Get The App

નકલી પીએસઆઈની ઓળખ આપી શહેરના સોની વેપારી સાથે છેતરપિંડી

Updated: Oct 25th, 2024


Google NewsGoogle News
નકલી પીએસઆઈની ઓળખ આપી શહેરના સોની વેપારી સાથે છેતરપિંડી 1 - image


- ગંગાજળિયા પોલીસ મથકમાં નકલી પોલીસ અધિકારી સામે ફરિયાદ

- નકલી પોલીસ અધિકારીએ વેપારી સામે પોલીસ કાર્યવાહી નહી કરવાના રૂ.31,500 ઓનલાઈન મંગાવ્યા હતા

ભાવનગર : સુરત શહેર પોલીસના પીએસઆઈ તરીકેની ઓળખ આપી ભાવનગર શહેરના સોની વેપારી સાથે રૂ.૩૧,૫૦૦ની છેતરપિંડી કરનાર શખ્સ વિરૂદ્ધ ગંગાજળિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. વાપી જીઆઈડીસી પોલીસે પોલીસની ખોટી ઓળખ આપી છેતરપિંડી કરતા શખ્સને ઝડપી લેતા સમગ્ર હકીકત સામે આવી હતી.

ભાવનગર શહેરના વોરાબજાર ટંકશાળાવાળા ખાંચામાં નારેશ્વર જ્વેલર્સ નામની દુકાન ધરાવતા અલ્પેશભાઈ ચીમનલાલ ધ્રાંગધરીયાને ગત ૭મી ઓક્ટોબરના રોજ એક અજાણ્યા નંબર પરથી ફોન આવેલો અને સામેના વ્યક્તિએ પોતે સુરત શહેર પોલીસના પીએસઆઈ વિજયરાજસિંહ ગોહિલ તરીકેની ઓળખ આપી હતી અને જણાવ્યું કે અમે સુરતમાં એક સોનાના દાગીનાની ચોરી કરનારને ઝડપ્યો છે અને તેની પુછપરછમાં તેણે પાંચ ગ્રામનો એક સોનાનો ચેઈન તમારી દુકાનમાં વેચેલો છે અને તમે તેને રૂ.૩૧,૫૦૦ રોકડા આપ્યા છે. તેથી તમે સોનાની ચેઈનના રૂ.૩૧,૫૦૦ મને ગુગલ પે દ્વારા મોકલી આપો તો તમારા વિરૂદ્ધ કાર્યવાહી નહી કરીએ અને જો પૈસા નહી મોકલો તો ત્યાં રૂબરૂ આવી ગુનામાં ફીટ કરી દઈશું અને તે પછી પણ ત્રણ ચાર વખત ફોન આવતા સોનાના વેપારીએ ગભરાઈને રૂપિયા મોકલી દીધાં હતા. જે બાદ ગત ૨૧ ઓક્ટોબરના રોજ સોનાના વેપારીના ફોર પર વાપી જીઆઈડીસી પોલીસનો ફોન આવેલો અને ૭ ઓક્ટોબરના રોજ ઓનલાઈન પૈસા મોકલવા અંગે પૃચ્છા કરી વેપારીને જણાવવામાં આવ્યું હતું કે, તમે જેને પૈસા મોકલ્યા તેનું નામ અભિષેક સાવલિયા છે અને તે પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી લોકો પાસે પૈસા પડાવે છે. વાપી જીઆઈડીસી પોલીસે પોલીસની ખોટી ઓળખ આપી છેતરપિંડી કરતા શખ્સને ઝડપી લેતા સમગ્ર હકીકત સામે આવતા અલ્પેશભાઈ ચીમનભાઈ ધ્રાંગધરીયાએ ગંગાજળિયા પોલીસ મથકમાં અભિષેક સાવલિયા નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.


Google NewsGoogle News