરી શકતા નથી ત્યારે આ સોસાયટીમાં મનપાના સભ્ય પણ હોવા જોઈએ, જેના પગલે સમસ્યા હલ થઈ શકે. ચિત્રા-ફુલસરની આવાસ યોજનામાં પાણીની સમસ્યા છે અને પાઈપ સડી ગયા છે, ફાયર વિભાગે તપાસ કરવી જોઈએ, કોઈ ઘટના બનશે તો જવાબદાર કોની ? તેમ કોંગ્રેસના નગરસેવક જયદિપસિંહ ગોહિલે જણાવ્યુ હતું. અધિકારીએ જણાવ્યુ હતુ કે, આ આવાસને ૮ વર્ષ થઈ ગયા છે તેથી મનપાની કોઈ જવાબદારી રહેતી નથી. ફુલસરમાં બનેલા નવા આવાસોમાં પાણી પડે છે, બારણા તૂટી ગયા છે અને લોકો કકળાટ કરી રહ્યા છે છતા કોન્ટ્રાકટર સામે પગલા લેવામાં આવતા નથી, અધિકારીઓએ તપાસ કરવી જોઈએ, જો મારી વાત ખોટી હોય તો રાજીનામુ આપી દઈશ તેમ કોંગ્રેસના નગરસેવક કાંતીભાઈએ જણાવ્યુ હતું.
આવાસ યોજનાના મામલે ભાજપના નગરસેવક ઉપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યુ હતુ કે, લીફટની ફરિયાદો આવે છે પરંતુ લીફટની કંપની બહારની હોવાથી ઓનલાઈન ફરિયાદ કરવી પડતી હોય છે, જેના કારણે પ્રમુખોને પરેશાની થતી હોય છે અને તત્કાલ લીફટની સર્વિસ મળતી નથી. કંપની લીફટના સાધનો પણ મોંઘા હોય છે અને સ્થાનિક કક્ષાએ મળતા પણ નથી તેથી લોકોને હાલાકી ભોગવવી પડતી હોય છે ત્યારે લીફટનુ કામ સ્થાનિક કંપનીને આપવુ જોઈએ. આવાસ યોજનામાં ખાલી સોંગધનામા પર આધાર ન રાખવુ જોઈએ, જેના કારણે આવાસ યોજનામાં સાચા લોકોને લાભ મળતો નથી, આવાસ ભાડે આપવામાં આવે છે અથવા કોઈ રહેવા આવતુ નથી. આવાસમાં તમામ લોકોને પુરતુ પાણી મળી રહે તેવુ આયોજન કરવુ જોઈએ અને પાણીના મીટર નાખવા જોઈએ તેવા સૂચન કર્યા હતાં.
મહાપાલિકાની સાધારણ સભામાં જુદા જુદા કામ અંગે સમીક્ષા થઈ હતી તેમજ ચાર ઠરાવ મામલે પણ ચર્ચા થઈ હતી, ત્યારબાદ ચારેય ઠરાવોને સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી.
મહાપાલિકાના કર્મચારીઓ મોબાઈલમાં વ્યસ્ત હોય છે
ભાવનગર મહાપાલિકાની સાધારણ સભામાં વિપક્ષના નેતા ભરત બુધેલીયાએ જણાવ્યુ હતુ કે, મહાપાલિકાના કર્મચારીઓ મોબાઈલમાં વ્યસ્ત હોય છે તેથી કામગીરી સરખી થતી નથી તેથી કર્મચારીઓને મોબાઈલ મુકાવવા કમિશનરને જણાવ્યુ હતું. આ મામલે કમિશનર શુ પગલા લે છે ? તેની રાહ જોવી જ રહી.
મનપાની ભુલ હતી તેથી ફ્લાય ઓવરમાં અત્યારે જમીન સંપાદન કરાય છે
મહાપાલિકાની સાધારણ સભામાં ફ્લાય ઓવર માટે જમીન સંપાદન કરવાનો ઠરાવ હતો તેથી કોંગ્રેસના નગરસેવક જયદિપસિહે ગોહિલે સવાલ કરતા જણાવ્યુ હતુ કે, ફ્લાય ઓવર ચાર વર્ષથી બની રહ્યો છે પરંતુ મહાપાલિકાની ભુલ હતી તેથી હવે કેમ જમીન સંપાદન કરવામાં આવી રહ્યુ છે, પહેલાથી જમીન સંપાદનનુ આયોજન કેમ કરવામાં ન આવ્યુ ?. આ મામલે કમિશનરે જણાવ્યુ હતુ કે, જે તે સમયે શુ હતુ તે ખબર નથી પરંતુ હાલ કામમાં જમીન સંપાદનની જરૂરીયાત છે તેથી જમીન સંપાદન કરવામાં આવશે. કોંગ્રેસે નગરસેવકે જણાવ્યુ હતુ કે, ફ્લાય ઓવરની ૪ વર્ષથી કામગીરી ચાલી રહી છે તેથી લોકો પરેશાન થાય છે, રોજ આ રોડ પર ટ્રાફીકજામ થાય છે અને લોકો અમને સવાલ કરે છે ત્યારે આ કામગીરી કયારે પૂર્ણ થશે ?. રોડ વિભાગના અધિકારીએ જણાવ્યુ હતુ કે, ૮૦ ટકા કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને ર૦ ટકા કામગીરી બાકી છે, જે આગામી તા. ૩૧ જુલાઈ સુધીમાં પૂર્ણ થઈ જશે.
મચ્છી માર્કેટની જગ્યામાં હેતુ ફેર કેમ કર્યુ ?
ભાવનગર શહેરના કરચલીયા પરામાં મચ્છી માર્કેટની જગ્યામાં હાલ અનાજનુ એટીએમ બનાવવામાં આવતા વિપક્ષના નેતા ભરતભાઈએ હેતુ ફેર કેમ કર્યો ? તેવો પ્રશ્ન કર્યો હતો. અધિકારીએ જણાવ્યુ હતુ કે, મચ્છી માર્કેટમાં જગ્યા આપવા ત્રણવાર પ્રયાસ કર્યા હતા પરંતુ કોઈએ અરજી કરી ન હતી. આ જગ્યાએ મચ્છી માર્કેટ ચાલશે કે નહીં ? તે માટે બનાવતા પૂર્વે સર્વે કરવો જોઈએ તેમ વિપક્ષના નેતાએ જણાવ્યુ હતું. મટન માર્કેટ હાલ જર્જરીત છે તેથી બનાવવા આયોજન કરવુ જોઈએ, આ અંગે અધિકારીએ સૂચન અંગે યોગ્ય કરવા જણાવ્યુ હતું.