ધંધુકા મંદીના ભરડામાં ભરડાયું, વેપાર ધંધામાં ઘણાને તો બોણી થતી નથી
- માવઠાને લઈને વાવેતરમાં નિષ્ફળતા
- ખેતી અને હીરા ઉદ્યોગમાં મંદી, જી.આઈ.ડી.સી. લકવાગ્રસ્ત, દિવાળીના વ્યવહારો કેમ સચવાશે તે જ મોટો પ્રશ્ન છે
અમદાવાદ જિલ્લાના છેવાડે અને ભાવનગર અને બોટાદ જિલ્લાને અડીને આવેલો ધંધુકા તાલુકો મંદીમાં સપડાયો છે. વેપારીઓ બેકાર બેઠા છે. ઘરાકી નથી, ઘણા વેપારીઓને તો આખો દિવસ બેસવા છતાં બોણી પણ થતી નથી. નોરતા ગયા અને દિપોત્સવી નજીક આવી હોવા છતાં પણ બજારો સુમશામ દેખાય છે. હીરા ઉદ્યોગ બંધ થવાના આરે આવીને ઉભો છે. હીરા ઉદ્યોગની મંદી બજારમાં દેખાય છે. છાસવારે માવઠાને લઈને ખેડૂતોને પણ ખેતીમાં મોટો માર પડયો છે. બેથી ત્રણ વખતના કપાસ સહિતના વાવેતરો નિષ્ફળ ગયા બાદ પણ ઉત્પાદન જોવે તેવુ થશે નહિ. મોંઘા ભાવના બીયારણ, ખાતર અને દવાઓ વાપરી ખેતીમાં બેથી ત્રણ વખત નિષ્ફળતા મળ્યા પછી કપાસ વિણવાનું શરૂ કરાયુ છે. કપાસમાં પણ રોગ થવાથી ઉત્પાદન દેખાતુ નથી. ગ્રામ્ય વિસ્તારોમાં લોકો ખેતીકામમાં લાગેલા છે. ધંધુકાની બજારો માણસો વગર ભેંકાર ભાસે છે.ધંધુકા તાલુકો વરસાદી ખેતી અને હીરા ઉદ્યોગ ઉપર તેની રોજગારીનો આધાર છે. ત્યાં આ બંને ક્ષેત્રમાં આવેલી મંદીના કારણે વેપારીઓ તો ઠીક પણ લારીઓમાં નાનો મોટો ધંધો કરતા લોકોને પણ વેપાર થતો નથી. ધંધુકાના કોટડા ગામે જી.આઈ.ડી.સી. ઘણા વર્ષોથી થઈ છે. પરંતુ ત્યાં ઉદ્યોગો ખાસ જામ્યા નથી. તેને પણ મંદીની અસર મારી દે છે. અને જે શરૂ છે તે પણ મંદીના ભરડામાં ભરડાય છે. આગામી દિવસોમાં શુ થશે તે પ્રશ્ન છે. ફટાકડાની દુકાનોવાળા પણ બેકાર બેઠા છે. જથ્થાબંધ માલ તો લાવ્યા પણ ઘરાકી નથી. આ વખતે તો નવરાત્રિ અને દશેરાના તહેવારોમાં કંદોઈ, ફરસાણવાળાને પણ ધંધો દેખાયો નથી. વર્ષો વર્ષ થતા ધંધામાં ૫૦ થી ૬૦ ટકા મંદી દેખાય છે. આમ, તમામ વેપારધંધા મંદીમાં સપડાયા છે.