ભાવનગર જુના બંદર ખાડી વિસ્તારમાં ઠલવાતું કેમિકલ જળચર જીવસૃષ્ટિ માટે જોખમી
- પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ દ્વારા યોગ્ય પગલા ભરવા જરૂરી
- ખાડીની બન્ને સાઇડમાં સફેદ કેમિકલના ફીણ દેખાયા : યાયાવર પક્ષીઓ ઉપર પણ ખતરો
ભાવનગર જિલ્લામાં અફાટ કુદરતી સંપત્તિ આવેલી છે, અહીંયા ઘૂઘવતો સમુદ્ર છે, તો આકાશ સાથે વાતો કરતા પર્વતો પણ છે અને તો વળી સોળે કળાએ ખીલેલા જંગલો પણ આવેલા છે. પરંતુ કેટલાક સ્વાર્થી લોકોના કારણે આ કુદરતી સંપત્તિ ક્યાંકને ક્યાંક વિનાશના રસ્તે જઈ રહી છે. ભાવનગર જિલ્લામાં સૌથી વધુ કરંટ ધરાવતો દરિયો આવેલો છે, અને આ દરિયાની ખાડી છેક અમદાવાદના ધંધુકા સુધી ફેલાયેલી છે તેમજ ખંભાત સુધી અખાત આવેલો છે. આ ખાડીમાં અસંખ્ય વિવિધ જીવસૃષ્ટિ વસવાટ કરે છે. આટલું જ નહીં ભાવનગર શહેર નજીકમાંથી પસાર થતી ખાડીની આજુબાજુના વેટલેન્ડ એરિયામાં વિદેશથી યાયાવર પક્ષીઓ પ્રજનન કાળમાં આવી અને વસવાટ કરતા હોય છે.
ભાવનગરના નવા બંદરથી શરૂ થથી ખાડીની આજુબાજુમાં અનેક કેમિકલ ફેક્ટરીઓ આવેલી છે, જે કેમિકલ ફેક્ટરીઓમાંથી કેમિકલયુક્ત પાણી ખાડીમાં ઠાલવવામાં આવી રહ્યું હોવાનો આક્ષેપ જીવદયાપ્રેમી કરી રહ્યા છે. હાલ થોડા દિવસોથી ખાડીમાં કેમિકલવાળા પાણીને લીધે ખાડીની બંને સાઇડ સફેદ કેમિકલના ફીણ જોવા મળી રહ્યા છે તેમજ ખાડીમાં માછલીઓ, યાયાવર પક્ષીઓ અને આ દરિયાઇ જીવો ઉપર નિર્ભર એવા શ્વાન સહિતના અનેક પશુઓના મોત થઇ રહ્યા છે જેને લઇને જીવદયાપ્રેમીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે.