વાદલડી વરસી રે... : લાંબા વિરામ બાદ મહુવામાં એક, ભાવનગરમાં પોણો ઈંચ વરસાદ
- ભાવનગર શહેરમાં એક સપ્તાહ બાદ વરસાદની ધમાકેદાર એન્ટ્રી, એક કલાક સુધી મેઘરાજાએ હેત વરસાવ્યું
- મહુવામાં સવારે અને બપોર બાદ મેઘરાજા મહેબાન : શનિવારે જિલ્લાના 3 તાલુકાઓમાં વરસાદ નોંધાયો : ભાવનગરમાં આગામી 3 દિવસ અતિ ભારે વરસાદની આગાહી
ભાવનગર શહેરમાં ગત ૧૨મી જુલાઈને શુક્રવારે એક ઈંચ વરસાદ નોંધાયો હતો. જે પછી શહેરમાં છેલ્લા એક સપ્તાહથી વરસાદે લાંબો વિરામ લીધો હતો, જોકે વચ્ચે-વચ્ચે સામાન્ય વરસાદી ઝાપટાં વરસ્યા હતા પરંતુ નોંધપાત્ર વરસાદ વરસ્યો નહોતો. પરંતુ આજે એક સપ્તાહના વિરામ બાદ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. શહેરમાં આજે સવારથી મધ્યાહ્ન સુધી તડકો અને વાદળછાયું મિશ્ર વાતાવરણ રહ્યાં બાદ બપોરે ૨ કલાક પછી આકાશમાં વાદળોનું સામ્રાજ્ય છવાયું હતું અને એક સામાન્ય વરસાદી રેડી વરસી હતી. જે પછી બપોરે ૪ કલાકના અરસામાં શહેરમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ હતી અને એક કલાક સુધીમાં અડધો ઈંચ વરસાદ નોંધાયો હતો. આજે શહેરમાં બપોર બાદ કુલ પોણો ઈંચ (૧૭ મિ.મી.) વરસાદ વરસ્યો હતો. ભાવનગર શહેર ઉપરાંત આજુબાજુના ગ્રામ્ય પંથકોમાં પણ વરસાદી માહોલ રહ્યો હતો. લાંબા વિરામ બાદ શહેરમાં પડેલા ધોધમાર વરસાદથી શહેરીજનોમાં ખુશી જોવા મળી હતી. વાદળછાયા વાતાવરણ વચ્ચે આજે શહેરનું મહત્તમ તાપમાન ૩૪.૬ ડિગ્રી નોંધાયું હતું જે બપોર બાદ વરસેલા વરસાદથી એકાદ કલાકમાં આશરે બે ડિગ્રી સુધી ઘટીને ૩૨ ડિગ્રીએ પહોંચી ગયું હતું. તેમજ આજે લઘુતમ તાપમાન ૨૬.૮ ડિગ્રી નોંધાયું હતું. આજે પવનની ગતિ ૨૨ કિમી પ્રતિ કલાકની નોંધાઈ હતી, જ્યારે હવામાં ભેજનું પ્રમાણ ૮૧ ટકા રહ્યું હતું. શહેરમાં બપોર બાદ પડેલા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. શહેેર ઉપરાંત આજે મહુવામાં પણ મેઘરાજા મહેરબાન બન્યા હતા. મહુવામાં આજે સવારે ૧૦ થી ૧૨ સુધીના બે કલાકમાં અડધો ઈંચ (૧૩ મિ.મી.) તથા બપોરે ૪ થી ૬ સુધીના બે કલાકમાં ૮ મિ.મી. મળી કુલ આશરે ૧ ઈંચ જેટલો વરસાદ નોંધાઈ ચુક્યો હતો. મહુવા શહેર સિવાય પંથકના ડુંડાસ, વાઘનગર, ભાણવર, ભાદરા, નૈપ, માળિયા સહિતના ગામોમાં પણ આજે વરસાદ વરસ્યો હતો. તે સિવાય આજે ગારિયાધાર પંથકમાં બપોરના સમયે વરસાદી માહોલ રહ્યો હતો. હવામાન વિભાના અનુમાન પ્રમાણે ભાવનગરમાં આગામી ત્રણ દિવસ અતિ ભારે વરસાદની શક્યતા છે. બીજી તરફ ઉપરવાસના વિસ્તારોમાં પડી રહેલા વરસાદને પગલે ભાવનગરની જીવાદોરી એવા શેત્રુંજી ડેમમાં ગઈકાલે રાત્રે ૨૦૩૦ ક્યૂસેક પાણીની આવક શરૂ રહેતા આજે વહેલી સવારે ડેમની સપાટી ૨૧.૫ ફૂટે સ્થિર થઈ હતી. હાલ શેત્રુંજી ડેમમાં પાણીની આવક બંધ છે. પરંતુ ઉપરવાસમાં વરસાદને પગલે આગામી દિવસોમાં ફરી ડેમમાં પાણીની આવક શરૂ થવાની શક્યતા વર્તાઈ રહી છે.
બોટાદના બરવાળામાં પોણો ઈંચ વરસાદ નોંધાયો
બોટાદ જિલ્લામાં પણ આજે વરસાદી માહોલ રહ્યો હતો. બરવાળા પંથકમાં બપોરે ૩ કલાક બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને એક કલાક સુધી ધોધમાર પોણો ઈંચ વરસાદ વરસતા મેઈનબજારમાં પાણી ભરાતા રાહદારીઓ અને વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. બરવાળા ઉપરાંત રાણપુરમાં ૬ મિ.મી. અને બોટાદ અને ગઢડામાં ૫-૫ મિ.મી. વરસાદ નોંધાયો હતો.
ભાવનગરમાં હજુ 54 ટકા વરસાદની ઘટ
ગોહિલવાડમાં આ વર્ષે અષાઢી માહોલ જામ્યો નથી. હવામાન વિભાગની આગાહીથી વિપરિત ભાવનગર શહેરમાં છેલ્લા એક સપ્તાહ કરતા વધારે સમયથી વરસાદે વિરામ લીધો હતો. સામાન્ય વરસાદી ઝાપટાં અને આજે શનિવારે પડેલા વરસાદને બાદ કરતા શહેરમાં છેલ્લા એક સપ્તાહમાં કહી શકાય તેવો નોંધપાત્ર વરસાદ વરસ્યો નથી. વર્ષાઋતુના પ્રારંભથી અત્યાર સુધીમાં ભાવનગર શહેરમાં હજુ સાડા ૮ ઈંચ જેટલો જ વરસાદ નોંધાયો છે. ગત વર્ષે ૨૦ જુલાઈ ૨૦૨૩ સુધીમાં ભાવનગર શહેરમાં સિઝનનો સરેરાશ ૮૧ ટકા વરસાદ નોંધાયો હતો. જે આ વર્ષે હજુ ૨૬.૭૭ ટકા જ નોંધાયો છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ૨૦ જુલાઈ ૨૦૨૪ની સ્થિતિએ હજુ ૫૪ ટકા વરસાદની ઘટ છે.