સિહોરના અગિયાળી ગામે 11 ગૌવંશના મૃત્યુ મામલે ફરિયાદ
- સોની શેરીમાં આવેલું ડેલાબંધ મેડીવાળું મકાન 15 વર્ષથી બંધ હતું
- અજાણ્યા શખ્સે ગૌવંશને રૂમમાં પૂરી દેતા મોત નીપજ્યા, જીવદયાપ્રેમીઓમાં રોષ
કરૂણાંતિકાની જાણવા મળતી વિગતો અનુસાર સિહોર તાલુકાના અગિયાળી ગામે પ્લોટ વિસ્તારમાં રહેતા બાલાભાઈ લક્ષ્મીરામભાઈ ધાંધલ્યા (ઉ.વ.૫૦)નું સોની શેરીમાં આવેલ વડીલો પાર્જીતનું એક ડેલાબંધ મેડીવાળું મકાન છેલ્લા ૧૫ વર્ષથી બંધ હાલતમાં હોય, જે મકાનની અંદર અસહ્ય દુર્ગંઘ આવતા લોકોએ દોડી જઈ અંદર તપાસ કરી હતી. ત્યારે ૧૦ આખલા અને એક ગાય મળી ૧૧ ગૌવંશ મૃત હાલતમાં મળી આવ્યા હતા.
આ ઘટનાની જાણ પોલીસ અને મામલતદાર સહિતના વિભાગને જાણ કરવામાં આવતા મસમોટો કાફલો ત્યાં દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી. અવાવરૂં મકાનમાંથી ગૌવંશના ૧૧ મૃતદેહોને બહાર કાઢ પીએમ પણ કરવામાં આવ્યું હતું. આ ઘટનાને કારણે સમગ્ર પંથકમાં રોષની લાગણી ફેલાઈ હતી. ગૌવંશ પ્રત્યે ક્રુરતાની ઘટનાએ તંત્રની ઊંઘ ઉડાડી નાંખી છે. તો બીજી તરફ કોઈ શખ્સ આટલી હદ સુધી કઈ રીતે જઈ શકે ? તેવા સવાલો સાથે ગૌપ્રેમીઓમાં રોષ ફેલાયો છે. બનાવ અંગે બાલાભાઈ લક્ષ્મીરામભાઈ ધાંધલ્યાએ અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવતા સિહોર પોલીસે બી.એન.એસ.ની કલમ ૩૨૫ અને પશુઓ પ્રત્યે ઘાતકીપણું અટકાવવાના અધિનિયમની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
દિવાલ અને ચોકઠા તોડી મૃત ગૌવંશને બહાર કાઢવામાં આવ્યા
સિહોરના અગિયાળી ગામે અવાવરૂં મકાનમાંથી એક સાથે ૧૧ ગૌવંશના મોત નીપજ્યાની ઘટના સામે આવતા પોલીસ સહિતના કાફલાએ દોડી જઈ મકાનના ચોકઠા અને દિવાલો તોડી મોડી રાતે મૃત ગૌવંશને બહાર કાઢ્યા હતા. મૃત પશુઓને ટ્રેક્ટરમાં ભરી અગિયાળી ગામના તળાવ પાસે આવેલી સરકારી પડતર જમીનમાં જેસીબી વડે ખાડા ખોદી દફનાવવામાં આવ્યા હતા.
એફએસએલ રિપોર્ટ આવ્યા બાદ મોતના રહસ્ય ઉપરથી પડદો ઊંચકાશે
અગિયાળી ગામે એક સાથે ૧૧ ગૌવંશના મોત મામલે સિહોર પીઆઈ એ.બી. ગોહિલે જણાવ્યું હતું કે, તબીબી અને એફએસએલ રિપોર્ટ આવ્યા બાદ ગૌવંશના મોત કેવી રીતે થયા ? તે જાણવા મળશે. આ ઉપરાંત ખાનગી રાહે તપાસ ચાલી રહી હોવાનું તેમણે ઉમેર્યું હતું.