Get The App

બરવાળામાં મેગા ડિમોલિશનઃ ભાવનગર-અમદાવાદ હાઈ વે પરનાં ૧૩૭ દબાણોનો સફાયો, સ્થાનિક નેતાઓના દબાણો પર પણ બૂલડોઝર ફર્યું

Updated: Oct 10th, 2024


Google NewsGoogle News
બરવાળામાં મેગા ડિમોલિશનઃ ભાવનગર-અમદાવાદ હાઈ વે પરનાં ૧૩૭ દબાણોનો સફાયો, સ્થાનિક નેતાઓના દબાણો પર પણ બૂલડોઝર ફર્યું 1 - image


- પહેલાં તબક્કામાં 54, બીજામાં 12 અને ત્રીજા તબક્કામાં 71 જેટલાં કાચા-પાકા દબાણો હટાવાયા 

- રોજી છીનવાતી હોવાની માંગ સાથે અમુક સ્થળે દબાણકર્તાઓ જેસીબી આડે સુઈ ગયા : પાલિકાએ અવરોધો વચ્ચે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણોને જમીનદોસ્ત કરી સરકારી જમીન ખુલ્લી કરી 

બરવાળા : બરવાળા નગરપાલિકાએ ભાવનગર-અમદાવાદ હાઈ વે પરના દબાણો હટાવવા આદરેલી ઝૂંબેશના ભાગરૂપે ત્રીજા તબક્કામાં વધુ ૭૧ દબાણો હટાવી સરકારી જગ્યા ખુલ્લી કરી હતી. પોલીસ બંદોબસ્ત વચ્ચે થયેલાં આ મેગા ડિમોલિશનમાં દબાણકર્તાઓએ પોતાની રોજી છીનવાઈ હોવાના રોષ સાથે જેસીબી આડે સુઈને વિરોધ કર્યો હતો. પરંતુ, પાલિકા તંત્રએ તમામ અવરોધો વચ્ચે દબાણો દૂર કર્યા હતા. આ દબાણોમાં ઘણાં દબાણો સ્થાનિક રાજકીય નેતાઓના પણ હોવા છતાં પાલિકાની આ કામગીરીને એક તરફથી આવકાર મળી રહ્યો છે બીજી તરફ, ખરેખર આ દબાણો અડચણરૂપ કે નડતરરૂપ ન હોવા છતાં તેમને હટાવવાના કારણે આ સ્થળેથી રોજી મેળવતાં ઘણાં પરિવારોની રોજીરોટી છીનવાઈ ગઈ હોવાનો બળાપો પણ વ્યક્ત થઈ રહ્યો છે. 

આ અંગેની વિગત એવી છે કે, ભાવનગર- અમદાવાદ હાઈવે રોડ પર બરવાળા નગરપાલિકાની માલિકીની જગ્યા પર ખડકાયેલાં કાચા-પાકા મકાનો હટાવવા માટે તંત્ર એકાએક સક્રિય થયું હતું. પાલિકા તંત્ર દ્વારા તમામ દબાણકર્તાઓને નોટિસ આપી સ્વૈચ્છીક દબાણ હટાવવા તાકિદ કરી હતી. પરંતુ સમયમર્યાદામાં દબાણો હટાવવામાં ન આવતાં તંત્રએ તબક્કાવાર દબાણો હટાવવાની પ્રક્રિયા આરંભી હતી. બરવાળા નગરપાલિકાએ ત્રણ તબક્કામાં આ રોડ પર નગરપાલિકાની જગ્યામાં ખડકાયેલાં ૧૩૭ જેટલાં દબાણોને હટાવ્યા હતા. જેમાં પ્રથમ તબક્કામાં ૫૪, બીજા તબક્કામાં ૧૨ મળી ૬૬ જેટલાં કાચા-પાકા દબાણો હટાવ્યા હતા. જયારે, ત્રીજા તબક્કામાં દબાણોની સંખ્યા ૭૧ જેટલી હોવાથી તંત્રએ તમામ તૈયારીઓ સાથે ગત મંગળવારના રોજ દબાણ હટાવ કામગીરી હાથ ધરી હતી. આ દબાણો પૈકી ૩૦ વર્ષથી વધુ સમયથી ખડકાયેલાં હતા. બીજી તરફ, અગાઉ બે વખત દબાણ હટાવ સમયે દબાણકર્તાઓ સાથે થયેલી તકરારને લઈ આ વખતે પાલિકા તંત્ર દ્વારા પહેલેથી ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

