સિહોરમાં રખડતા ઢોરનો ત્રાસ વધ્યો, હાઈકોર્ટનો આદેશ છતાં તંત્રનું મૌન

Updated: Feb 14th, 2024


Google NewsGoogle News
સિહોરમાં રખડતા ઢોરનો ત્રાસ વધ્યો, હાઈકોર્ટનો આદેશ છતાં તંત્રનું મૌન 1 - image


- ભૂતકાળમાં ઢોરે ઢીંકે ચડાવતા 3 થી 4 વ્યક્તિએ જીવ ગુમાવેલો

- મુખ્ય બજાર અને રસ્તાઓ પર ત્રાસ વધુ, રાહદારી અને વાહનચાલકોને જીવ તાળવે ચોંટયા રહે છે

સિહોર : સિહોર શહેરમાં નગરપાલિકાના નધણિયાત તંત્રના પાપે રખડતા ઢોરનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે. જેના કારણે ઢોરની ઢીંકે ચડી લોકોને સામાન્યથી લઈ ગંભીર ઈજા પહોંચવાના કિસ્સા છાશવારે બની રહ્યા છે. આ ગંભીર બાબતની અગાઉ ગુજરાત હાઈકોર્ટે પણ નોંધ લઈ રેઢિયાળ ઢોરને પકડવા માટે આદેશ કર્યા હતા. પરંતુ હાઈકોર્ટના આદેશને પણ સિહોર નગરપાલિકાનું તંત્ર ગણકારતું ન હોય તેમ મૌન સેવીને બેઠું છે.

સિહોર શહેરમાં રેલવે સ્ટેશન, અમદાવાદ રોડ, દાદાની વાવ, વડલા ચોક, પ્રગટનાથ, ધનકેડી રોડ, મુખ્ય બજાર, શાકમાર્કેટ, કંસારી બજાર, જૂના સિહોર સહિતના વિસ્તારોમાં ખૂંટિયા સહિત ૨૦થી ૨૫ ઢોરના ટોળા રસ્તા ઉપર અડીંગો જમાવી રાખતા હોય છે. ઘણાં વખત રસ્તા પર આખલા યુદ્ધ થતાં નાગરિકો અડફેટે પણ ચડતા હોય છે. આવા ભૂતકાળમાં બનેલા બનાવોમાં ત્રણથી ચાર વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે તેમ છતાં નગરપાલિકાના તંત્રના અધિકારી કે પદાધિકારીઓના પેટનું પાણી હલ્યું ન હતું. ઢોર પકડવા માટે હાઈકોર્ટે સખત પગલા ભરવા આદેશ કર્યા છે. તેમ છતાં સિહોરમાં ઉલ્ટી ગંગા વહેતી હોય તેમ ઢોરનો ત્રાસ ઘટવાના બદલે દિન-પ્રતિદિન વધતો જઈ રહ્યો છે. તેમાં પણ વાહનો અને લોકોની અવર-જવરથી વ્યસ્ત રહેતી મુખ્ય બજાર અને અન્ય મુખ્ય માર્ગો પર રખડતા રેઢિયાળ ઢોર અડીંગો જમાવીને બેઠા રહેતા હોવાથી રાહદારી અને વાહનચાલકોને આવા વિસ્તારોમાંથી પસાર થતી વખતે જીવ તાળવે ચોંટયા રહે છે.

ભાવનગર જિલ્લા કલેક્ટરે પણ ઢોરને પકડી ડબ્બે પૂરવાની ઝુંબેશ ચલાવવા પરીપત્રો કર્યા છે. તેમ છતાં સિહોર નગરપાલિકા તંત્ર દ્વારા આજદિન સુધી આવી કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી ન હોય, સિહોરવાસીઓમાં રોષની લાગણી પ્રસરી છે. આ મામલે નગરપાલિકાએ ગંભીરતા દાખવી લોકોને ઢોરના ત્રાસમાંથી મુક્તિ આપવી જોઈએ તેવી લાગણી સાથે માંગણી ઉઠી છે.


Google NewsGoogle News