Get The App

ભાવનગરઃ મહુવામાંથી 12 કરોડની કિંમતી 12 કિલો 'વ્હેલ માછલીની ઉલ્ટી' સાથે બે ઝડપાયા

Updated: Nov 28th, 2024


Google NewsGoogle News
ભાવનગરઃ મહુવામાંથી 12 કરોડની કિંમતી 12 કિલો 'વ્હેલ માછલીની ઉલ્ટી' સાથે બે ઝડપાયા 1 - image


દોઢેક વર્ષ પૂર્વે આધેડને મહુવા દરિયા કિનારેથી મળ્યો હતો જથ્થો, ભત્રીજાને કહી વેચાણની હતી પેરવીમાં 

અત્તર,દવાઓ બનાવવા ઉપયોગી ઉલ્ટી (એમ્બરગ્રીસ) અંગે સોશિયલ મીડિયામાં કિંમત જાણી, કમાણીની લાલચ જાગી હતી : વેચાણ પૂર્વે જ  પોલીસે વન વિભાગને સાથે રાખી મોટાબાપુ અને તેના ભત્રીજાને જથ્થા સાથે ઝડપી પાડયો

રાજ્યમાં સંભવતઃ અત્યાર સુધીનો સૌથી મોટો જથ્થો ઝડપાયો હોવાનું અનુમાન 

ભાવનગર: ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાંથી  મહુવા પોલીસે બાતમીના આધારે પાડેલાં દરોડામાં સમુદ્રી ખજાના અને તરતું સોનું તરીકે ઓળખાતી અને વૈશ્વિક બજારમાં જેની ખૂબ માંગ છે એવી ૧૨ કરોડની કિંમત ધરાવતી વ્હેલ માછલીની ૧૨ કિલો ઉલ્ટી સાથે મહુવા પંથકમાં રહેતાં આધેડ અને તેના ભત્રીજાને ઝડપી પાડયા હતા. વન વિભાગની સાથે પોલીસે પાંડેલાં સયુંક્ત દરોડામાં ડાયવર્કસના કારખાનામાં છૂપાવેલાં આ કિંમતી જથ્થાને ઝડપી બન્ને વિરૂદ્ધ  વાઈલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ અંતર્ગત ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે. દોઢેક વર્ષ પૂર્વે મળેલાં કિંમતી જથ્થા અંગે બન્ને સોશિયલ મીડિયામાં રિલ્સ જોઈ ઉલ્ટીને ઉંચી કિંમતે વેચી રોકડી કરવાની પેરવીમાં હોવાનું પોલીસ પૂછપરછમાં ખુલ્યું હતું. 

મહુવા સહિત સમગ્ર ભાવનગર જિલ્લામાં ચર્ચા સાથે આશ્ચર્યનું કેન્દ્ર બનેલાં બનાવની વિગત એવી છે કે, ભાવનગર જિલ્લાની મહુવા પોલીસને બાતમી મળી હતી કે, મહુવાના ભવાનીનગર વિસ્તારમાં આવેલાં શ્રી ચામુંડા ડાયવર્કસ નામના કારખાનામાં વ્હેલ માછલીની ઉલ્ટી (એમ્બરગ્રીસ) નામનો મુલ્યવાન પદાર્થ છૂપાવવામાં આવ્યો છે અને તેના વેચાણની પેરવી ચાલી રહી છે. બાતમીના આધારે મહુવાના મદદનિશ પોલીસ અધિક્ષકે સ્થાનિક પોલીસ ઉપરાંત, એફએસએલ તથા વન વિભાગની રેન્જ ફોરેસ્ટ ટીમને સાથે રાખી આજે બપોરે બાતમીના સ્થળે દરોડો પાડયો હતો. જયાંથી  પોલીસે રામજી રાહાભાઈ શિયાળ (ઉ.વ.૫૬, રહે.વિજળી બારૂ પાસે, ગઢડા ગામ, તા.મહુવા, જિ.ભાવનગર ) અને જયદીપ મગનભાઈ શિયાળ (ઉ.વ.૨૨, રહે.ચામુંડા સોસાયટી,મહુવા, જિ.ભાવનગર)ને ૧૨.૦૩૦ કિલો ગ્રામ  વ્હેલ માછલીની ઉલ્ટી (એંબરગ્રીસ) કિંમત રૂ.૧૨ કરોડ ૩૦ હજાર તથા એક મોબાઈલ કિંમત રૂ.૩ હજાર મળી કુલ રૂ.૧૨ કરોડ ૩૩ હજારના જથ્થા સાથે ઝડપી પાડયા હતા.પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ઝડપાયેલાં બન્ને ઈસમો પૈકી રામજી શિયાળ અન્ય આરોપી જયદીપના મોટાબાપુ થતા હોવાનું ખુલ્યું હતું. 

