આયુષ્યમાન કાર્ડમાં જીવલેણ બિમારીની સેવાઓ પુરી પાડવામાં નહી આવતી હોવાની ફરિયાદ
- યોજનાનાં લાભાર્થીઓને છેલ્લા ઘણાં સમયથી કોઈપણ પ્રકારની સુવિધાઓ મળતી નથી
- આયુષ્યમાન ભારત કાર્ડમાં અપગ્રેડેશન સહિતની જે કોઈપણ કામગીરી હોય તે સત્વરે કરવા માંગણી
રાજય સરકારની વિવિધ યોજનાઓ પૈકી આયુષ્યમાન ભારત યોજના હાલ કાર્યરત છે, જે લોકોને આરોગ્યની સુવિધા પુરી પાડવા હેતુ છે પરંતુ છેલ્લા ઘણાં સમયથી આ યોજના અંતર્ગત જે હોસ્પિટલ સાથે ટાઈઅપ હોય તેવી ખાનગી હોસ્પિટલમાં કોઈપણ પ્રકારની જીવલેણ બીમારીની સેવાઓ પુરી પાડવામાં આવી રહી નથી. આ યોજનામાં રૂા. ૧૦ લાખની સહાય મળવાપાત્ર રહેશે અને જીવલેણ બિમારીમાં સહાયરૂપ થશે, જેવી વિવિધ બાબતોએ બણગા ફુંકાતા હોય તેવુ જણાઈ રહયુ છે, કારણ કે આ યોજનાનાં લાભાર્થીઓને છેલ્લા ઘણાં સમયથી કોઈપણ પ્રકારની સુવિધાઓ મળતી નથી તેવી ફરીયાદો ઉઠવા પામી છે. અગાઉ વર્ષ ૨૦૧૮માં કાર્ડ કઢાવેલ હોય અને તેઓ સહાય મેળવવા માટે જાય છે ત્યારે યેનકેન પ્રકારે તેમને આ સહાય આપવામાં આવતી નથી, તેમના કાર્ડ અપગ્રેડ થયેલ નથી તેવા ઉડાઉ જવાબ આપવામાં આવે છે તો આ મેન્યુઅલ કે ટેકનીકલ જે કોઈપણ ફોલ્ટ હોય તે દુર કરવો જરૂરી છે.
ગરીબ લોકો જીવલેણ બીમારી માટે સારવાર અર્થે જાય છે ત્યારે ફકતને ફકત નિરાશા મળી રહી છે. આ બાબતે સબંધીત અધિકારી દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે પરંતુ ટેકનીકલી ડેટા અપગ્રેડ નહી થવાના કારણો છે જે બાબતને ગંભીરતાથી લેવાની જરૂર છે તો આ બાબતે આયુષ્યમાન ભારત કાર્ડમાં અપગ્રેડેશન સહીતની જે કોઈપણ કામગીરી હોય તે સત્વરે કરાવવા તથા સબંધીત અધિકારીને તાત્કાલીક સુચના આપી કાર્યવાહી કરવા તાજેતરમાં ગુજરાત રાજયનાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગનાં મંત્રી સમક્ષ ભાવનગર મહાપાલિકાનાં કોગ્રેસના કોર્પોરેટર જસુબેન બારૈયાએ રજુઆત કરી છે.