Get The App

ભાવનગર જિલ્લા જેલમાં મહીલા કેદીનો ગળાફાંસો ખાઈ આપઘાત

Updated: Nov 15th, 2021


Google NewsGoogle News
ભાવનગર જિલ્લા જેલમાં મહીલા કેદીનો ગળાફાંસો ખાઈ આપઘાત 1 - image


- ખોડીયાર ડેમમાં 2 બાળકોને ડુબાડી દઈ મહીલાએ હત્યા કરી હતી

- વહેલી સવારે અન્ય મહીલા કેદી નિંદ્રાધીન હતી ત્યારે જાજરૂમાં દુપટ્ટા વડે ફાંસો ખાઈ અંતિમ પગલુ ભર્યુ

(ટ્રંકકોલ) : ભાવનગર જિલ્લા જેલના મહિલા બેરેકમાં આજે સોમવારે વહેલી સવારે મહિલા કેદીઓ નિંદ્રાધીન હતી તે વેળાએ હત્યાના ગુનામાં કાચા કામના કેદી તરીકે રખાયેલ મહિલાએ જાજરૂમાં દુપટ્ટા વડે ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતા ભારે ચકચાર મચી જવા પામી હતી. શામપરા ખોડિયાર ગામના મહિલાએ બે બાળકોને ડેમમાં ડુબાડી મારી નાખતા તેને જેલ હવાલે કરવામાં આવી હતી.

બનાવની જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર જિલ્લા જેલમાં મહિલા કેદી વોર્ડમાં હત્યાના ગુના સબબ કાચા કામના કેદી તરીકે સજા કાપતા મહિલા સુનિતાબેન અજયભાઇ મકવાણા (ઉ.વ.૩૩)એ આજે સોમવારે વહેલી સવારે ૩.૩૦ કલાકના અરસા દરમિયાન બેરેકમાં અન્ય મહિલા કેદીઓ નિંદ્રાધીન હતા તે વેળાએ જાજરૂમાં રહેલ જાળીમાં દુપટ્ટો બાંધી લઇ ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતા ભારે ચકચાર મચી જવા પામી હતી. દરમિયાન જિલ્લા જેલના સ્ટાફે મૃતક મહિલાનો કબ્જો સંભાળી પી.એમ. અર્થે અત્રેની સર ટી. હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. જ્યારે પી.એમ. કરાયા બાદ મહિલાના પરિવારજનોને મૃતદેહનો કબ્જો સોંપવામાં આવ્યો હતો.

જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર જિલ્લાના શામપરા ખોડિયાર ગામે રહેતા ઉક્ત મહિલા સુનિતાબેન મકવાણાને તેના ઘરમાં ઘરકંકાસ ચાલતો હોય જેના કારણે તેના બે સંતાનોને ખોડિયાર ડેમમાં ફેંકી દઇ હત્યા કરી નાખી હતી જે મામલે ગુનો નોંધાતા પોલીસે તેની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યા બાદ નામદાર કોર્ટના આદેશ તળે જિલ્લા જેલ હવાલે કરવામાં આવ્યા હતાં જ્યાં તેઓ કાચા કામના કેદી તરીકે સજા કાપી રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું.



Google NewsGoogle News