ભાવનગર યુનિવર્સિટીના આંતરિક ખખડધજ રોડમાં થીગડા મારવાની તસ્દી લેવાતી નથી
- જો કોઇ સેલીબ્રીટી આવતા હોય તો રાતોરાત રોડ બની જાય
- નવા રોડ માટે ગ્રાન્ટ આવીને પડી છે અને કુલસચિવ તથા કુલપતિને ચોક્કસ રકમની સત્તા અપાઇ છે છતાં નેક કામ કરાતું નથી
સામાન્ય રીતે કોઇ સેલીબ્રીટી કે ઇન્સપેક્શન આવે ત્યારે બધુ ટનાટન કરવા રાતોરાત કવાયત હાથ ધરાય છે પરંતુ જે સામાન્ય વ્યક્તિ કે વિદ્યાર્થીને જરૂરીયાત છે તેની માટે વિકાસના કામો કરવામાં નિયમોની અનેક આંટીઘૂંટી રચી કામ થતા નથી. મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના આંતરિક રોડ-રસ્તા લાંબા સમયથી બિસ્માર બની ગયા છે અને પાંચથી છ ફૂટના મોટા ખાડા પડી ગયા છે જેને લઇ રાહદારીઓ પડતા-આખડતા નાના-મોટા અકસ્માતનો ભોગ બની રહ્યા છે. વિદ્યાર્થી આગેવાનો દ્વારા રજૂઆતો પણ કરાય છે અને એક તબક્કે આ રસ્તા રિકાર્પેટ કરવા ગ્રાન્ટ પણ મંજૂર થઇને આવી પડી છે. તો બીજી બાજુ આર્કીટેકની નિમણૂક બાકી છે અને વર્ક કમિટીની પણ નિમણૂક બાકી હોવાનું જણાયું છે. જો કે, આ નિમણૂક થયા બાદ પણ ખાસ્સો સમય ટેન્ડરીંગ, એસ્ટીમેન્ટનો લાગી જાય તેવી સ્થિતિ છે ત્યારે વચગાળાના ભાગરૂપે નવા એક્ટમાં કુલસચિવને પાંચ લાખ અને કુલપતિને ૧૦ લાખ ખર્ચની સત્તા અપાઇ છે ત્યારે હાલ પુરતા મહત્વના રસ્તાઓ પર ખાડાઓમાં મોરમ-માટી નાખી હાલ પુરતા ખાડા બુરી રાહત કરી શકાય છે જે અંગે ઇચ્છાશક્તિ જરૂરી છે. અન્યથા વિદ્યાર્થીઓ પડતા આખડતા કોલેજે આવવા મજબુર તો છે જ રોડના આ પ્રશ્નને હલ કરવો જરૂરી બન્યો છે.
મંજૂર થયેલ ગ્રાન્ટમાં બન્ને કેમ્પસના આંતરિક રોડ સમાવાયા છે
યુનિવર્સિટીના વર્ષો જુના આંતરિક રસ્તા હાલ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે જેના રિપેરીંગ કે રિકાર્પેટીંગ કરવા ગ્રાન્ટ મંજૂર થઇ છે જેના થકી શામળદાસ કોલેજવાળો રસ્તો, હોસ્ટેલ, પીજી, ગેસ્ટહાઉસ, ક્રિકેટ ગ્રાઉન્ડ ફરતો રસ્તો, ગાર્ગગેટ, જુના-નવા બન્ને કેમ્પસના રસ્તાનો સમાવેશ કરાયો છે પરંતુ થાય ત્યારે ખરૂ ?