ભાવનગર મહાપાલિકા ધરખમ ફેરફાર, પ્રથમવાર મોટાભાગના અધિકારીઓના વિભાગ બદલાયા
- મહાપાલિકામાં 22 અધિકારીને જુદા જુદા વિભાગની જવાબદારી સોંપાઈ, વધારાના ચાર્જ પણ અપાયા
- 3 અધિકારીઓને નબળી કામગીરીના પગલે નીચેની પોસ્ટની કામગીરી સોંપાઈ
ભાવનગર મહાપાલિકાના કમિશનરની સુચના મુજબ આજે મંગળવારે મહેકમ વિભાગે વહીવટી સરળતા માટે રર અધિકારીની ફેરબદલીના ઓર્ડર કર્યો હતો, જેના પગલે મહાપાલિકામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. મહાપાલિકામાં કદાચ પ્રથમવાર રર અધિકારીઓની બદલી કરવામાં આવી હતી અને અધિકારીઓને જુદા જુદા વિભાગની જવાબદારી સોંપવામાં આવી હતી. ઘણા અધિકારીઓને વધારાના હવાલા પણ આપવામાં આવ્યા છે. ત્રણ કાર્યપાલક ઇજનેરની કામગીરી નબળી હોવાથી તેઓને નીચલી પોસ્ટ એટલે કે નાયબ કાર્યપાલક ઇજનેરની કામગીરી સોંપવામાં આવી છે, જેમાં ગાર્ડન વિભાગમાં ફરજ બજાવતા અધિકારી કે.કે.ગોહિલ, બિલ્ડીંગ વિભાગના અધિકારી બી.એમ.અડવાણી, યોજના વિભાગના અધિકારી સુર્યદિપસિંહ ગોહિલ વગેરેનો સમાવેશ થાય છે.
સહાયક કમિશનરને કેટલાક વિભાગની નિયંત્રણની જવાબદારી
સહાયક કમિશનરને કેટલાક વિભાગની નિયંત્રણની જવાબદારી
ભાવનગર મહાપાલિકામાં અત્યાર સુધી નાયબ કમિશનર (એડમીન.), નાયબ કમિશનર જનરલ અને સીટી એન્જીનીયરના નિયંત્રણ હેઠળ જુદા જુદા વિભાગની જવાબદારી હતી પરંતુ હવે સહાયક કમિશનરને પણ કેટલાક વિભાગની નિયંત્રણની જવાબદારી સોંપવામાં આવી છે, જેમાં શોપ-વ્યવસાય વેરા, ઘરવેરા, પશુત્રાસ નિયંત્રણ, સ્ટોર-પીઆરઓ, ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીઝ વિભાગ, કુદરતી આપતી (ફલડ કંટ્રોલ), નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વગેરે વિભાગનો સમાવેશ થાય છે. ત્રણને બદલે ચાર અધિકારીને નિયંત્રણની જવાબદારી સોંપાતા કામગીરીનુ ભારણ ઘટશે અને કામગીરીમાં સરળતા રહેશે તેમ જણાય રહ્યુ છે.
મનપાના 26 કર્મચારીની આંતરિક બદલી
ભાવનગર મહાપાલિકામાં અધિકારીઓની સાથે ર૬ કર્મચારીઓની પણ આંતરિક બદલી કરવામાં આવી છે પરંતુ કર્મચારીઓનુ લીયન હાલ જયાં છે ત્યાં યથાવત રહેશે. રર કર્મચારીમાં અ.મ.ઇ. (સીવીલ), ટેકનીકલ આસી. (સીવીલ), હેડ કલાર્ક-ઈન્સ્પે.-કોમ્યુ. ઓર્ગે. સંવર્ગ, સીક્યુરીટી ઈન્સ્પેકટર-દબાણ હટાવ ઈન્સ્પેકટર-રીકવરી ઈન્સ્પેકટર, જુનીયર કલાર્ક વગેરેનો સમાવેશ થાય છે. આ કર્મચારીઓને ઘરવેરા, એસેસમેન્ટ સેલ, વોટર વર્કસ, એસ્ટેટ સહિતના વિભાગમાં બદલી કરવામાં આવી છે. પી.એ.ટુ. કમિ. કચેરીમાં પણ અ.મ.ઇ. (સીવીલ)ને મુકવામાં આવેલ છે.