મોરબી સુધરાઈના ભાજપી શાસકોએ કરેલા ખર્ચની તપાસ માંગતા ભાજપના ધારાસભ્ય
- ઔદ્યોગિક નગરી મોરબીમાં ભાજપનો આંતરિક જુથવાદ ચરમસીમાએ
- કાંતિ અમૃતિયાએ લાઈટ,નંદીઘર વગેરે ખર્ચની તપાસ માંગી તો સામે સૂધરાઈના પૂર્વ સૂત્રોએ પુછ્યું આવાસના 36 કરોડમાં ભાગીદાર કોણ
રાજકોટ : મોરબી નગરપાલિકામાં ભાજપનું શાસન રહ્યું છે અને ઝૂલતા પૂલ દુર્ઘટના પછી સુપરસીડ કરવામાં આવી હતી તે દોઢેક વર્ષના શાસનમાં સુધરાઈના ભાજપના શાસકોના ખોટા અને મોટા ખર્ચ સામે ખુદ ભાજપના જ મોરબીના ધારાસભ્યએ આક્ષેપો કર્યા છે.તો સામે સુધરાઈના ભાજપના સભ્યોએ હાલ મૌન રહેવાનું પસંદ કરીને સમય આવ્યે સજ્જડ જવાબ દેવાશે તેમ નિર્દેશ આપ્યો છે.
ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ મીડીયા સમક્ષ સુધરાઈ પર દેવું વધ્યું હોવાનો એકરાર કરીને ગત શાસનકાળમાં રૂ।.૩.૮૦ કરોડની લાઈટની ખરીદી કરાઈ, નંદી ઘર પાછળ ખોટો ખર્ચ થયો, સ્વભંડોળો વધુ પડતો ખર્ચ કરાયો છે તેવા ાક્ષેપો સાથે આ તમામની તપાસ કરાવવા માંગણી કરી છે અને તપાસ થશે. તેમણે તો કરીને એફ.આઈ.આર. (ફોજદારી ગુનો) નોંધવી જોઈએ તેવી પણ માંગણી કરી હતી. તેમણે જણાવ્યું કે આ વાત તેમણે ભાજપની સંકલન બેઠકમાં પણ કરી છે અને મુખ્યમંત્રીને પણ કહ્યું છે. નગરપાલિકાનું અહિત કરે તેને છોડવા ન જોઈએ તેમ ઉમેર્યું હતું.
આ સામે મોરબી સુધરાઈના હોદ્દેદારો (કે જેઓ પણ ભાજપના જ નેતાઓ છે) હજુ ખુલ્લામાં આવ્યા નથી પરંતુ, મોરબી આવાસ યોજનના ૩૬ કરોડમાં કોણ ભાગીદાર હતું, કોનો કોન્ટ્રાક્ટ હતો તેની પણ તપાસ કરાવો તેમ કહ્યું હતું.નગરપાલિકાના હાલના વહીવટ સામે પરોક્ષ ફરિયાદો કરતા કહ્યું કે આર્થિક સ્થિતિ સુધરી નથી અને શહેરમાં ભંગાર રસ્તા, પુરતી સ્ટ્રીટલાઈટનો અભાવ, ઉભરાતી ગટર, ગંદકી વગેરેની રોજિંદી ફરિયાદો વધી છે. એક સભ્યએ જણાવ્યું કે નંદી ઘર કોઈ વગદાર જમીન ઉપર કબજો ન જમાવે તેથી બનાવવામાં આવ્યુ હતું.