ગોહિલવાડમાં આજથી ચોમેર ગણેશોત્સવનો દબદબાભેર પ્રારંભ થશે

Updated: Sep 19th, 2023


Google NewsGoogle News
ગોહિલવાડમાં આજથી ચોમેર ગણેશોત્સવનો દબદબાભેર પ્રારંભ થશે 1 - image


- ઠેર-ઠેર ધાર્મિક, સેવાકીય અને સાંસ્કૃતિક કાર્યક્રમોની જમાવટ થશે

- ગત વર્ષની તુલનામાં આ વર્ષે સાર્વજનિક આયોજનની સંખ્યામાં નોંધપાત્ર પ્રમાણમાં વધારો

ભાવનગર : ઉત્સવપ્રિય ગોહિલવાડમાં દેવાધિદેવ મહાદેવની આરાધનાના મહાપર્વ શ્રાવણ માસની ઉજવણી બાદ હવે ભોળાનાથના પુત્ર વિઘ્નહર્તા ગણેશજીની આરાધનાના મહિમાવંતા મહાપર્વ ગણેશ ઉત્સવની આવતીકાલ તા.૧૯ સપ્ટેમ્બરને મંગળવારથી પરંપરાગત રીતે ભાવ અને ભકિતમય માહોલમાં ઉજવણી કરવામાં આવશે. અત્રે એ નોંધનીય છે કે, ભાવનગર શહેર અને જિલ્લામાં આ વર્ષે સાર્વજનિક ગણેશ ઉત્સવના આયોજનની સંખ્યામાં નોંધપાત્ર પ્રમાણમાં વધારો થયો છે. 

અગાઉ અધિક પુરૂષોત્તમ માસમાં વિષ્ણુ ભગવાનની, શ્રાવણ માસમાં હર હર મહાદેવના ગગનભેદી જયઘોષ કરાયા બાદ હવે આવતીકાલ તા.૧૯,૯ ને મંગળવારથી ગણેશ ચતુર્થીના પાવનકારી મહાપર્વથી ગોહિલવાડમાં ચોતરફ ગણપતિ બાપા મોરીયાનો ગગનભેદી નાદ ગુંજી ઉઠશે.મંગળવારથી ભાવનગર શહેર અને જિલ્લાભરમાં આવેલા શેરી,મહોલ્લાઓમાં દોઢ,ત્રણ, પાંચ, સાત, નવ અને ૧૧ દિવસીય ગણેશ મહોત્સવ માટે સુશોભીત પંડાલો ઉભા કરાયા છે. જયા વાજતે ગાજતે શોભાયાત્રા સ્વરૂપે ગણેશજીની મૂર્તિની વિધિવત રીતે પધરામણી કરી સ્થાપન કરાશે. બાદ ષોડશોપચાર પુજા કરી નૈવેદ્ય ધરાશે. ગણેશ ઉત્સવ દરમિયાન દરરોજ સવાર સાંજ સંતો મહંતો, રાજકીય અને સામાજિક અગ્રણીઓ દ્વારા મહાઆરતી, પુજન અર્ચન  થશે. બાદ અલગ અલગ સામાજિક, સાંસ્કૃતિક, ધાર્મિક અને રચનાત્મક કાર્યક્રમો અને પ્રવૃતિઓ યોજાશે.રાત્રીના ભજન, કિર્તન, ડાયરો,સંતવાણી અને  મનોરંજક કાર્યક્રમો યોજાશે. સમાપન વેળા મંગળ મુર્હૂતે પુજન,આરતી બાદ ગણેશજીની મૂર્તિની ધામધૂમથી વિદાયયાત્રા યોજી મૂર્તિને જળમાં વિસર્જીત કરાશે. આ વખતે ગણેશોત્સવ ૧૧ના બદલે ૧૦ દિવસ ધમધમશે. ચાલુ વર્ષે ચોમેર અધિક આયોજનો થતા ભાવિકોમાં ઉજવણીનો રંગ અને ઉમંગ વધ્યો છે. ગણેશ ઉત્સવના પ્રારંભે જવાહર મેદાન સહિતના સ્થળોએ વેચાણકેન્દ્રોમાં રૂા ૧૦૦ થી લઈને હજજારો રૂપીયાની કદ,સાઈઝ અને સજાવટ મુજબની કિંમતે વેચાતી ગણેશજીની પ્રતિમાનું ફીનીશીંગ, કલરકામ અને સજાવટની અંતિમ તબકકાની કાર્યવાહીને આખરી ઓપ અપાયો હતો. આવતીકાલ તા.૧૯મીએ શુભ મુર્હૂતે વાજતે ગાજતે ગોહિલવાડનું આતિથ્ય માણવા પધારી રહેલા વિઘ્નહર્તા ગણેશજીના આગમનને હરખભેર વધાવવા માટે શ્રધ્ધાળુઓમાં ભારે હર્ષોલ્લાસ પ્રવર્તિ રહ્યો છે. મંગળવારે ગણેશજીના સ્થાપનની સાથે જ ગોહિલવાડ ગણેશમય બની જશે અને ચોતરફ ગણપતિ બાપા મોરીયાનો જયનાદ ગુંજી ઉઠશે.

અનોખા ભૂલભૂલૈયા ગણેશોત્સવ

હાલ ચોતરફ ગણેશજીની મોટી મૂર્તિ મુકવાની હોડ લાગી છે ત્યારે ગરીબ બાળકોના ભોજનના લાભાર્થે પ્રયત્ન ફાઉન્ડેશન દ્વારા ગુજરાતમાં સૌ પ્રથમવાર નવીનતમ ગણેશ ઉત્સવ ઉજવાશે. જેમાં ભૂલ ભૂલૈયા પાર કરીને માત્ર ચોખાના એક દાણા પર બનેલી અદ્રભૂત મુર્તિના ટેલીસ્કોપ દ્વારા ગણપતિના અનોખા દર્શન થશે. તેના દર્શન કરવા માટે સૌથી અઘરી ભૂલ ભૂલૈયા પાર કરવાની રહેશે. જેઓ સૌથી ઓછા સમયમાં પાર કરવા માટેના ઈનામોની જાહેરાત દાતા અને સંસ્થા દ્વારા થઈ રહી છે. 


Google NewsGoogle News