ભાવનગર શહેર અને જિલ્લામાં ઝરમર વરસાદી માહોલ રહ્યો
- શનિવારે સારા વરસાદ બાદ રવિવારે સામાન્ય વરસાદ
- છેલ્લા 12 કલાકમાં જિલ્લાના 6 તાલુકાઓમાં વરસાદ વરસ્યો, શહેરમાં ઝરમર વરસાદ બાદ વાતાવરણમાં ઠંડક રહી
ભાવનગર શહેર અને જિલ્લામાં ગઈકાલે સારો વરસાદ નોંધાયા બાદ આજે દિવસ દરમિયાન સામાન્ય વરસાદી માહોલ રહ્યો હતો. શહેરના જુદાં-જુદાં વિસ્તારોમાં આજે સવારે અને બપોર બાદ ઝરમર વરસાદ નોંધાયો હતો. આજે દિવસ દરમિયાન શહેરમાં કુલ ૧ મિ.મી. વરસાદ નોંધાયો જ્યારે ભાવનગર એરપોર્ટ ખાતે દિવસ દરમિયાન કુલ ૩ મિ.મી. વરસાદ નોંધાયો છે. સવારે અને બપોર બાદ વરસાદી વાતાવરણ અને ઠંડા પવનોને કારણે આજે એકંદરે વાતાવરણમાં ઠંડક અનુભવાઈ હતી. આજે વહેલી સવારે લઘુતમ તાપમાન ૨૬.૧ ડિગ્રી નોંધાયું હતું જે બાદમાં ઘટીને ૨૫.૯ ડિગ્રીએ સ્થિર થયું હતું જ્યારે મહત્તમ તાપમાન ૦.૮ ડિગ્રીના ઘટાડા સાથે ૩૧.૫ ડિગ્રી નોંધાયું હતું. આજે પવનની ઝડપ ૧૦ કિમી પ્રતિકલાકની રહી હતી જ્યારે હવામાં ભેજનું પ્રમાણ ૭૮ ટકા નોંધાયું હતું. છેલ્લા ૧૨ કલાકમાં ભાવનગર સહિત જિલ્લાના ૬ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં વલ્લભીપુર, સિહોર અને પાલિતાણા પંથકમાં ૪ મિ.મી., ઉમરાળા પંથકમાં ૨ મિ.મી. અને ઘોઘા પંથકમાં ૧ મિ.મી. વરસાદ નોંધાયો હતો. ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે ભાવનગરમાં વરસાદની ઘટ છે ત્યારે આગામી દિવસોમાં જિલ્લામાં સારો વરસાદ પડે તેવી આશા લોકો સેવી રહ્યાં છે.