તળાજાના નિલકંઠ વિદ્યાપીઠમાં છાત્રને માર મારીને ધમકી આપ્યાની ફરિયાદ

Updated: Jan 4th, 2024


Google NewsGoogle News
તળાજાના નિલકંઠ વિદ્યાપીઠમાં છાત્રને માર મારીને ધમકી આપ્યાની ફરિયાદ 1 - image


બુક લઈ મોડો આવતા સંચાલકે લાકડી ફટકારી, ગૃહપતિએ ઊભો કરી માર માર્યો

સ્કૂલના વાહનોના સંચાલકે ધો.૧૦ના વિદ્યાર્થીને કોઈને વાત કરીશ તો ઘરે જીવતો નહીં જવા દેવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસમાં નોંધાતા શિક્ષણ જગતમાં ખળભળાટ

ભાવનગર : તળાજાની નિલકંઠ વિદ્યાપીઠમાં અભ્યાસ કરતા સિહોર પંથકના એક વિદ્યાર્થીને મોડું થઈ જવાની સામાન્ય ભૂલમાં સંચાલક અને ગૃહપતિએ ઢોર માર માર્યો હતો. જ્યારે શાળાના વાહનોનું સંચાલન કરતા શખ્સે છાત્રને ઘરે જીવતો નહીં જવા દેવા ધમકાવ્યો હતો. ૧૬ દિવસ પૂર્વે બનેલી ઘટનાની વિદ્યાર્થીના દાદાએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા શિક્ષણ જગતમાં ખળભળાટ મચ્યો છે. 

આ બનાવની વિગત અનુસાર તળાજાની નિલકંઠ વિદ્યાપીઠની હોસ્ટેલમાં રહી ધો.૧૦માં અભ્યાસ કરતો સિહોર પંથકનો એક વિદ્યાર્થી ગત તા.૧૯-૧૨ના રોજ રાત્રિના સમયે રિસેસમાં બુક લેવા ગયો હતો અને પરત આવતા થોડું મોડું થતાં હોસ્ટેલના ગૃહપતિ શૈલેષ લાડુમોરે તેને બોલાવી તું કયાં ગયો હતો, સંચાલક દલપત કાતરિયાએ તું કેમ મોડો આવ્યો છો ? તેમ કહેતા વિદ્યાર્થીએ બુક લેવા ગયો હોવાનું જણાવતા સંચાલક દલપત કાતરિયાએ ગુસ્સે થઈ પગના ભાગે લાકડી ફટકારતા વિદ્યાર્થી નીચે બેસી જતાં ગૃહપતિ શૈલેષ લાડુમોરે તેને ઉભો કરી આડેધડ ઢીકાપાટુંનો માર મારી સંચાલક દલપત કાતરિયાએ ફરી લાકડી વડે માર માર્યો હતો. જેથી વિદ્યાર્થીને દુઃખાવો થતાં સારવાર માટે હોસ્પિટલ લઈ જવાની નોબત આવી હતી. સંચાલક અને ગૃહપતિએ બેફામ ગાળો દઈ વિદ્યાર્થીને ઢોર માર માર્યાની ઘટના બાદ બીજા દિવસે સ્કૂલના વાહનોનું સંભાળતા ધર્મેશ કાતરિયાએ વિદ્યાર્થીને બોલાવી તને માર્યો છે તે બાબતે કોઈને વાત કરીશ તો તને અહીંથી જીવતો ઘરે નહીં જવા દઈએ તેવી ધમકી આપી હતી.

આ બનાવ અંગે વિદ્યાર્થીએ તેના દાદા સહિતના પરિવારજનો સામે આપવિતી વર્ણવતા વૃદ્ધ દાદાએ ગઈકાલે બુધવારે નિલકંઠ વિદ્યાપીઠના સંચાલક દલપત કાતરિયા, ગૃહપતિ શૈલેષ લાડુમોર અને વાહનોનું સંચાલન કરતા ધર્મેશ કાતરિયા (રહે, તમામ તળાજા)વિરૂધ્ધ તળાજા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેય સામે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.

ડોક્ટર અને પરિવારને પડી ગયાની ખોટી માહિતી આપ્યાનો ફરિયાદમાં ઉલ્લેખ

નિલકંઠ વિદ્યાપીઠની હોસ્ટેલમાં ધો.૧૦ના વિદ્યાર્થીને ગૃહપતિ અને સંચાલક સહિતના ત્રણ શખ્સે માર મારી ધમકી આપ્યાની ઘટનાને દાબી દેવા માટે ધમપછાડા કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીને દુઃખાવો થતાં શૈલેષ લાડુમોર તેને સારવાર માટે તળાજાની સદ્વિચાર હોસ્પિટલમાં લઈ ગયો હતો. અહીં ડોક્ટરે પૃચ્છા કરતા તેમને વિદ્યાર્થીને પડી  જવાથી ઈજા થઈ હોવાની ખોટી માહિતી અપાઈ હતી. ઘટનાના છ-સાત દિવસ બાદ ગત તા.૨૬-૧૨ના રોજ તેના પરિવારને પણ શાળાના ફોનમાંથી સંપર્ક કરી તમારો દિકરો સ્કૂલમાં પડી ગયો હોવાથી હાથે પાટો બંધાવ્યાનું કહેવામાં આવ્યું હતું. પરંતુ ઈજાના કારણે હોસ્ટેલથી ઘરે ગયેલા વિદ્યાર્થીએ સમગ્ર હકીકત તેમના દાદા અને પરિવાર સમક્ષ મુકી હોવાનો પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. 

સંચાલક, ગૃહપતિ સહિત ત્રણને સાત દિવસમાં પોલીસ સમક્ષ હાજર થવા નોટિસ  

તળાજાની નિલકંઠ વિદ્યાપીઠના છાત્રને સંચાલક અને ગૃહપતિએ ઢોર માર મારી ધમકી આપ્યાની ચકચારી ઘટનાની ૧૫ દિવસે ફરિયાદ નોંધાઈ હતી. આ ઘટના અંગે તળાજા પીઆઈ આર.એસ. ચૌધરીનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે, ગઈકાલે સંચાલક, ગૃહપતિ સહિતના ત્રણ સામે આઈપીસી ૩૨૩, ૫૦૪, ૧૧૪, ૫૦૬ (ર) અને જીપીએ ૧૩૫ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને સાત દિવસમાં પોલીસ સમક્ષ હાજર થવા નોટિસ પાઠવવામાં આવી છે. 


Google NewsGoogle News