ભાવનગર રેલવેનો કર્મચારી લાંચ લેતા ઝબ્બે, એક ફરાર

Updated: Sep 5th, 2024


Google NewsGoogle News
ભાવનગર રેલવેનો કર્મચારી લાંચ લેતા ઝબ્બે, એક ફરાર 1 - image


- એનઓસી આપવા માટે 15 હજારની લાંચની માંગણી કરી હતી

- ડીઆરએમ કચેરીની નિર્માણ શાખામાં ફરજ બજાવતો ઓ.એસ. લાંચની રકમ લેવા આવ્યો ત્યારે આબાદ ઝડપાયો, ક્લાર્કની શોધખોળ

ભાવનગર : ભાવનગર રેલવેમાં ડીઆરએમ કચેરીની નિર્માણ શાખામાં ફરજ બજાવતો ઓ.એસ. અને ક્લાર્કે કોન્ટ્રાક્ટરને એનઓસી આપવા માટે ૧૫ હજારની લાંચ માંગી હતી. જે બાબતે એન્ટી કરપ્શન બ્યૂરોમાં ફરિયાદ થતાં એસીબીની ટીમે ટ્રેપ ગોઠવી લાંચિયા કર્મચારી ઓ.એસ.ને રંગેહાથ ઝડપી લીધો હતો. જ્યારે ક્લાર્ક ફરાર થઈ ગયો હોય, તેની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.

આ બનાવની જાણવા મળતી વિગતો અનુસાર રેલવે તરફથી એક કોન્ટ્રાક્ટરને ઈલેક્ટ્રીક કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. અને એનઓસી મેળવી આપવાની કન્સલ્ટનસીનું કામ કરે છે.તેમણે સુરેન્દ્રનગર જિલ્લાના લીંમડી ગામે રેલવેની હદ નજીકની જમીનમાં બાંધકામ કરવા માટે એનઓસી મેળવવા તા.૨૦-૫-૨૨ના રોજ અરજી કરી હતી અને આશરે ચાર મહિના અગાઉ તે એનઓસી ભાવનગર ડીઆરએમ ઓફિસે આવી ગયા હોવાનું જાણવા મળતા તેઓ એનઓસી લેવા માટે ગયા હતા. ત્યારે એનઓસી ઈસ્યુ કરવાનું કામ કરતો ભાવનગર ડીઆરએમ કચેરીની નિર્માણ શાખાનો લાંચિયો કર્મચારી ઓ.એસ. કાળુ ધીરૂભાઈ દુબલ (વર્ગ-૩) અને ક્લાર્ક પ્રશાંત પંડયા (વર્ગ -૩ )એ કોન્ટ્રાક્ટર પાસેથી રૂા.૧૫,૦૦૦ લાંચની માંગણી કરી એનઓસી માટે ધક્કા ખવડાવતા હતા. પરંતુ ફરીયાદી પાસે પૈસાની વ્યવસ્થા ના હોઈ, આગામી ૧૫ દિવસમાં પૈસા આપી દેવાનું જણાવી એનઓસી આપી હતી હતી. ત્યારબાદ કાળુ ધીરૂભાઈ દુબલે તેઓ પાસે અવાર-નવાર લાંચનાં નાણાંની માંગણી કરી કાળુ દુબલે પ્રશાંત પંડયાને એડવાન્સમાં તેના ભાગનાં રૂપિયા આપી દીધેલ હોવાનું જણાવી લાંચનાં નાણાં ના આપે તો તેમના અન્ય એનઓસીના કામો અટકાવી દેવાની ધમકી આપતા હતા. 

લાંચિયા કર્મચારીઓની પજવણીથી ત્રાસી જઈ કોન્ટ્રાક્ટર નાણાં આપવા નાછૂટકે સંમત થયા હતા અને આજે બુધવારે પૈસા આપવા વાયદો પણ કર્યો હતો. પરંતુ તેઓ લાંચના નાણાં આપવા માંગતા ન હોય, એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપી હતી. જેના આધારે અમદાવાદ એસીબીએ છટકું ગોઠવી ત્રિકોણિયા રેલવે કોમ્યુનિટી હોલની સામે, ડી.આર.એમ ઓફિસની બાજુમાં, રેલવે કોલોની, ભાવનગર પરા ખાતે રૂપિયા લેવા માટે આવેલા કાળુ ધીરૂભાઇ દુબલે ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રૂા.૧૫,૦૦૦ની રકમ સ્વીકારતા ઘાત લગાવીને બેઠેલી એસીબીની ટીમે લાંચિયા કર્મચારી કાળુ દુબલને રંગેહાથ ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ટ્રેપની કાર્યવાહીમાં મદદનીશ નિયામક એ.વી. પટેલ અને અમદાવાદ એસીબી પીઆઈ એસ.એન. બારોટ સહિતના જોડાયા હતા.


Google NewsGoogle News