આજે ભાવનગર શહેર-જિલ્લાના 1862 મતદાન મથક પર સંક્ષિપ્ત સુધારણા ઝુંબેશ
- મતદારયાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત ચાલુ માસમાં ચાર દિવસ ખાસ ઝુંબેશ યોજાશે
- મતદાર યાદીમાં નામ નોંધણી, નામ સુધારણા, નામ કમી તેમજ સ્થળ ફેરફાર સહિતની કામગીરી હાથ ધરાશે : 1862 બીએલઓ ફરજ બજાવશે
આગામી તા. ૦૧ જાન્યુઆરી ૨૦૨૨ની લાયકાતની તારીખનાં સંદર્ભમાં સઘન સ્વરૂપે ફોટાવાળી મતદાર યાદીનો ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ છે. જેમાં લાયકાત ધરાવનાર કોઈ નાગરિકનું મતદાર યાદીમાં નામ દાખલ કરવાનું બાકી હોય તો સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ હેઠળ નિયત નમુના ફોર્મ નંબર ૬ ભરીને રજુ કરી શકાશે. લાયકાત ધરાવનાર નાગરિક મતદાનના અધિકારથી વંચિત ન રહી જાય તે હેતુથી મતદારયાદીમાં નામ નોંધણી કરાવવા બાકી રહી ગયેલા લાયકાત ધરાવતાં નાગરિકોની મતદાર તરીકે નોંધણી કરાવવા માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા ખાસ ઝુંબેશ હેઠળ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.
ખાસ ઝુંબેશ આગામી તા.૨૧ નવેમ્બરને રવિવારે, તા.૨૭ નવેમ્બરને શનિવાર અને તા.૨૮ નવેમ્બરને રવિવાર પણ યોજાશે. મતદારયાદીની વિગતો ચકાસી શકાશે તેમજ મતદારયાદીમાં મતદારનાં તરીકે નોંધણી કરાવવા માટે ફોર્મ ભરીને સ્થળ પર રજૂ કરી શકાશે. ઉપરાંત મતદાર યાદીમાં રહેલ મતદારો પૈકી લાગુ કિસ્સામાં નામ કમી કરવા માટે ફોટો વિગતો સુધારવા માટે સ્થળ ફેરફાર માટે ફોર્મ ભરીને રજૂ કરી શકાશે. નિયત નમુનામાં કોરા ફોર્મ્સ મતદાન મથક ખાતે ઉપસ્થિત બુથ લેવલ ઓફિસર પાસે ઉપલબ્ધ રહેશે તેમ ભાવનગરના નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવેલ છે.