Get The App

બોટાદ : 10 દિવસ બાદ ખંડણીખોરે ફરી બિલ્ડરના ઘર પર પથ્થરમારો કર્યો, 28 લાખની ખંડણી માંગી

Updated: Dec 1st, 2024


Google NewsGoogle News
બોટાદ : 10 દિવસ બાદ ખંડણીખોરે ફરી બિલ્ડરના ઘર પર પથ્થરમારો કર્યો, 28 લાખની ખંડણી માંગી 1 - image


શખ્સે બિલ્ડરને અગાઉ ફોન કરી બાંધકામ શરૂ રાખવું હોય તો નાણાં આપવા પડશે તેમ કહી ધમકી આપી હતી, ૧૦ દિવસ બાદ ઘટનાનું પૂનરાવર્તન 

મધ્યરાત્રિએ શખ્સે તેના ત્રણ સાગરિત સાથે આવી બિલ્ડરના ઘર પર પથ્થરમારો કર્યો ઃ અગાઉ નાણાં માંગ્યાના મામલે ફરિયાદ કેમ કરી કહીને બિલ્ડરને ધમકી આપી, સીસીટીવી તોડયા

ભાવનગર : ભાવનગર બાદ બોટાદમાં પણ ગુંડાગર્દી ફુલી ફાલી હોય અને ગુન્હેગારોને જાણે કે કાયદાનો ડર જ ન હોય તેમ બોટાદના બિલ્ડરને તેનું બાંધકામનું કામ ચાલું રાખવું હોય તો પૈસા દેવા પડશે તેવી ધમકી આપી તેમના ઘર પર પથ્થરમારો કરનાર મુખ્ય સૂત્રધાર સહિતના ચાર શખ્સોએ ૧૦ દિવસ બાદ ગત મધ્યરાત્રિએ ફરી બિલ્ડરના ઘર પથ્થરમારો કર્યો હતો. અને ૨૮ લાખની ખંડણી માંગી ઘરની બહાર મુકેલાં સીસીટીવી કેમેરા તોડી નાંખ્યા હતા. બનાવ અંગે બિલ્ડરે ૧૦ દિવસમાં ફરી વખત ચાર શખ્સો સામ બોટાદ પોલીસ સ્ટેશનમાં ધમકી આપી, નુકશાન કર્યાની તથા ખંડણી માંગ્યાની ફરિયાદ નોંધાવી છે. 

બોટાદ શહેર અને જિલ્લામાં ચકચાર મચાવતાં બનાવની વિગત એવી છે કે, બોટાદના પાળિયાદ રોડ ખાતે આવેલાં  સંજય હોસ્પિટલ સામે સ્વસ્તિક સોસાયટી ખાતે રહેણાંક ધરાવતાં અને વ્યવસાયે બંાધકામ -કન્ટ્રકશનનો વ્યવસાય કરતા રાજનભાઈ હિતેશભાઈ ગોરેચા ગત તા.૩૦ ના રોજ રાત્રિના સુમારે બારેક કલાકે પોતાનું રોજિંદું કામ પતાવી ઘરે આવ્યા બાદ નિત્યક્રમ પ્રમાણે પોતાના ઘરે સુઈ ગયા હતા. તેવામાં રાત્રિના ૨ઃ૧૫ કલાક આસપાસ એકાએક તેમના ઘરની બારીનો કાચ તૂટવાનો અવાજ આવતાં રાજનભાઈ તથા ઘરની નીચેના ભાગે સુઈ રહેલાં તેમના માતા,પિતા સહિતના પરિવારજનો એકાએક જાગી ગયા હતા. જયારે, ઘરની બહાર અવાજ આવતો કોઈના બોલવાનો અવાજ આવતો હોય રાજનભાઈ તેમના ઘરના ઘાબા પર ગયા હતા. જયાંથી નજર કરતાં તેમના ઘરની બહાર ચાર શખ્સો રોડ પર ઉભા હતા. જે પૈકી ત્રણ શખ્સે મોંઢા ઉપર રૂમાલ બાંધ્યો હતો. જયારે, અન્ય એક જાવદ જાકિરભાઈ કુરેશી હતો. જાવેદ તથા તેની સાથેના બીજા અજાણ્યા શખ્સ પાસે લોખંડનો પાઇપ હતો. આ તકે, ધાબા પર રહેલાં રાજનભાઈને જોઈ જાવેદે મોટા અવાજે કહ્યું હતું કે,મેં તને અગાઉ પણ ફોન કરીને કહ્યું હતું કે તારે બાંઘકામ શરૂ રાખવુ હોય તો મને રૂ.૨૮ લાખ આપવા પડશે. છતાં તે મારા ઉપર પોલીસ ફરિયાદ શા માટે  કરી હતી?,  તુ નીચે આવ આજે તને જીવતો રહેવા દેવાનો નહી તેમ કહી તેમને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ પણ અધુરૂં હોય તેમ ઉક્ત શખ્સોએ રાજનભાઈના  ઘરની દીવાલે  આવેલાં બે સી.સી.ટી.વી.કેમેરાને પોતાના હાથમાં રહેલાં પાઇપ વતી તોડી નાખ્યા હતા.જોકે, રાજનભાઈ કે તેમનો પરિવાર કંઈ સમજે તે પૂર્વે રસ્તા પર ઉભેલાં ચારેય શખ્સોએ તેમના ઘર પર પથ્થરમારો કર્યો હતો.હુમલાખોરોએ મધ્યરાત્રિએ રાજનભાઈના ઘર પર  પાઇપ તથા લોખંડના સળીયા તથા લાકડાના ટુકડાના છુટા કરી દહેશતનો માહોલ સર્જયો હતો.જેના કારણે રાજનભાઈ અને તેમના માતા પિતા સહિતના પરિવારજનો ગભરાઈ ગયા હતા.  આ વેળાએ તેમણે ગભરાઈને પોલીસ કંટ્રોલ રૂમના ૧૦૦ મા ફોન કરી પોલીસ મદદ માગતા ચારેય શખ્સ ઘર પાસેથી નાસી છૂટયા હતા.બનાવ અંગે બોટાદ પોલીસે બિલ્ડર રાજનભાઈ ગોરેચાની ફરિયાદના આધારે ઉકત ચારેય શખ્સો વિરૂદ્ધ રૂ.૨૮ લાખની ખંડણી માંગી ઘર પર પથ્થરમારો કરી, સીસીટીવીને નુકશાન કરી ફરિયાદીને જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાની કલમ અન્વયે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે. 

