સિહોરના મગલાણા પાસે મીલમાં બોઈલર બ્લાસ્ટ, 2 મજૂરના મોત

Updated: Apr 3rd, 2024


Google NewsGoogle News
સિહોરના મગલાણા પાસે મીલમાં બોઈલર બ્લાસ્ટ, 2 મજૂરના મોત 1 - image


- વેગા એલોયસ મીલમાં મધરાત્રે દુર્ઘટના સર્જાઈ

- ગંભીર રીતે દાઝેલા એક પરપ્રાંતિય મજૂરને ભાવનગર ખસેડાયો, પોલીસે તપાસ હાથ ધરી

સિહોર : સિહોર તાલુકાના મગલાણા ગામ પાસે આવેલી વેગા એલોયસ મીલમાં મધરાત્રિના સમયે બોઈલર બ્લાસ્ટ થતાં બે પરપ્રાંતિય કર્મચારીના કમકમાટીભર્યા મોત થયા હતા. જ્યારે એક મજૂરને ગંભીર હાલતમાં ભાવનગર સર ટી.હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બનાવની જાણ થતાં સિહોર પોલીસનો કાફલો દોડી ગયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર સિહોર તાલુકાના મગલાણા ગામ પાસે જીઆઈડીસીમાં આવેલ વેગા એલાયસ મીલમાં રાત્રિના સમયે લોખંડના રસ ઓગળવાની કામગીરી ચાલી રહી હતી. દરમિયાનમાં શરૂ રાત્રિના ૨-૩૦ કલાકના અરસામાં બોઈલરમાં ધડાકાભેર બ્લાસ્ટ થતાં ભઠ્ઠીમાં રહેલો ધગધગતો લોખંડનો રસ ઉડીને ત્રણ મજૂર ઉપર પડતા તેઓ ગંભીર રીતે દાઝી ગયા હતા. આ ત્રણેય મજૂરને તાબડતોડ સારવાર માટે ભાવનગર સર ટી.હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હરેન્દ્રભમાઈ દુકીભાઈ માંઝી (ઉ.વ.૫૦, રહે, હાલ વેગા એલોયસ મીલ, મગલાણા, મુળ ભલુઆ, તા.બરહરિયા, જિ.સીવાન, બિહાર) અને લાલબાબુ બલરામ તિવારી (ઉ.વ.૪૭, રહે, હાલ વેગા એલોયસ મીલ, મગલાણા, મુળ ગોપીનાથપુર, વોર્ડ નં.૧૧, મુઝ્ઝફરપુર, બિહાર)નું કરૂણ મોત નીપજ્યું હતું. જ્યારે પ્રહલાદ પ્રસાદ (ઉ.વ.૪૨) નામનો અન્ય એક મજૂરની હાલ સારવાર શરૂ છે. મગલાણાની વેગા એલોયસ મીલમાં મધરાત્રે બનેલી દુર્ઘટનાને લઈ મજૂરોમાં ડરનો માહોલ ઉભો થયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસે દોડી જઈ મીલના મેનેજરે આપેલી જાહેરાતના આધારે અકસ્માતે મોતની એન્ટ્રી કરી આગળની તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News