ધો.10 અને 12 વિ.પ્ર.ની પરીક્ષા શાંતિમય રીતે સંપન્ન : પેપરો બ્લ્યુ પ્રિન્ટ આધારિત રહ્યા
- પ્રારંભમાં બે કોપીકેસ સાથે
- ધો. 10 નો સંસ્કૃતનો પેપર મધ્યમ તો ધો. 12 વિ.પ્ર. સંસ્કૃતમાં પ્રિન્ટીંગ ભુલ સામે આવી : હવે પરિણામની રાહ
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા લાંબા સમયના આયોજન સાથે ગઇ તા.૧૧ માર્ચથી એસએસસી અને એચએસસીની પરીક્ષાઓનો પ્રારંભ થયો હતો. જો કે, આ વર્ષની પરીક્ષામાં બે-ત્રણ માઇનોર ભુલો સિવાય પેપર બ્લ્યુ પ્રિન્ટ પ્રમાણે નિકળ્યા હતાં અને વિદ્યાર્થીઓને પણ વર્ષભરની મહેનત બાદ પેપરો સરળ લાગ્યા હતાં. જો કે, ભાવનગર જિલ્લાના ધો.૧૦ના કેન્દ્રો પર અને ધો.૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષા કેન્દ્રો પર તો ધો.૧૨ વિજ્ઞાાન પ્રવાહની પરીક્ષા કેન્દ્રો પર યોજાઇ હતી. જે અંતર્ગત શરૂઆતના દિવસોમાં કુલ ૨ ગેરરીતિ જિલ્લામાંથી ઝડપાઇ હતી. એક સમયે સમગ્ર પરીક્ષા દરમિયાન કુલ ત્રણ ફલાઇગ સ્ક્વોર્ડ ભાવનગરના વિવિધ કેન્દ્રો પર ચેકીંગમાં હતી તો તમામ પરીક્ષા કેન્દ્રો પર સ્થળ સંચાલકોએ વિદ્યાર્થીઓને કોઇ મુશ્કેલી ન પડે તેવી વ્યવસ્થા પણ ગોઠવી હતી. જ્યાં અગવડતા જણાઇ હતી ત્યાં બીજા દિવસે તેનું સોલ્યુશન પણ આવી ગયું હતું. આમ આજે ધો.૧૦માં સંસ્કૃત અને ધો.૧૨ વિ.પ્ર.માં સંસ્કૃતના પેપર સાથે આ બન્ને વિભાગની પરીક્ષાઓ પૂર્ણ થઇ હતી. આજના પેપરમાં ધો.૧૦માં સંસ્કૃત વિષયનું પેપર બોર્ડના પરીરૂપ પ્રમાણેનું હતું. હોંશિયાર વિદ્યાર્થીઓ માટે સરળ પરંતુ મધ્યમ પ્રકારના વિદ્યાર્થીઓ માટે વિભાગ-એ અને વિભાગ-બીમાં અનુવાદ માટેના બે વિકલ્પોમાંથી એક સરળ અને બીજો અઘરો હતો. વિભાગ-સી પ્રમાણમાં સરળ હતો, વ્યાકરણનો વિભાગ-ડી સરળ હતો. વિભાગ-ઇમાં અર્થવિસ્તારનો એક શ્લોક અઘરો હતો. પ્રમાણમાં મધ્યમ સરળ કહી શકાય તે પ્રકારનું પેપર હતું. તેમ કમલેશબેન બલેવિયા (બી.એમ. કોમર્સ હાઇસ્કૂલ)એ જણાવ્યું હતું. તો ધો.૧૦માં સંસ્કૃત વિષયની કુલ ૧૬૭૮૬ વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી તો આ સાથે હિન્દીમાં ૧૩૦૭૨, એપરલ એન્ડ મેડઅપ એન્ડ હોમ ફર્નિશીંગ, ઇલેક્ટ્રોનિક્સમાં ૧૭, બ્યુટી એન્ડ વેલનેશમાં ૩૫, એગ્રીકલ્ચરમાં ૭૫, રીટેઇલમાં ૧૮, ઓટોમેટીવમાં ૮ એમ કુલ મળી ૩૦૦૧૧ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. તો ધો.૧૨ વિ.પ્ર.ના સંસ્કૃતના પેપરમાં પાર્ટ-એ અને પાર્ટ-બી બંને બ્લુ પ્રિન્ટને અનુરૂપ તૈયાર થયેલા જણાય છે અને એકંદરે બંને વિભાગ સરળ જણાય છે. પાર્ટ-એમાં સામાન્યનું વિશેષ વડે અને વિશેષનું સામાન્ય વડે સમર્થન કયા અલંકારમાં થાય છે ? આ પ્રશ્નના વિકલ્પમાં શ્લેષ મેં, વિરોધ મેં એ રીતે હિન્દી વિકલ્પ દર્શાવેલા છે, તેના બદલે માત્ર શ્લેષ, વિરોધ અથવા સંસ્કૃતમાં શ્લેષે, વિરોધે એમ વિકલ્પ આપવા જોઇએ. પાર્ટ-બીના વિભાગ-એમાં વિદ્યાર્થી અને પુસ્તકનો સંબંધ કેવો કલ્પ્યો છે ? તેમાં કલ્પ્પી છે ? જે અહીં પ્રિન્ટિંગ ભુલ છે, જે ભાષાની દ્રષ્ટિએ યોગ્ય ગણાય નહીં. સારી રીતે પ્રુફ રીડિંગ બાદ પેપર પ્રિન્ટિંગ કરેલું હોવું જોઇએ. એકંદરે વિદ્યાર્થીઓની ક્ષમતા પ્રમાણે પેપર બ્લુપ્રિન્ટને અનુસરી સરળ રીતે તૈયાર થયેલું જણાય છે તેમ જગુભાઇ માયડા (બી.એમ. કોમર્સ હાઇસ્કૂલ)એ જણાવ્યું હતું. જેમાં કુલ ૩૯૦૨ વિદ્યાર્થી હાજર રહ્યા હતાં તો સાથે કોમ્પ્યુટર એજ્યુકેશનમાં ૨૦૯૯, ગુજરાતીમાં ૨ અને હિન્દીમાં ૧ એમ કુલ મળી ૬૦૦૪ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આમ આ બન્ને વિભાગની પરીક્ષાઓ આજથી પૂર્ણ જાહેર થઇ છે. જ્યારે ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં કોમ્પ્યુટર પરીચયમાં ૧૧૪૮ વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી તો ચિત્ર સૈદ્ધાંતિકમાં ૧૫, ચિત્ર પાયોગિકમાં ૧૦, એપરલ એન્ડ મેડઅપમાં ૧૨, ઇલેક્ટ્રોનિક્સ હાર્ડવેરમાં ૫૬, ઓટોમોટીવમાં ૬, રીટેઇલમાં ૧૦, એગ્રીકલ્ચરમાં ૮૦ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જ્યારે તા.૨૩ના રોજ સંસ્કૃત, ફારસી, અરબી, પ્રાકૃતની પરીક્ષા રહેશે અને છેલ્લો પેપર તા.૨૬ના રોજ રાજ્યશાસ્ત્ર અને સમાજશાસ્ત્ર વિષયની પરીક્ષા લેવામાં આવશે.