ભાવનગર સીટ સૌથી વધુ 4.55 લાખ મતથી જીતવાનો ભાજપનો નવો રેકોર્ડ
- 18 મી લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારને મળ્યા 7,16,883 મત
- વર્ષ 2009, 2014 અને 2019 એમ સતત 3 લોકસભા ચૂંટણીમાં વિજેતા ભાજપ ઉમેદવારના મત અને સરસાઈમાં વધારો
સતત ત્રણ લોકસભા ચૂંટણીથી વિજેતા ભાજપના ઉમેદવારના મત અને સરસાઈમાં સતત વધારો જ થતો જોવા મળ્યો છે. ૨૦૦૯ની સાલમાં ચૂંટણી યોજાઈ તેમાં ભાવનગર લોકસભા સીટ પર ભાજપ, કોંગ્રેસ અને મજપા વચ્ચે ત્રિપાંખિયો જંગ ખેલાયો હતો. જેમાં ભાજપના ઉમેદવારને ૨,૧૩,૩૭૬ મત જ્યારે તેમના નજીકના હરિફ કોંગ્રેસના ઉમેદવારને ૨,૦૭,૪૮૩ મત પ્રાપ્ત થયા હતા. આમ, ભાજપના ઉમેદવારનો ૫૮૯૩ મતની સાંકડી સરસાઈથી વિજય થયો હતો.
વર્ષ ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારને ૫,૪૯,૫૨૯ મત અને નિકટતમ પ્રતિદ્વંદી કોંગ્રેસના ઉમેદવારને ૨,૫૪,૦૪૧ મત મળ્યા હતા. આમ, ભાજપના ઉમેદવાર ૨,૯૫,૪૮૮ મતની સરસાઈથી જીત્યા હતા તો સને ૨૦૧૯ની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારને ૬,૬૧,૨૭૩ મત જ્યારે નજીકના પ્રતિસ્પર્ધી કોંગ્રેસના ઉમેદવારને ૩,૩૧,૭૫૪ મત મળ્યા હતા. આમ, ભાજપના ઉમેદવાર ૩,૨૯,૫૧૯ મતની સરસાઈથી વિજયી બન્યા હતા.
આ વખતે ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર નિમુબહેનને ૭,૧૬,૮૮૩ મત મળ્યા છે તો તેમના હરિફ ઉમેદવાર આમ આદમી પાર્ટીના ઉમેશભાઈને ૨,૬૧,૫૯૪ મત મળ્યા છે. આમ, ભાજપના ઉમેદવાર ૪,૫૫,૨૮૯ મતની જંગી સરસાઈથી વિજેતા થયા છે અને ભાવનગર બેઠક પર સૌથી વધુ મત હાંસલ કરવાનો તથા સૌથી વધુ સરસાઈથી વિજેતા બનવાનો કીર્તિમાન સર્જ્યો છે.