Get The App

ભાવનગરના મહારાજકુમાર શિવભદ્રસિંહજીનું 91 વર્ષની જૈફ વયે નિધન : ભારે શોક

Updated: Jun 1st, 2024


Google NewsGoogle News
ભાવનગરના મહારાજકુમાર શિવભદ્રસિંહજીનું 91 વર્ષની જૈફ વયે નિધન : ભારે શોક 1 - image


- પર્યાવરણ - પક્ષીવિદ તરીકે ખ્યાતિ પ્રાપ્ત રાજવી ધારાસભ્ય પણ હતા

- ભાવવિલાસ પેલેસ ખાતે સદ્ગતના પાર્થિવ દેહના અંતિમ દર્શને તથા અંતિમવિધિમાં રાજકીય-સામાજિક આગેવાનો, નગરજનો જોડાયા

ભાવનગર : ભાવનગરના દિવંગત અને પ્રજાવત્સલ રાજવી મહારાજા કૃષ્ણકુમારસિંહજીના નાના પુત્ર તથા પક્ષીવિદ, પર્યાવરણવિદ મહારાજકુમાર શિવભદ્રસિંહજી ગોહિલનું આજે ૯૧ વર્ષની જૈફ વયે નિધન થતાં ભાવનગર રાજવી પરિવાર સહિત સમગ્ર ગોહિલવાડ પંથકમાં શોક છવાયો હતો. શહેરના બોરતળાવના કિનારે આવેલાં ભાવવિલાસ પેલેસ ખાતે રખાયેલાં સદ્ગતના પાર્થિવ દેહના અંતિમ દર્શને તથા અંતિમયાત્રામાં નોંધપાત્ર સંખ્યામાં રાજકીય-સામાજિક આગેવાનો તથા નગરજનો જોડાયા હતા.

તા. ૨૩ ડિસેમ્બર ૧૯૩૩ના રોજ જન્મેલા મહારાજકુમાર શિવભદ્રસિંહજી પિતા મહારાજા કૃષ્ણકુમારસિંહજીની માફક શાંત અને સરળ સ્વભાવના હતા. ભાવનગર સહિત સમગ્ર ગોહિલવાડ પંથકમાં 'શિવાબાપા' તરીકે જાણીતા મહારાજકુમાર પક્ષીવિદ અને પર્યાવરણવિદ હતા. તેમનો આ ક્ષેત્રોમાં અભ્યાસ તથા સમજણ અનન્ય હતી. જ્યારે તેમણે ગીરમાં સિંહોની વસ્તી ગણતરીમાં પણ કામગીરી કરી હતી. ઉપરાંત, વન્ય જીવ સૃષ્ટિમાં ઊંડા જ્ઞાાનના કારણે તેઓ ભાવનગરમાં પક્ષી નિરીક્ષકોના મંડળ તથા ગુજરાત વાઈલ્ડ લાઈફ કન્ઝર્વેશન સોસાયટીના પ્રમુખ પણ બન્યા હતા. આ ઉપરાંત તેઓ ભાવનગર ખાતે રાઈફલ કલબ પણ ચલાવતા હતા.

પર્યાવરણ અને વન્યજીવ સૃષ્ટિ સાથેના સતત જોડાણ ઉપરાંત શિવભદ્રસિંહજી વર્ષ ૧૯૬૨થી ૧૯૭૨ સુધી તળાજા મત વિસ્તારમાંથી સ્વતંત્ર ઉમેદવાર તરીકે ચૂંટણી લડી સતત બે ટર્મ સુધી ધારાસભ્ય રહ્યા હતા. તો, જનસંઘ-ભાજપની પ્રદેશ કક્ષાની વરિષ્ઠ સલાહકાર સમિતિમાં પણ ભૂમિકા ભજવી હતી. ભાવનગર રાજવી પરિવાર અને સામાજિક કક્ષાએ કાર્યરત વિવિધ ટ્રસ્ટોમાં વર્ષો સુધી નિસ્વાર્થ સેવા આપનાર શિવાબાપાએ રાજપરા ખોડિયાર મંદિર ટ્રસ્ટમાં ટ્રસ્ટી તરીકે સક્રિય ભૂમિકા ભજવી મંદિરને આસ્થાના સ્થળ તરીકે વિકસાવવામાં અગ્રેસર કામગીરી કરી હતી.

રાજવી પરિવારનાં હોવા છતાં અદના આદમી તરીકે સરળ જીવનશૈલીના હિમાયતી શિવભદ્રસિંહજીએ સ્વાધ્યાય પ્રવૃત્તિનો પોતાનો જીવનમંત્ર બનાવી લીધો હતો. છેલ્લા કેટલાય સમયથી શિબાપાની તબિયત નાદુરસ્ત રહેતી હતી. આજે સવારે સદગતના નિધનના સમાચાર વાયુવેગે પ્રસરતાં શહેરના બોરતળાવના કિનારે આવેલાં સદગતના નિવાસસ્થાન ભાવવિલાસ પેલેસ ખાતે બપોરે ૧થી ૫ દરમ્યાન અંતિમ દર્શને ભીડ ઉમટી હતી. તો, સાંજે શહેરના સિંધુનગર સ્મશાન ખાતે અંતિમ વિધિ યોજાઈ હતી. ભાવનગરના મહારાજા વિજયરાજસિંહજી તથા યુવરાજ જયવિરરાજસિંહજીના હસ્તે અંત્યેષ્ઠીવિધી કરવામાં આવી હતી. આ વેળાએ શહેર-જિલ્લાના રાજકીય-સામાજિક આગેવાનો, વેપારી, ઉદ્યોગપતિઓ ઉપરાંત, વિવિધ સ્ટેટના રાજવી પરિવારના સભ્યો જોડાયા હતા.


Google NewsGoogle News