Get The App

રાજકોટમાં બનેલી બોગસ પેઢી સાથેના વ્યવહારો ખુલતાં ભાવનગરની બે પેઢીમાં તપાસ આવી

Updated: Oct 9th, 2024


Google NewsGoogle News
રાજકોટમાં બનેલી બોગસ પેઢી સાથેના વ્યવહારો ખુલતાં ભાવનગરની બે પેઢીમાં તપાસ આવી 1 - image


- બન્ને પેઢીના સંચાલકોને આગામી દિવસોમાં જવાબ રજૂ કરવા પોલીસ બોલાવાશે

- ભૂતકાળમાં થયેલા વ્યવહારોના ખુલાસા અંગે કોઈ પણ નોટિસ વિના અચાનક તપાસ આવતાં સંચાલકોમાં દોડધામ મચી : ડીજીજીઆઈની ફરિયાદની તપાસની સ્થાનિક કચેરીને ગંધ પણ ના આવી

ભાવનગર : ભાવનગર શહેરની બે નામી પેઢીઓમાં અમદાવાદ પોલીસની તપાસનો મુદ્દો સતત બીજા દિવસે પણ શહેર કક્ષાએ વેપારી આલમમાં ચર્ચાનો વિષ બનીને રહ્યો હતો. સ્થાનિક જીએસટી કચેરીને ગંધ શુદ્ધાં આવે તે પૂર્વે થયેલી ગુપ્ત તપાસમાં પ્રાથમિક તબક્કે રાજકોટમાં બનેલી બોગસ પેઢી સાથે ભૂતકાળમાં થયેલા વ્યવહારો અંગે ભાવનગરની બન્ને પેઢીમાં કોઈ પણ પ્રકારના ખુલાસાની નોટિસ આપ્યા વિના અચાનક તપાસ કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.  આ મામલે બન્ને પેઢીના સંચાલકોને જવાબ રજૂ કરવા પોલીસે તાકિદ કરી છે. 

ભાવનગર સહિત સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવતાં બનાવની વિગત એએવી છે કે, ડાયરેક્ટર જનરલ ઓફ જીએસટી ઈન્ટેલિજન્સ (ડીજીજીઆઈ)એ ગત સોમવારે અમદાવાદના ડીસીબી ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ભાવનગરની બે સહિત રાજયના વિવિધ શહેરોમાં આવેલી પેઢીઓ સામે ઈનપુટ ટેક્ષ ક્રેડિટ મેળવી સરકારી તિજોરીને નુકશાન પહોંચાડયાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી.આ ફરિયાદમાં ભાવનગરની પણ બે પેઢીઓના નામ હોવાથી ફરિયાદની ગંભીરતાને જોતાં અમદાવાદ એસઓજી પોલીસ સહિતનો મસમોટો કાફલો તપાસાર્થે ભાવનગર દોડી આવ્યો હતો. જયાં ટીમે શહેરના વાઘાવાડી રોડ વિસ્તારમાં આવેલી ઓમ કન્સ્ટ્રક્શન અને અર્હમ સ્ટીલમાંસવારના ૮ કલાકથી રાત્રિના ૮ કલાક એમ સતત ૧૨ કલાક સુધી ગુપ્ત તપાસ કાર્યવાહી હાથ ધરી હતી. તપાસના અંતે બન્ને પેઢીમાંથી લેખિત અને ડિજિટલ દસ્તાવેજો અને ગેઝેટ્સ પણ જપ્ત કરવામાં આવ્યા હતા. 

જો કે, તપાસને લઈ શહેરમાં મોંઢા એટલી વાતો શરૂ થઈ છે. પરંતુ, પ્રાથમિક તબક્કે ધ્રુવી એન્ટરપ્રાઈઝના નામે રાજકોટમાં નોંધાયેલી ફર્મ સાથે ભાવનગરની બન્ને પેઢીઓના ભૂતકાળમાં થયેલા શંકાસ્પદ વ્યવહારોના આધારે આ તપાસ આવી હોવાનું જાણવા મળેલ છે. મહત્વની વાત એ છે કે સ્થાનિક કક્ષાએ બન્ને પેઢીને ભૂતકાળમાં થયેલા આ વ્યવહારો અંગે પોતાનો જવાબ કે ખુલાસો રજૂ કરવા કોઈ પણ પ્રકારની નોટિસ આપવામાં આવી ન હતી.બાદમાં અચાનક ગતરોજ સોમવારે અમદાવાદ એસઓજી પોલીસની ટીમ બન્ને પેઢીમાં તપાસાર્થે આવી હતી અને બન્ને પેઢીઓ પાસેથી પોટલા ભરીને લેખિત અને ડિઝિટલ દસ્તાવેજો લઈ સિઝિંગ ટીમ અમદવાદ રવાના થઈ હોવાનું જાણવા મળેલ છે. તેમજ આ બન્ને પેઢીના સંચાલકોને આગામી દિવસોમાં પોતાના જવાબો રજૂ કરવા માટે પોલીસ સમક્ષ બોલાવવામાં આવશે તેમ આધારભૂત સૂત્રો તરફથી જાણવા મળ્યું છે. શહેરની બે નામી પેઢીમાં એકાએક તપાસને લઈ બન્ને પેઢીના સંચાલકોમાં દોડધામ મચી ગઈ હતી. બીજી તરફ ડીજીજીઆઈની ફરિયાદના આધારે સ્થાનિક પોલીસની મદદ સાથે અમદાવાદ એસઓજીએ અન્ય સ્થળોએ તપાસ કરી હોવાની ચર્ચા છે. જો કે, મહત્વપૂર્ણ વાત તો એ છે કે, ઉચ્ચકક્ષાએથી આવેલી તપાસ અને બનાવ અંગે સ્થાનિક સેન્ટ્રલ જીએસટીની કચેરીને દિવસભર ગંધ શુદ્ધાં મળી ન હતી. 


Google NewsGoogle News