પડતર પ્રશ્ને ભાવનગર મનપાના સફાઈ કામદારોનો કાળી પટ્ટી ધારણ કરી વિરોધ
- પડતર પ્રશ્ન હલ નહી થાય તો રરમીથી સફાઈ બંધ કરવાની મઝદૂર સંઘની ચીમકી
- સફાઈ કામદારોની ભરતી કરવી, વારસદારોને નોકરી આપવી વગેરે પ્રશ્ને વિરોધ યથાવત
મહાપાલિકાના સફાઈ કામદારોની ભરતી કરવી, વારસદારોને નોકરી આપવી વગેરે પડતર પ્રશ્ને સફાઈ કામદારોએ વારંવાર રજૂઆત કરી છે પરંતુ હજુ સુધી પડતર પ્રશ્ન હલ થયા નથી. પડતર પ્રશ્ને મહાપાલિકાના પટ્ટાંગણમાં ગત બુધવારે આશરે ૩૦૦થી વધુ સફાઈ કામદારોએ પડતર પ્રશ્ને બે કલાક સુધી ધરણા કર્યા હતા અને પ્રશ્ન હલ કરવા માંગણી કરી હતી, ત્યારબાદ ગત તા. ૧૫ થી આગામી તા. ૨૧ ફેબૂ્રઆરી-૨૦૨૪ સુધી કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ કરવાનો કાર્યક્રમ જાહેર કર્યો હતો, જેના ભાગરૂપે હાલ સફાઈ કામદારો કાળી પટ્ટી બાંધ વિરોધ કરી રહ્યા છે. આમ છતાં સફાઈ કામદારો ના વણઉકેલ પ્રશ્નોના નિકાલ નહી આવે તો આગામી તા. ૨૨ ફેબૂ્રઆરી-૨૦૨૪થી ભાવનગર મહાનગરપાલિકા મઝદુર સંઘ (બી.એમ.એસ.)ને ના-છુટકે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનાત્મક કાર્યક્રમ આપશે. સફાઈ કામદારો સફાઈ કામગીરીથી સંદતર અળગા રહીને જયાં સુધી પ્રશ્નોનું નિરાકરણ નહી આવે ત્યાં સુધી મહાપાલિકાની હદ વિસ્તારમાં સફાઈ કામગીરી બંધ કરીને ભાવનગર મહાપાલિકાનાં પટ્ટાગણમાં નિરંતર ધરણા કરશે તેવી ચીમકી ભાવનગર મહાપાલિકાના મઝદૂર સંઘે ઉચ્ચારી છે.
ઉલ્લેખનીય છે કે, આ બાબતે અગાઉ તા. ૨૦ સપ્ટેમ્બર તથા તા. ૨૮ ડિસેમ્બરથી યુનિયન દ્વારા રજૂઆત કરવામાં આવી હતી પરંતુ આજ દિવસ સુધી કોઈ પ્રશ્નનો ઉકેલ આવેલ નથી. યુનિયન દ્વારા ના છૂટકે ગત તા. ૨૫ જાન્યુઆરી-૨૦૨૩ના રોજ પ્રથમ ધરણા સફાઈ કામદાર તથા વાલ્મીકી સમાજના પ્રતિનિધીઓ દ્વારા કરવામાં આવ્યા હતા, તેમ છતાં પ્રશ્ન હલ થયા નથી. પડતર પ્રશ્ન હલ નહી થતા સફાઈ કામદારોમાં નારાજગી જોવા મળી રહી છે.