મહત્વપૂર્ણ છે કે, ગત મધ્યરાત્રિએ બનેલાં બનાવમાં ધમકી બિલ્ડરને આપનાર જાવેદ નામના શખ્સે ૧૦ દિવસ પૂર્વે પણ આ જબિલ્ડરને ફોન પર ધમકી આપી તેમની પાસેથી નાણાંની માંગણી કરી હતી. અને નાણાં ન આપતાં તેમના ઘર પર પથ્થરમાોર કરી સીસીટીવીને મુકશાન પહોંચાડયું હતું. એક સમાન મોડસ ઓપરેન્ડીથી ૧૦ દિવસના અંતરે બિલ્ડર પાસેથી કામ શરૂ રાખવું હોય તો ૨૮ લાખ આપવાની ધમકી આપી, ઘર પર પથ્થરમારો કરી સીસીટીવીને નુકશાન કર્યાની સતત બીજી વખત ફરિયાદ નોંધાઈ છે. ૧૦ દિવસમાં એક જ વ્યકિતના ઘર પર પથ્થરમારાની બે-બે ઘટના બોટાદમાં પોલીસની ધાક  કે ડર ન હોવાનું પ્રતિપાદિત  કરે છે. 

અગાઉ પણ  ચાર શખ્સોએ  બિલ્ડરના ઘર પર પથ્થરમારો કરી દહેશતનું વાતાવરણ ફેલાવ્યું હતું ઃ ભાવનગર બાદ બોટાદમાં પણ કાયદો અને  વ્યવસ્થા સામે પ્રશ્નાર્થ સર્જાયો 

બોટાદમાં ગુન્હેગારો બેફામ   

એક વર્ષમાં ચાર વખત ઘટના બની છે, ફરિયાદ પણ કરી છે ઃ બિલ્ડર 

બોટાદના બિલ્ડર રાજનભાઈ ગોરેચાએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું કે, તેમને નાણાં આપવાનું કહી મારી નાંખવાની ધમકી અપ્વા સહિતની એક વર્ષમાં સતત ચાર વખત ઘટના બની છે. તમામ વખત પોલીસ ફરિયાદ નોંધાવી છે. તેમણે આ ફરિયાદ બાદ બોટાદ જિલ્લા પોલીસ વડાને મળી ફરિયાદની સાથે અગાઉના ઘટનાક્રમ સાથેની વિગતવાર માહિતી આપી હોવાનું તેમણે વિગતો આપતાં અંતમાં જણાવ્યું હતું. 

ફરિયાદ લીધી છે, ફરિયાદીને સાઁભળ્યાં છે, ઝડપથી કાર્યવાહી થશેઃ પોલીસ વડા 

બોટાદ જિલ્લાના પોલીસ વડા કે.બી. બળોલિયાએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું કે, બોટાદના બિલ્ડરના ઘર પર પથ્થરમારો કરી તેમનાી પાસેથી ખંડણી માંગવામાં આવી હોવાની ફરિયાદ નોંધાઈ છે. પોલીસ ફરિયાદ બાદ ફરિયાદી વ્યકિગત મળ્યા હતા અને ઝડપી અને ન્યાયિક કાર્યવાહીની રજૂઆત કરી હતી. આ મામલે જવાબદારોને ઝડપી લઈ તેમની સામે ન્યાયિક કાર્યવાહી થશે. તેમ તેમણે વિગતો આપતાં અંતમાં જણાવ્યું હતું. 


Google NewsGoogle News