 સઘન પોલીસ બંદોબસ્ત વચ્ચે શરૂ થયેલી દબાણ હટાવ કામગીરીમાં પાલિકાએ ૭૧ જેટલાં કાચા પાકા દબાણો હટાવ્યા હતા. જો કે, કેટલાક કિસ્સામાં દબાણકર્તાઓ દ્વારા વિરોધ થયો હતો. જેને તંત્રએ ધ્યાને લીધો ન હતો. એ જ રીતે કેટલાંક દબાણ હટાવતાં સમયે દબાણકર્તાઓ જેસીબી આડે સુઈ ગયા હતા અને રોજીરોટી છીનવાતી હોવાનો બળાપો કાઢી દબાણ ન હટાવવા માંગ કરી હતી. જો કે, પાલિકાએ તમામ અવરોધ વચ્ચે પોલીસ બંદોબસ્ત સાથે ૭૧ દબાણોનો સફાયો કરી ત્રણ તબક્કામાં ૧૩૭ દબાણોને હટાવ્યા હતા. બરવાળા પાલિકાના ઈતિહાસમાં સંભવતઃ પ્રથમ ઘટના હશે જેમાં એક સાથે ૧૩૭ દબાણો હટાવી હાઈ-વે ટચ સરકારી જગ્યાને ખુલ્લી કરવામાં આવી હોય. તંત્રના આ મેગા ડિમોલિશનને સ્થાનિકોએ આવકાર્યો હતો. જો કે, બીજી તરફ દિવાળી તહેવાર માથે છે ત્યારે તંત્રની આ કમાગીરીથી હાલ પેટિયું રળતાં ૪૦૦થી વધુ પરિવારોની રોજી છીનવાઈ ગઈ હોવાનો ગણગણાટ પણ શરૂ થયો છે.મહત્વપૂર્ણ છે કે, તંત્રએ દૂર કરેલાં આ દબાણોમાં સ્થાનિક બરવાળાથી લઈ બોટાદ જિલ્લામાં રાજકીય પદ ધરાવતાં સંગઠનના હોદ્દેદારો અને પદાધિકારીઓના દબાણો પણ હતા. જેના પર પણ તંત્રએ બૂલડોઝર ફેરવી નાંખ્યું હતું. જો કે, દબાણો હટાવ્યા બાદ ખુલ્લી થયેલી આ જગ્યાનો તંત્ર દ્વારા કયાં હેતુ માટે ઉપયોગ કરવામાં આવશે ? તે મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. આ સ્થળનો પાલિકાએ બહુહેતુક પ્રજાહીતમાં ઉપયોગ કરવો જોઈએ તેવી માંગ ઉઠી છે. 

ધારાસભ્યએ દબાણ હટાવના મુદ્દે દૂર રહેવાનું પસંદ કર્યું 

બરવાળા નગરપાલિકાએ ભાવનગર-અમદાવાદ હાઈ વે પર ખડકાયેલાં દબાણો હટાવ્યા બાદ આજે ધંધુકાના ધારાસભ્યએ બરવાળા ખાતે આયોજિત એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. જેની જાણ થતાં જ રજૂઆતકર્તાઓ તેમને મળવા કાર્યક્રમ સ્થળે પહોંચી ગયા હતા. જયાં ધારાસભ્યએ તમામને સાંભળી લીધા હતા. પરંતુ આ મામલે ધારાસભ્યએ પહેલેથી જ દૂર રહેવાનું પસંદ કર્યું હોય તેવી ચર્ચા જાગી હતી. 

પાલિકાની સાધારણસભામાં પણ મુદ્દો ચર્ચાયો, અધિકારી જવાબ ન આપી શક્યા 

ગત મંગળવારે બરવાળા પાલિકાએ દબાણો હટાવ્યા બાદ આજે મળેલી સાધારણ સભામાં આ મુદ્દો ચર્ચાસ્થાને રહ્યો હતો. બેઠકના પ્રારંભથી જ પાલિકાના આઠથી વધુ સક્રિય સભ્યોએ પાલિકાની કામગીરીની સમીક્ષા કરવા મુદ્દાને ચર્ચાસ્થાને લીધો હતો. જેમાં પાલિકાએ કયાં કારણોથી આ દબાણો હટાવ્યા તેની ચીફ ઓફિસર પાસેવિગતો માંગી હતી. ઉપરાંત, પાલિકાના જવાબદાર અધિકારીઓએ આ મેગા ડિમેલિશન મુદ્દે પાલિકાના પદાધિકારીઓ અને પાલિકા સભ્યોને કેમ વિગતોથી વાકેફ ન કર્યા તેવો બળાપો વ્યકત કરી ધારદાર સવાલો કર્યા હતા અને જવાબો માંગ્યા હતા. જો કે, જવાબદાર અધિકારીઓ જવાબ આપી શકયા ન હોવાનું સ્થાનિક સૂત્રોમાંથી જાણવા મળેલ છે. 


Google NewsGoogle News