ગોહિલવાડ પર મેઘરાજા મહેરબાન : ભાવનગર શહેર, ગારિયાધાર અને પાલિતાણા ધોધમાર દોઢ ઇંચ સુધીનો વરસાદ
- ભાવનગર શહેર અને જિલ્લામાં બપોરે 2 થી 4 દરમિયાન બે કલાકમાં કુલ સવા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો
- મહુવા સિવાય જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદ, ગારિયયાધારમાં 2 થી 4 વચ્ચેના બે કલાકના સમયગાળામાં સવા ઇંચ અને પાલિતાણામાં એક ઇંચ વરસાદ અને સિહોર પંથકમાં અડધાથી એક ઇંચ વરસાદ નોંધાયો
ભાવનગર શહેરમાં આજે સતત બીજા દિવસે વરસાદી માહોલ રહ્યો છે. આજે વહેલી સવારથી ભાવનગર શહેરમાં ઝરમરથી લઈને ધોધમાર વરસાદની રેડી વરસતી હતી. જેમાં ખાસ તો બપોરના સમયે બે થી ચાર વાગ્યાના સમયગાળા દરમિયાન શહેર અને જિલ્લામાં સોથી વધારે વરસાદ નોંધાયો છે. શહેર અને જિલ્લામાં આ બે કલાક દરમિયાન કુલ સવા ત્રણ ઈંચ વરસાદ પડયો હતો. વરસાદી માહોલના પગલે ભાવનગર શહેરના અનેક નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને ઘણાં રસ્તાઓ પણ બિસ્માર બન્યા છે. શહેરમાં આજે સવારથી સાંજ સુધી શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ઝરમરથી લઈ ધોધમાર વરસાદ પડયો હતો. ભાવનગર શહેરમાં આજે સવારે ૧૦ વાગ્યાથી બપોર બાદ ચાર વાગ્યા સુધી ઝરમરથી લઈ ધોધમાર વરસ્યા બાદ સાંજે ૭ વાગ્યાના અરસામાં એક ધોધમાર વરસાદી ઝાપટું વરસ્યું હતું. શહેરમાં આજે અડધાથી એક ઇંચ સુધીનો વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત ગારિયાધારમાં દોઢ ઈંચ, પાલિતાણામાં એક ઈંચ, જેસર અને તળાજામાં પોણો ઇંચ અને ઘોઘામાં અડધો ઈંચ વરસાદ નોંધાયો છે. સિહોર પંથકમાં આજે બપોરે ૧૨થી ૨ વાગ્યા વચ્ચે સૌથી વધારે વરસાદ નોંધાયો હતો. જ્યારે ગારિયાધાર અને પાલિતાણામાં બપોરે ૨ થી ૪ વાગ્યા સુધીમાં સૌથી વધારે વરસાદ પડયો હતો. જિલ્લામાં અત્યાર સુધીમાં સૌથી વધારે ગારિયાધાર પંથકમાં આઠ ઈંચ વરસાદ નોંધાઈ ચુક્યો છે જ્યારે સૌથી ઓછો તળાજામાં બે ઈંચ વરસાદ નોંધાયો છે. આજે જિલ્લામાં મહુવા સિવાય તમામ તાલુકા મથકોમાં વરસાદ નોંધાયો છે. જોકે ગત મોડી રાતે ૧૨.૧૫ કલાકથી વહેલી સવારના ૩ વાગ્યા સુધી અને દિવસ દરમિયાન આશરે બેથી અઢી ઈંચ સુધીનો વરસાદ નોંધાયો હતો. તેમજ તળાજા શહેરમાં વહેલી સવારથી મેઘાવી માહોલ બંધાયો હતો અને પંથકના પીથલપુર, ઝાંઝમેર, ઉંચડી, ખંઢેરા, મહાદેવપરા, કેરાળા વિસ્તારમાં વરસાદી માહોલ વચ્ચે ઝાપટા વરસ્યા હતા. આ સિવાય ગારિયાધાર અને પાલિતાણામાં પણ સારો વરસાદ નોંધાયો હતો. ગારિયાધારમાં બપોરના સમયે ભારે વરસાદને પગલે શહેરના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ભાવનગરમાં શરૂ સિઝનનો ૧૨.૪૮ ટકા વરસાદ નોંધાયો છે જે ગત સિઝન કરતા ૨.૬૩ ટકા ઓછો છે. ગત ૨૮ જુનની સ્થિતિએ ભાવનગર જિલ્લામાં સિઝનનો ૧૫.૧૧ ટકા વરસાદ નોંધાઈ ચુક્યો હતો. આ ઉપરાંત રાજુલા તાલુકાના માંડળ, ડુંગર, છાપરી, દેવકા, કુંભારીયા, ઝીંઝકા તેમજ જાફરાબાદ તાલુકાના ગાગવદર, ભટવદર, નાગેશ્રી, બાલાની વાવ સહિતના ગામડાઓમાં વરસાદના પગલે પંથકના ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
ભાવનગર શહેરમાં નોંધાયેલો વરસાદ
તાલુકો |
૨૮/૬ના
રોજ નોંધાયેલ વરસાદ |
સિઝનનો
કુલ વરસાદ |
વલભીપુર |
૦૩ |
૯૬ |
ઉમરાળા |
૦૩ |
૬૮ |
ભાવનગર |
૨૧ |
૮૨ |
ઘોઘા |
૧૧ |
૫૧ |
સિહોર |
૨૧ |
૧૧૯ |
ગારિયાધાર |
૩૮ |
૧૯૪ |
પાલિતાણા |
૨૮ |
૧૫૫ |
તળાજા |
૧૭ |
૪૮ |
મહુવા |
૦૦ |
૫૯ |
જેસર |
૧૯ |
૬૭ |
ગરમી ગાયબ, ટાઢોડું શરૂ...
ભાવનગર શહેરમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલના પગલે ગરમી ગાયબ થઈ ગઈ છે અને ટાઢોડું શરૂ થયું છે. આજે શહેરમાં દિવસ અને રાતના તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. ગતરોજની સરખામણીએ મહત્તમ તાપમાન ૦.૮ ડિગ્રીના ઘટાડા સાથે ૩૧.૨ ડિગ્રી નોંધાયું છે. આજે સવારે લઘુતમ તાપમાન ૨૭.૨ ડિગ્રી નોંધાયું હતું જે દિવસ દરમિયાન ૦.૬ ડિગ્રી ઘટીને ૨૬.૬ ડિગ્રીએ સ્થિર થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. આજે દિવસ દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ ૮૯ ટકા અને પવનની ઝડપ ૧૦ કિમી પ્રતિકલાકની રહી હતી.