આદિત્યાણા ગામે સામાન્ય બાબતમાં બે જૂથો વચ્ચે મારામારી

Updated: Feb 4th, 2024


Google NewsGoogle News
આદિત્યાણા ગામે સામાન્ય બાબતમાં બે જૂથો વચ્ચે મારામારી 1 - image


સામસામે નોંધાવાઈ ફરિયાદ

બંને જૂથના ચાર વ્યક્તિને ગંભીર ઈજા

પોરબંદર :  પોરબંદર નજીકના આદિત્યાણા ગામે નજીવી બાબતમાં મારામારી થતા સામસામી ક્રોસ ફરિયાદ દાખલ થઇ છે. બંને જૂથના મળી ચારને ઈજા થઈ છે.

આદિત્યાણાના જૂના વણકરવાસમાં રહેતા  કિશોર ખીમાભાઇ શીંગરખીયા દ્વારા એવા પ્રકારની પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે કે તે ગઇકાલે સાંજે આદિત્યાણામાં અબુભાઇની રેકડીએ બેઠા હતા ત્યારે તેના ભાઇ ચીમન અને જાદવ કાના વેગડા સામસામી બોલાચાલી કરતા હતા જેથી ફરિયાદી કિશોર તેના ભાઇ ચીમનને ઘરે મુકવા જતો હતો ત્યારે સરમણ ઉર્ફે લાલો શકરા બથવાર ત્યાં આવી પહોંચ્યો હતો અને કિશોરને તમે સાત ભાઇઓ હોય તો શું થયું? તમારાથી અમે કંઇ ડરતા નથી તેમ કહેતા ફરિયાદીએ તેને મારે તારી સાથે ઝઘડો કરવો નથી  તેમ કહેતા સરમણ ઉશ્કેરાઇ ગયો હતો અને ગાળો દેવા લાગ્યો હતો તથા કિશોરની ડોકમાં ઇજા કરી હતી તેમજ ઢીકાપાટુનો માર પણ માર્યો હતો તેથી ફરિયાદીનો ભત્રીજો કરણ ઉર્ફે ભદો પણ ત્યાં આવતા તેણે પણ માર માર્યા હતો.  જતા જતા સરમણે એવું કહ્યું હતું કે, આજે તો તું બચી ગયો, ફરી સામે આવીશ તો મારી નાખીશ. એમ કહીને હત્યાની ધમકી આપી ચાલ્યો ગયો હતો.

આથી ફરીયાદી અને તેના ભત્રીજાને રાણાવાવની સરકારી હોસ્પિટલે લવાયા હતા અને ત્યાંથી તેણે સરમણ સામે ગુન્હો નોંધાવ્યો છે. સામેપક્ષે સરમણ સકરા બથવાર નામના ૩૫ વર્ષીય યુવાને એવી ફરીયાદ નોંધાવી છે કે તે રાત્રે અબુભાઇની રેકડીએ પહોંચ્યો ત્યારે ચીમન ખીમા શીંગરખીયા અને જાદવ ત્યાં ઉભા હતા અને લોકોને ગાળો આપતા હતા આથી સરમણે તેને તું અમને બધાને શા માટે ગાળો આપે છે. તેમ કહેતા ચીમનનો દીકરો ભદો ત્યાં આવી ગયો હતો અને ફરીયાદીને તને પણ ગાળ આપવી છે તારાથી થાય તે કરી લેજે. કહી લાકડી વડે હુમલો કર્યો હતો. કિશોર ખીમા શીંગરખીયા, ધનજી ખીમા શીંગરખીયાએ પણ ફરીયાદીને માર માર્યો હતો. વચ્ચે પડેલા સરમણના માતા સોમીબેનને પણ મંજુબેન ચીમન શીંગરખીયાએ માર માર્યો હતો અને ધમકી આપી જતા રહ્યા હતા આથી ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.


Google NewsGoogle News