પોલીસે બન્નેને જથ્થા સાથે પોલીસ સ્ટેશન લાવી પૂછપરછ કરતાં મોટાબાપુ રામજી શિયાળે કબૂલાત આપી હતી કે તેને અંદાજે દોઢેક વર્ષ પૂર્વે મહુવાના ભવાની મંદિર પાસે આવેલા પિંગળેશ્વરના દરિયા કિનારેથી વ્હેલ માછલીની ઉલ્ટી (એમ્બરગ્રીસ)નો જથ્થો મળી આવ્યો હતો. જે અંગે તેણે વડોદરામાં ઉચ્ચ અભ્યાસ કરી ચુકેલા તેના ભાઈના દિકરા (ભત્રીજા) જયદીપને આ વાત કહી હતી અને બન્નેએ એબંરગ્રીસનો જથ્થો પોતાના ડાયવર્કસના કારખાનામાં વેચાણના હેતુથી છૂપાવીને રાખ્યો હતો. સમુદ્રી ખજાના કે તરતું સોનું તરીકે જગપ્રખ્યાત આ ઉલ્ટીની વૈશ્વિક બજારમાં માંગ ખુબ ઉંચી હોવાનું સોશિયલ મીડિયા અને રિલ્સના માધ્યમથી જાણવા મળ્યું હતું. જેના કારણે બન્નેને રોકડીની લાલચ જાગી હતી.અત્તર અને ચાઈનિઝ દવા બનાવવામાં ઉપયોગમાં લેવાતાં આ જથ્થાનું વેચાણ કરે તે પૂર્વે જ બન્ને ઝડપાઈ ગયા હોવાનું પોલીસ સમક્ષ કબૂલાતમાં ઉમેર્યું હતું. મહુવા પોલીસે બન્ને શખ્સ વિરૂદ્ધ વાઈલ્ડ લાઈફ પ્રોટેકશન એક્ટ-૧૯૭૨  અંતર્ગત  ગુન્હો નોંધી કાયદેસર કાર્યવાહી કરી હતી. તો,  રાજ્યમાં સંભવતઃ પ્રથમ વખત આટલી મોટી માત્રામાં આ જથ્થો ઝડપાયો હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે.  

ભત્રીજાએ 'રિલ્સ'માં ઉલ્ટીની કિંમત જાણી, મોટાબાપુ સાથે કરોડપતિ થવાના સ્વપ્ન સેવ્યા પરંતુ... 

સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં રિલ્સ તથા ઈન્ટરનેટની મદદથી ડિપ્લેમા મિકેનિકલના ડ્રોપઆઉટ વિદ્યાર્થી અને ઝડપાયેલાં આરોપી જયદીપે વ્હેલ માછલીની વૈશ્વિક બજારમાં ઉંચી કિંમત મળતી હોવાનું જાણ્યું હતું અને મોટાબાપુ રામજી શિયાળને ખજાનો મળ્યો હોવાનું જાણતા રાતોરાત કરોડપતિ બનવાના સ્વપ્ન સેવ્યા હતા. પરંતુ, બન્ને પાસે રહેલો એંબરગ્રીસ તરીકે ઓળખાતો જથ્થો  વન્યજીવ સંરક્ષણ અધિનિયમની અનુસુચિ-૨ હેઠળ આવતો  હોવાથી તેનું વેચાણ, વેપાર સ્થળાંતર ગેરકાયદેસર જાહેર કરાયું છે. તેમ છતાં બન્નેએ તેને છૂપાવી, સંગ્રહ કરી તેના વેચાણની પેરવીમાં હોવાનું જણાતાં પોલીસે વન અધિનિયમના ભંગ બદલ તેમની વિરૂદ્ધ કાર્યવાહી કરી છે.

શું છે એમ્બરગ્રીસ ? વૈશ્વિક બજારમાં ઉંચી કિંમતે વેચાય છે પદાર્થ

એમ્બરગ્રીસ સામાન્ય ભાષામાં વ્હેલ માછલીની ઉલ્ટી તરીકે ઓળખાય છે જે સ્પર્મ વ્હેલના આંતરડામાં બને છે. જ્યારે વહેલ માછલી દરિયામાં રહેલા નાના-મોટા જીવો અને વસ્તુઓ આરોગે છે અને તેનું પાચન થતું નથી ત્યારે તે તેના આંતરડાંમાં ભેગુ થાય છે અને સમયાંતરે વ્હેલ માછલી તે ઉલ્ટી કરીને બહાર કાઢે છે. મીણ જેવો લાગતો ઉલ્ટીનો આ પદાર્થ દરિયામાં તરતો તરતો કિનારે આવી જાય છે. અત્તર અને દવાઓ બનાવવા ઉપયોગમાં લેવાતી વ્હેલ માછલીની ઉલ્ટી (એબંરગ્રીસ)ની વૈશ્વિક બજારમાં ખુબ ઉંચી કિંમત મળે છે.

વન વિભાગે બન્ને આરોપીનો કબ્જો મેળવ્યો આજે કોર્ટમાં રજૂ કરાશે

મહુવા પોલીસે વ્હેલ માછળીની ઉલ્ટી (એબંરગ્રીસ) સાથે મહુવા પંથકના બે શખ્સને ઝડપી પાડયા છે. ત્યારે, આ અંગે મહુવા આરએફઓ અનિલ ડોડીયાએ જણાવ્યું કે, ઝડપાયેલા પદાર્થનો ઉપયોગ અત્તર બનાવવા તેમજ દવા બનાવવામાં થાય છે જેની વેશ્વિક બજારમાં મોટી કિંમત અંકાય છે. પોલીસ પાસેથી ઝડપાયેલ જયદિપ મગનભાઇ શિયાળ અને રામજી રાહાભાઇ શિયાળનો કબ્જો વન વિભાગે મેળવી લીધો છે અને વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ ૧૯૭૨ અન્વયે ગુનો દાખલ કરાયો છે. બન્નેને આવતીકાલ શુક્રવારે કોર્ટમાં રજૂ કરાશે. તો સાથો સાથ મળી આવેલ (એબંરગ્રીસ)ના સેમ્પલ મેળવી એફએસએલ તથા સાઈન્ટિફિક પૃષ્ટી અર્થે લેબોરેટરીમાં મોકલવાની તજવીજ હાથ ધરાઇ  હોવાનું તેમણે વિગતો આપતાં અંતમાં જણાવ્યું હતું. 


Google NewsGoogle News