પોરબંદર પાલિકાનાં કોંગ્રેસ- ભાજપ બંનેનાં શાસનની મગાતી CBI તપાસ
શાસકોનાં ભ્રષ્ટાચાર અને અણઆવડતે નોતરી આફત
પૂરની સ્થિતિ માટે પબ્લિસિટી સ્ટંટ કરતા ભાજપ સત્તાધીશો જવાબદારઃ પમ્પિંગ સ્ટેશન બંધ હતા છતાં સહૂ ચૂપ રહ્યા
પોરબંદર: પોરબંદરની હાલની સ્થિતિ એ માત્ર કુદરતી આફત જ નહીં, બલ્કે માનવસર્જિત પણ છે એવા આક્ષેપ સાથે કોંગ્રેસે કલેક્ટરને આવેદન આપ્યું હતું તથા પ્રજાકીય કાર્યો માટેનાં નાણાં કોણે- કોણે ક્યાં- ક્યાં વેડફી નાખ્યા એ મુદ્દે સીબીઆઈ મારફત તપાસ કરાવવી જોઈએ એ મતલબની માગણી ઉઠાવી છે.
આ આવેદનપત્રમાં કોંગ્રેસના જિલ્લા પ્રમુખ રાજુભાઇ ઓડેદરા, શહેર પ્રમુખ વિપુલ ચંદારાણા વગેરેએ આરોપ લગાવ્યા છેકે હવામાન ખાતાની આગાહી હોવા છતાં તંત્રએ લાપરવાહી દાખવી છે. પાછલા વર્ષનું પી.જી.વી.સી.એલ.નું રૂપિયા અંદાજે ૧.૫૦ કરોડનુ બિલ ન ભરવાને લીધે નગરપાલિકાનાં પમ્પિંગ સ્ટેશન બંધ હતા, જેની જાણ નગરપાલિકા અને જિલ્લાના તમામ અધિકારીઓને હતી છતાં ચૂપ રહ્યા છે. પ્રિ મોન્સુન કામગીરી ફકત કાગળ ઉપર થઈ છે. રાહત અને બચાવ કાર્ય એકદમ ધીમી ગતિએ થયું. આ બધાની વચ્ચે તંત્રવાહકો અને ધારાસભ્ય એવો દાવો કરે છે કે ખાસ કોઇ મુશ્કેલી નથી! નેશનલ હાઈવેથી દ્વારકાને જોડતા રસ્તામાં થયેલ ભ્રષ્ટાચાર અને યોગ્ય પાણી નિકાલના અભાવે મોટાભાગના ગામડાઓ પૂરગ્રસ્ત છે. દરિયાઇ પટ્ટીમાં ખનીજચોરીના લીધે પાણી ભરાવા અને પાણીના નિકાલના માર્ગો અસરગ્રસ્ત થયા છે. શહેરમાં બાંધકામની જેમ તેમ મંજૂરીઓ આપેલી હોવાથી પાણી નીકળવાની વ્યવસ્થા ખોરવાઇ ગઈ છે.
કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે ફાળવેલ પૈસાનો મનઘડત યોજનાઓમાં ઉપયોગ કરીને યા તો સરાજાહેર ભ્રષ્ટાચાર થયો છે અથવા અણઆવડતની માત્રા વધુ છે. બગીચા બનાવવામાં પ્રજાના પૈસા હતા, તોડવામાં પણ પ્રજાના રૂપિયા વેડફાયા. પાલિકાના શાસકોને તો ભાવતું તું ને વૈધે કહ્યા જેવું થયું, બગીચાઓમાં ગજવા ભરેલા પૈસાનું પોત પ્રકાશે નહીં એટલે અતિવૃષ્ટિનું કારણ જણાવીને અને કલેકટરને આગળ કરીને રૂપાળીબાગ સામે તેમજ અન્ય જ્યાં જયા સાંઢિયા ગટર બંધ કરી ત્યાં બધે આડું આવે એ તોડી પાડવાનો આદેશ થયો. એ તોડવું જરૂરી જ છે પણ એ બુર્યું તુ કેમ એ સવાલ આ તોડફોડમાં દબાઈ ન જવો જોઈએ. પોણી કોંગ્રેસ ભાજપમાં પ્રવેશી ચુકી છે અને ભ્રષ્ટાચારે જ પોરબંદરની ઘોર ખોદી છે તેથી પોરબંદર પાલિકાનાં કોંગ્રેસ અને ભાજપ બંને વખતના શાસનની સી.બી.આઈ. તપાસ થવી જોઈએ એવી માગણી પણ ઉઠાવવામાં આવી છે.
પોરબંદર શહેર- જિલ્લા માટે મુખ્ય માગણીઓ
* જળપ્રલય અને તંત્રની બેદરકારીથી થયેલી નુકસાનીનું વળતર ચૂકવવામાં આવે. * શહેર તથા ગામડામાં તમામ નુકસાનીનો તાત્કાલિક સર્વે કરી કેશડોલ્સ આપવામાં આવે. * મોટાભાગના રસ્તાઓ વરસાદના લીધે બિસ્માર થઇ ગયા હોવાથી વહેલી તકે સમારકામ હાથ ધરવામાં આવે.