સાણથલીના શૈક્ષણિક સંકુલમાંથી રૂા.2.50 લાખની રોકડની ચોરી
જસદણ પંથકમાં તસ્કરોનો તરખાટ યથાવત
મધરાત્રે અઢી વાગ્યે બુકાની બાંધીને આવેલા તસ્કરની કરતૂતો સીસીટીવી કેમેરામાં કેદ, પોલીસ તપાસ શરૂ
જસદણ: જસદણ તાલુકાના સાણથલી ગામે શૈક્ષણિક સંકુલમાંથી અઢી લાખની ચોરી થતા ચકચાર મચી જવા પામી છે. ચોરી કરવા આવેલા બુકાનીધારી તસ્કરની કરતૂત સીસીટીવી કેમેરામાં પણ કેદ થઇ છે.
જસદણ તાલુકાના સાણથલી ગામે આવેલ આરૂણી શૈક્ષણિક સંકુલના સંચાલક મુકેશભાઈ ખૂટે આટકોટ પોલીસ સ્ટેશન ખાતે કરેલી જાણ મુજબ સાણથલી ગામે તેમના દ્વારા સંચાલિત આરૂણી શૈક્ષણિક સંકુલમાં ચોરીનો બનાવ મધ્ય રાત્રિએ બનેલ છે. શાળાની ઓફિસના કબાટમાં રાખેલા અંદાજે રૂપિયા ૨,૫૦,૦૦૦ ની રોકડ રકમ તસ્કર ઉઠાવી ગયા હતા.
જોકે સમગ્ર ઘટના શાળાની ઓફિસના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. સીસીટીવી કેમેરાના રેકોર્ડ મુજબ અંદાજે રાત્રે અઢી વાગ્યે ચોરીનો બનાવ બનવા પામ્યો છે. જોકે ચોરી કરનાર શખ્સ મોઢા ઉપર બુકાની બાંધી આવેલો હોય ચહેરો સ્પષ્ટ ઓળખી શકાય તેમ નથી. જાણભેદુ છે કે અન્ય કોઈ શખ્સ તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે. આટકોટ પોલીસ સ્ટેશનના પીએસઆઇ જે. એચ. સિસોદિયા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને તપાસ શરૂ કરી છે. ચોરીના બનાવને પગલે સાણથલી ગામમાં ચકચાર મચી જવા પામી છે.