ભાવનગરમાં પ્રચંડ ગરમીનો અહેસાસ, દિવસ બાદ હવે રાત્રે પણ આકરી ગરમી
- શહેરમાં ગુરૂવારે મહત્તમ અને લઘુતમ તાપમાનમાં વધારો થયો
- મહત્તમ બાદ લઘુત્તમ તાપમાન સર્વાધિક સ્તરે, રાત્રે બફારા બાદ સવારે વીજકાપથી અકળામણ
ભાવનગર : ભાવનગરમાં એક દિવસની આંશિક રાહત બાદ ફરી ગરમીનો પ્રકોપ વર્તાતો હોય તેમ દિવસ અને રાતના તાપમાનમાં વધારો નોંધાતા પ્રચંડ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. દિવસ બાદ હવે રાત્રે પણ ભાવેણાવાસી આકરી ગરમી સહન કરી રહ્યાં છે. મહત્તમ બાદ લઘુતમ તાપમાન પણ સર્વાધિક સ્તરે પહોંચતા આકરી ગરમી અનુભવાઈ રહી છે. હવામાન વિભાગના અનુમાન પ્રમાણે ભાવનગરમાં હજુ એક દિવસ હીટવેવની સ્થિતિ પ્રવર્તેલી રહેશે.
ભાવનગરમાં હીટવેવની પરિસ્થિતિ વચ્ચે ગઈકાલે ગરમીમાં આંશિક રાહત મળ્યા બાદ ફરી ગરમીનો પ્રકોપ વર્તાઈ રહ્યો હોય તેમ છેલ્લા ૨૪ કલાકમાં ૧ ડિગ્રીના વધારા સાથે મહત્તમ તાપમાન ૪૨.૨ ડિગ્રી તથા ૦.૭ ડિગ્રીના વધારા સાથે લઘુતમ તાપમાન ૩૦.૬ ડિગ્રી નોંધાયું છે. આજે સવારે હવામાં ભેજનું પ્રમાણ ૩૯ ટકા નોંધાયું હતું જે દિવસ દરમિયાન ઘટીને ૩૦ ટકા રહ્યું હતું તથા સવારે પવનની ગતિ ૧૨ કિમી પ્રતિકલાકની નોંધાઈ હતી. જે દિવસ દરમિયાન વધીને ૩૦ કિમી પ્રતિકલાકની રહી હતી. ગઈકાલની રાહત બાદ આજે ફરી ભાવનગરમાં દિવસ અને રાતના તાપમાનમાં વધારો થતા આકરી ગરમી અનુભવાઈ હતી. દિવસ બાદ રાતનું તાપમાન પણ ઉંચકાતા ભાવનગરવાસીઓએ આકરી ગરમીનો અનુભવ કર્યો છે. ભાવનગરમાં હવેે મહત્તમ બાદ લઘુતમ તાપમાન પણ શરૂ સિઝનના સર્વાધિક સ્તરે પહોંચી ચુક્યું છે. ભાવનગરમાં છેલ્લા ૬ દિવસથી મહત્તમ તાપમાન ૪૦ ડિગ્રીને પાર રહ્યું છે તથા લઘુતમ તાપમાન ૨૯-૩૦ ડિગ્રીની આસપાસ રહેતા છેલ્લા બે સપ્તાહ ખુબ આકરા રહ્યાં છે. છેલ્લા પાંચ દિવસોના તાપમાનના આંકડાઓ પ્રમાણે મહત્તમ તાપમાન ૨ ડિગ્રી ઘટયું છે અને લઘુતમ તાપમાન ૧.૬ ડિગ્રી ઉંચકાયું છે. હવામાન વિભાગના અનુમાન પ્રમાણે આજે શુક્રવારે એક દિવસ હીટવેવની સ્થિતિ પ્રવર્તેલી રહેશે અને તે બાદ ક્રમશઃ ગરમીમાં રાહત મળવાની સંભાવના છે.
રાત્રે બફારા બાદ સવારે વીજકાપથી લોકો અકળાયા
ભાવનગરમાં સામાન્ય રીતે દિવસે આકરી ગરમી બાદ મોડી રાતે ઠંડક થઈ જતાં ગરમીમાં લોકોને રાહત મળતી હોય છે. પરંતુ રાતનું તાપમાન પણ ઉંચકાતા ગત રાત્રેએ નગરજનો ભારે બફારા બાદ સવારે ૬ થી ૧૦.૩૦ સુધી શહેરના અમુક ભાગોમાં વીજકાપના લીધે લોકો અકળાયા હતા.