Get The App

ખંભાળિયામાં અમદાવાદના પોલીસમેન દ્વારા પુત્રનું અપહરણ થતાં ફરિયાદ

Updated: Oct 1st, 2024


Google NewsGoogle News
ખંભાળિયામાં અમદાવાદના પોલીસમેન દ્વારા પુત્રનું અપહરણ થતાં ફરિયાદ 1 - image


- મામાનાં ઘરે રહેતા 7 વર્ષીય બાળકનું પિતાએ જ સાસરિયેથી અપહરણ કર્યું

- મામાની ઘરે રહીને અભ્યાસ કરતા પુત્રને ઉઠાવી બે કારમાં આવેલા શખ્સો નાસ્યા પણ ઉપલેટા, વીંછીયાથી પોલીસે દોડધામ કરી સાતેય શખસોની ધરપકડ કરી

- પોલીસ કોન્સ્ટેબલના પત્ની પિયર રિસામણે આવી ગયા હતા ત્યાંજ બાળકનો જન્મ થયો હતો પરંતુ એ પછી કોન્સ્ટેબલ મોઢું જોવાય ન આવતા આત્મહત્યા કરી લીધી હતી

જામ ખંભાળિયા: ખંભાળિયામાં મામાના ઘરે રહી એલકેજીમાં અભ્યાસ કરતા  સાત વર્ષીય એક બાળકનું તેના જ પિતા અમદાવાદના પોલીસ કર્મી શખ્સ દ્વારા મોટરકારમાં અપહરણ થયાનો ચકચારી બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. આ પ્રકરણમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ,ઉપલેટા અને વીછીયા પોલીસે તાકીદની કાર્યવાહી કરી,બાળકના પિતા કોન્સ્ટેબલ જયદત્તસિંહ સતુભા વાઘેલા (ઉ.વ. ૩૨), મહેન્દ્રસિંહ પ્રવિણસિંહ વાઘેલા (ઉ.વ. ૩૮, રહે. જોગેશ્વર - અમદાવાદ), અજય ધીરુભાઈ વૈષ્ણવ (ઉ.વ. ૩૪, રહે. જોગેશ્વર), વેદાંગ કમલેશભાઈ ઠાકર (ઉ.વ. ૨૪, આનંદ સોસાયટી, અમદાવાદ), બ્લોગર યશપાલસિંહ પ્રતાપસિંહ સોલંકી (ઉ.વ. ૩૫, રહે. લીંબડી, જી. સુરેન્દ્રનગર), હરેશ જહાભાઈ ભુવા (ઉ.વ. ૩૭, રહે. લીંબડી) અને બીપીન મેરાભાઈ મકવાણા (ઉ.વ. ૩૧, રહે. ગોગેશ્વર, અમદાવાદ) નામના કુલ સાત શખ્સોને ઝડપી લઇને ધોરણસરની કાર્યવાહી કરી હતી.

આ સમગ્ર પ્રકરણની સિલસિલાબંધ વિગત એવી છે કે ખંભાળિયામાં બંગલા વાડી, શેરી નંબર ૩ ખાતે રહેતા અને મામલતદાર કચેરીમાં નોકરી કરતા જયદીપસિંહ કનકસિંહ પરમાર (ઉ.વ. ૨૮)ના બહેન શીતલબાના લગ્ન વર્ષ ૨૦૧૭માં  અમદાવાદ જિલ્લાના ઓઢવ ખાતે રહેતા જયદતસિંહ સતુભા વાઘેલા સાથે થયા હતા. હાલ અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના ગોધાવી ગામના પોલીસ કર્મી જયદત્તસિંહ વાઘેલા અમદાવાદ પોલીસ મથકમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવી રહ્યા છે.

