Get The App

ભાવનગર મનપાએ બે વર્ષમાં પ્રતિબધિત પ્લાસ્ટીક અને ગંદકીના પ્રશ્ને રૂ. 75.76 લાખનો દંડ વસુલ્યો

Updated: Aug 10th, 2024


Google NewsGoogle News
ભાવનગર મનપાએ બે વર્ષમાં પ્રતિબધિત પ્લાસ્ટીક અને ગંદકીના પ્રશ્ને રૂ. 75.76 લાખનો દંડ વસુલ્યો 1 - image


- મહાપાલિકાના કમિશનરે દબાણ હટાવવા અને પ્રતિબધિત પ્લાસ્ટીક પકડવા કર્મચારીઓને દોડતા કર્યા 

- એસ્ટેટ, ટાઉન પ્લાનિંગ, ટાઉન ડેવલોપમેન્ટ વિભાગે દબાણ હટાવી કરોડો રૂપીયાની જમીન ખુલ્લી કરી 

ભાવનગર : સરકારી તંત્ર ધારે તો સારી કામગીરી થઈ શકે છે અને લોકો પાસે નિયમનુ પાલન કરાવી શકે છે પરંતુ સરકારી તંત્રમાં આવુ ભાગ્યે જ થતુ હોય છે. ભાવનગર મહાપાલિકામાં અત્યાર સુધી ઘણા કમિશનર આવ્યા છે પરંતુ કેટલાક કમિશનરે લોકહિતમાં સારી કામગીરી કરી છે તેથી તેની નોંધ લેવાતી હોય છે, આવુ જ ભાવનગર મહાપાલિકામાં જોવા મળ્યુ હતું. મહાપાલિકાના કમિશનર ઉપાધ્યાયએ બે વર્ષમાં ગેરકાયદે દબાણ હટાવવા, પ્રતિબંધીત પ્લાસ્ટીક પકડવા સહિતની કામગીરી માટે કર્મચારીઓને દોડતા કર્યા હતા, જેના પગલે ઘણા દબાણ દૂર થયા હતા અને કરોડો રૂપીયાની જમીન ખુલ્લી કરવામાં આવી હતી. મહાપાલિકાએ લાખો રૂપીયાનો દંડ વસુલ્યો હતો. 

ભાવનગર મહાપાલિકાના કમિશનર ઉપાધ્યાયની સૂચના અનુસાર છેલ્લા બે વર્ષમાં એસ્ટેટ વિભાગ, ટાઉન પ્લાનિંગ વિભાગ, ટાઉન ડેવલોપમેન્ટ વિભાગ, સોલિડ વેસ્ટ વિભાગે કરેલ કામગીરીની માહિતી જાહેર કરવામાં આવી છે, જેમાં એસ્ટેટ વિભાગે રહેણાંકી અને બીન રહેણાંકી મળી કુલ ર૪,૮૭૬ ગેરકાયદે દબાણ દૂર કરવામાં આવ્યા હતા અને રૂ. ર૯.૪૦ લાખનો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ગત વર્ષ ર૦રર-ર૩માં ૧૬,પ૮૧ ચો.મી જમીન ખુલ્લી કરવામાં આવી હતી, જેની અંદાજીત કીંમત રૂ. ૩પ૬૭૮ર૦૦૦ થાય છે. ટાઉન પ્લાનિંગ વિભાગે વર્ષ ર૦ર૩-ર૪માં ર૪૭૮૩ ચો.મી જમીન ખુલ્લી કરાવી હતી, જેની અંદાજીત રકમ રૂ. ૯૬૩૧પ૦૦૦ થાય છે. ટાઉન ડેવલોપમેન્ટ વિભાગે ૩ર૮૭ર ચો.મી જમીન ખુલ્લી કરાવી હતી, જેની અંદાજીત રકમ રૂ. ર૬૯૯ર૧૦૦૦ થાય છે. 

મહાપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે ગત તા. રપ ઓગષ્ટ-રરથી ગત તા. ૩૧ જુલાઈ-ર૦ર૪ દરમિયાન પ્રતિબંધીત પ્લાસ્ટીકનો ઉપયોગ કરતા વેપારી તેમજ ગંદકી ફેલાવતા આસામીઓ મળી કુલ ૧૧,૪૮૭ આસામી પાસેથી રૂ. ૭પ,૭૬,૧ર૦ ની પેનલ્ટી વસુલ કરવામાં આવી હતી. મહાપાલિકાના કમિશનરે બે વર્ષ અધિકારી-કર્મચારીઓને દોડતા રાખ્યા હતા અને કામગીરી કરાવી હતી પરંતુ હવે કમિશનર ઉપાધ્યાયની બદલી થઈ ગઈ છે ત્યારે આગામી દિવસોમાં આ કામગીરી યથાવત રહેશે કે નહીં તેની રાહ જોવી જ રહી. 

નવા કમિશનરની કામગીરી પર હવે લોકોની નજર રહેશે 

ભાવનગર મહાપાલિકામાં નવા કમિશનર સુજીત કુમારે આજે શુક્રવારે સત્તાવાર ચાર્જ સંભાળી લીધો છે. આગામી સોમવારથી તેઓ કામગીરીનો ધમધમાટ શરૂ કરશે ત્યારે તેઓની કામગીરી પર હવે લોકોની નજર રહેશે. કમિશનર ઉપાધ્યાયએ કડક કામગીરી કરી હતી તેથી ઘણા લોકો ખુશ હતા અને દબાણકર્તા સહિતના કેટલાક લોકો નારાજ પણ હતાં. નવા કમિશનર ભાવનગરના લોકોના હિતમાં અને વિકાસ માટે કેવી કામગીરી કરે છે ? તેની રાહ જોવી જ રહી.  


Google NewsGoogle News