ભાવનગર શહેર અને જિલ્લામાં ઝુલુસ સહિતના કાર્યક્રમો સાથે ઈદે મિલાદુન્નબીની ઉજવણી
- ઈસ્લામ ધર્મના મહાન પયગંબર સાહેબની જન્મ જયંતિ નિમીત્તે
- દરગાહ શરીફમાં ચાદર ચડાવી સલાતો સલામ પઢવામાં આવી, સામુહિક દુવાઓ કરવામાં આવી
ઈદે મિલાદુન્નબી નિમીત્તે ભાવનગર શહેરમાં ચાવડી ગેટ વિસ્તારમાં આવેલ હઝરત પીર મહમદશાહબાપુની વાડીમાંથી એક શાનદાર ઝુલુસનો પ્રારંભ કરાયો હતો. પ્રારંભે દરગાહ શરીફમાં ચાદર ચડાવી સલાતો સલામ પઢવામાં આવી હતી. અને સામુહિક દુવાઓ કરાઈ હતી. સિટી ડીવાય.એસ.પી.એ લીલી ઝંડી બતાવી ઝુલુસને પ્રસ્થાન કરાવાયુ હતુ. આ ઝુુલુસ શહેરના રાજમાર્ગો પર ફરીને બપોરે બે કલાકે શહેરના શેલારશા ચોકમાં ઝુલુસ સંપન્ન થયુ હતુ. આ ઝુલુસમાં પીરે તરીકત હઝરત સૈયદ હમ્ઝા અશરફ અશરફી કછોછવી સાહેબ તેમજ બાપુની વાડીની મસ્જીદના પેશ ઈમામ સાહેબ, ખોજા શિયા ઈસ્ના અસરી જમાતની મસ્જીદના પેશ ઈમામ સાહેબ, દાઉદી વ્હોરા સમાજના આમીલ સાહેબ તેમજ અન્ય આલીમ સાહેબો,મૌલાના સાહેબો,મદ્રેસાના બાળકો, મિલાદ પાર્ટીઓ, સમસ્ત મુસ્લિમ સમાજના આગેવાનો, કસ્બા અંજુમને ઈસ્લામના જનરલ સભાના સભ્યો તેમજ ખિદમત કમિટીના સભ્યો જોડાયા હતા. શહેરના અંદાજે ૫૦૦૦૦ થી વધુ લોકો જોડાયા હતા. ઝુલુસમાં સુન્ની દાવતે ઈસ્લામીના મુબલ્લીગો ૩૦૦ કરતા વધારે મુસ્લિમ પોશાકમાં સામેલ હતા. દાઉદી વોરા સમાજનું તાહીરી બેન્ડ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યુ હતુ. ઝુલુસના રૂટ પર તેમજ ઠેર ઠેર ન્યાઝનું વિતરણ કરાયુ હતુ. જયારે સિહોરમાં લીલાપીરમાંથી શાનદાર ઝુુલુસ નિકળ્યુ હતુ જે સુરકાના દરવાજા, ખાટકીવાસ, ધનકેડી રોડ,પ્રગટનાથ રોડ, આંબેડકર ચોક, ડેલામાં,જલુના ચોક, ઘાંચીવાડ થઈને લીલાપીર ખાતે પહોંચી હતી. જેસરમાં નાતશરીફ સાથે શાનદાર ઝુલુસ કાઢવામાં આવ્યુ હતુ જે મેઈન બજારમાં થઈને ત્રણ ખુણીયા,સાવરકુંડલા ચોકડી થઈને મદ્રેસાએ ગોસીયામાં પુર્ણ થયુ હતુ.પાલિતાણામાં પણ શાંતિ, અમન અને ભાઈચારાની ભાવનાથી ઈદે મિલાદની ઉજવણી કરાઈ હતી. જુમ્મા મસ્જીદેથી શહેરના મુખ્ય માર્ગો પર ઝુલુસ નિકળ્યુ હતુ. આ ઉપરાંત ધંધુકા, રોજકા, પડાણા, બાજરડા, ગુંજાર તેમજ રાણપુર તેમજ જાફરાબાદમાં પણ ઈદે મિલાદુન્નબીના તહેવારની ઝુલુસ સાથે ઉજવણી કરવામાં આવી હતી.