ચાંદીપુરા વાયરસ : સરતાનપરની બાળાનો રિપોર્ટ નેગેટિવ, તંત્રએ હાશકારો અનુભવ્યો

Updated: Jul 23rd, 2024


Google NewsGoogle News
ચાંદીપુરા વાયરસ : સરતાનપરની બાળાનો રિપોર્ટ નેગેટિવ, તંત્રએ હાશકારો અનુભવ્યો 1 - image


- 5 દિવસ પૂર્વે ભાવનગર જિલ્લાકક્ષાએ પ્રથમ શંકાસ્પદ કેસ નોંધાયો હતો

- ચાંદીપુરાના લક્ષણો જણાતા બાળકીને  સર ટી. હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી, સેમ્પલ પરિક્ષણ અર્થે પૂના મોકલાયા હતા

ભાવનગર : ચારેક દિવસ પૂર્વે તળાજાના સરતાનપર ગામે ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો સાથે સર ટી. હોસ્પિટલમાં સારવાર લઈ રહેલી માસૂમ બાળાનો આજે રિપોર્ટ નેગેટિવ આવતાં આરોગ્ય વિભાગ સહિત સમગ્ર જિલ્લા વહિવટી તંત્રએ રાહતનો દમ લીધો છે. સાથોસાથ, તંત્ર દ્વારા આ ગંભીર રોગચાળાને નાથવા તૈયાર કરેલો એકશન પ્લાન કાર્યરત હોવાનું જણાવ્યું હતું. 

આ અંગેની વિગત એવી છે કે, રાજ્યભરમાં ચાદીપુરા વાયરસની દહેશ વચ્ચે ગત ગુરૂવારે ભાવનગર જિલ્લાકક્ષાએ ચાંદીપુરા વાયરસનો પ્રથમ શંકાસ્પદ કેસ સામે આવ્યો હતો. તળાજા તાલુકાના સરતાનપર ગામની એક પાંચ વર્ષિય બાળકીને ચાંદીપુરાના લક્ષણો જણાતા તેને પ્રથમ તળાજા અને બાદમાં વધુ સારવારાર્થે ભાવનગર સર ટી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.બીજી તરફ,રોગની ગંભીરતાને જોતાં સર ટી. હોસ્પિટલ તંત્રના બાળરોગ વિભાગ દ્વારા બાળકીના લોહી અને સીએસએફના સેમ્પલ લઈ પરિક્ષણ અર્થે એનઆઈવી પૂના ખાર્ત મોકલવામાં આવ્યા હતા.તો, હોસ્પિટલના બાળ રોગ વિભાગના પીઆઈસીયુ વિભાગમાં બાળકીની સારવાર શરૂ કરી દેવામાં આવી હતી. આજે આ બાળકીનો ચાંદીપુરાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. ભાવનગરમાં નોંધાયેલો ચાંદીપુરા વાયરસનો પ્રથમ શંકાસ્પદ કેસ નેગેટિવ આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. હાલ આ બાળકીની સ્થિતિ સુધારા પર હોવાનું તબીબી સૂત્રોએ વિગતો આપતાં જણાવ્યું હતું.બાળકી સંપૂર્ણ સ્વસ્થ થયે ડિસ્ચાર્જ કરવામાં આવશે તેમ જણાવતાં તબીબી સૂત્રોએ ઉમેર્યું કે, હાલ હોસ્પિટલમાં ચાંદીપુરાનો એક પણ શંકાસ્પદ કેસ સારવારમાં નથી. 

તળાજા તાલુકાના 118 ગામોમાં દવાનો છંટકાવ

તળાજા તાલુકામાં ચાંદીપુરાનો શંકાસ્પદ કેસ સામે આવ્યા બાદ આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યંર છે અને છેલ્લા પાંચેક દિવસોમાં તાલુકાના ૧૧૮ ગામોના ૧૫૭૦ કાચા મકાનોમાં મેલેથીઓન પ% ડસ્ટીંગ કરવામાં આવ્યું છે. તેમજ સરતાનપર ગામના ૭૭ ઘરોમાં આઈઆરએસ સ્પ્રેઈંગ કરવામાં આવ્યું હતું.


Google NewsGoogle News