ગત રવિવાર તારીખ ૨૯મીના સાંજે આ બાળક તેના મામા જયદીપસિંહ સાથે નાસ્તો લઈને મોટરસાયકલ પર તેમના ઘરે જઈ રહ્યા હતા, ત્યારે રાત્રિના આશરે પોણા નવ વાગ્યાના સમયે તેમના ઘર નજીક પહોંચતા જયદીપસિંહ નજીક  મોટરકાર આવીને ઊભી રહી હતી. જેમાં તે એક અજાણ્યો શખ્સ ઉતર્યો હતો અને પોસ્ટ ઓફિસનું સરનામું માંગ્યું હતું જયદીપસિંહ કાંઈ સમજે તે પહેલા આ મોટરકારમાંથી તેમના બનેવી જયદતસિંહએ ઉતરીને બળજબરી પૂર્વક પોતાના પુત્ર અને( જયદીપસિંહના ભાણેજ) ને મામાના મોટરસાયકલમાંથી ઉપાડીને પોતાની ગાડીમાં બેસાડીને લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. જેથી તેના પ્રતિકારમાં મામા જયદીપસિંહે પોતાનું મોટરસાયકલ આડુ નાખી અને ડ્રાઇવર સાઈડનો દરવાજો ખોલતા તેમના બનેવી જયદતસિંહ કાર ચલાવી રહ્યા હતા. તેમણે કારનું સ્ટિયરીંગ પકડી લીધું હતું. કારચાલક જયદતસિંહએ ગાડી ચાલુ કરતા તેના સાળા જયદીપસિંહ ૫૦ ફૂટ ઢસડાયા હતા. આ દરમિયાન તેમના ભાણેજએ રડતા રડતા મામા બચાવો... મામા બચાવોની બૂમો પાડી હતી. આખરે ગાડીનો દરવાજો અથડાતા ઇજાગ્રસ્ત બની જવાના કારણે જયદીપસિંહના હાથમાંથી સ્ટેરીંગ છૂટી ગયું હતું અને તેમના બનેવી એવા પોલીસ કર્મચારી જયદતસિંહ વાઘેલા તેમના ભાણેજનું બળજબરીપૂર્વક અપહરણ કરીને લઈ ગયા હોવાનું જાહેર થયું છે.

બનાવ અંગે ખંભાળિયા પોલીસને જાણ કરવામાં આવતા  ખંભાળિયા પોલીસ સાથે એલ.સી.બી., એસ.ઓ.જી. તથા ડી-સ્ટાફ દ્વારા ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી અપહરણકારોની શોધખોળ આદરવામાં આવી હતી. આ પ્રકરણમાં પી.એસ.આઈ. આર.આર, ઝરુ દ્વારા નેત્રમ અને હ્યુમન ઈન્ટેલિજન્સનો ઉપયોગ કરી, આ પ્રકરણમાં જી.જે. ૨૭ ડી.એચ. ૦૩૪૭ નંબરની હોન્ડા અમેઝ મોટરકારના સગડ મેળવીને આ કાર ઉપલેટા તરફ હોવાથી સ્થાનિક પી.એસ.આઈ.ને સાથે રાખીને અહીંથી પાંચ શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા. જેની પૂછતાછમાં અન્ય એક મોટરકારમાં બે શખ્સો દ્વારા બાળકનું અપહરણ કરવામાં આવ્યું હતું. જેને અનુલક્ષીને પી.એસ.આઈ. એમ.એચ. ચૌહાણ દ્વારા બાળકને લઈને રાજકોટના વીંછીયા પોલીસ મથકની હદ તરફ નીકળેલી જી.જે. ૨૭ ઈ.બી.૯૪૫૪ નંબરની ટાટા નેકસોન મોટરકારને અમદાવાદ તરફ જતા આંતરીને આ મોટરકારમાં અપહૃત બાળક તથા તેની સાથે તેના પિતા સહિતના આરોપીને ઝડપી લઇ, બાળકને સલામત રીતે છોડાવવામાં પોલીસને સફળતા મળી હતી.

બાળકની માતાએ આત્મહત્યા કરતાં તે મામાનાં ઘરે રહીને અભ્યાસ કરતો હતો

પોલીસ કર્મી પરિવાર દ્વારા  પત્ની શીતલબાને લગ્નજીવન દરમિયાન ત્રાસ આપવામાં આવતા તેણી ખંભાળિયા ખાતે પોતાના પિતાના ઘરે રિસામણે આવી ગયા હતા. જે દરમિયાન તા. ૧૯ જૂન ૨૦૧૮ના રોજ પુત્રને જન્મ આપ્યો હતો. હાલ સાત વષય બાળક ખંભાળિયા ખાતે તેમના માતા અને મામા સાથે જયદીપસિંહ સાથે રહે છે. આ સમયગાળા દરમિયાન બાળકના પિતા જયદતસિંહ ક્યારેય તેમના પુત્ર કે પત્નીને મળવા આવ્યા ન હતા એનો શિતલબાને તીવ્ર આઘાત હતો. આ બાબતથી વ્યથિત શીતલબાએ તા. ૧૪ જાન્યુઆરી ૨૦૨૪ ના રોજ આત્મહત્યા કરી લીધી હતી અને અપહૃત બાળક તેના મામાના ઘરે રહી અને  શાળામાં એલ. કે.જી.માં અભ્યાસ કરી રહ્યો છે.


Google NewsGoogle News