'વિકાસ'માં ભાવેણું રાજકોટ કરતા પાછળ રહી ગયું
- 14 ફેબ્રુઆરી 1982 ના રોજ ભાવનગર મહાનગરપાલિકાની સ્થાપના થઈ હતી
- 42 વર્ષ પૂર્ણ થયા છતા હજુ રોડ, સફાઈ, પાણી, રખડતા ઢોર સહિતની સમસ્યાઓ યથાવત, મોટાભાગના કામ સમય મર્યાદામાં નહી થતા લોકોમાં રોષ : માત્ર વિકાસની વાતોથી વિકાસ નહી થાય
ભાવનગર મહાનગરપાલિકાનો આવતીકાલે બુધવારે ૪૩મો જન્મ દિવસ છે. ભાવનગર મહાનગરપાલિકાની સ્થાપના ગત ૧૪ ફેબુ્રઆરી ૧૯૮રના રોજ થઈ હતી. ભાવનગર મહાપાલિકાના સ્થાપના દિવસની ઉજવણી મીઠાઈ વહેંચી સાદગી પૂર્વક કરવામાં આવશે તેમ જાણવા મળેલ છે. મહાપાલિકાના સ્થાપના દિનને લઈ અધિકારી-કર્મચારીઓમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. એક સમયે રાજકોટનો વિકાસ ભાવનગર કરતા ધીમો હતો, તેના બદલે હવે રાજકોટ શહેર ભાવનગર કરતા વિકાસમાં ખુબ જ આગળ નિકળી ગયુ છે. અન્ય શહેરોની સરખામણીએ ભાવનગર મહાપાલિકાનો વિકાસ ઘણો ધીમો છે તેથી ભાવનગર હાલ ઘણુ પાછળ રહી ગયુ છે તેમ લોકમુખે ચર્ચાય રહ્યુ છે ત્યારે ભાવનગર શહેરનો વિકાસ ઝડપી થાય તે માટે શાસક ભાજપે યોગ્ય પગલા લેવા જરૂરી છે. ૪ર વર્ષ પૂર્ણ થયા છતા હજુ રોડ, સફાઈ, પાણી, રખડતા ઢોર સહિતની કેટલીક સમસ્યાઓ યથાવત છે. છેવાડા વિસ્તારોમાં લોકો પરેશાન છે ત્યારે આ સ્થાપના દિવસે લોકોની મૂશ્કેલી દુર થાય તેવુ આયોજન કરવા માંગ ઉઠી રહી છે. ઓવરબ્રીજ, ઘોઘાસર્કલ, સરદારનગર સર્કલ, રોડ સહિતના મોટાભાગના કામ સમય મર્યાદામાં થયા નથી ત્યારે શાસકો કામગીરી લેવામાં નબળા છે તેમ કહી શકાય.
ઉલ્લેખનીય છે કે, વર્ષો પૂર્વે ભાવનગર રાજ્ય તરીકે ઓળખાતુ હતુ અને ત્યારબાદ ઈ.સ. ૧૮૭રની ૬ એપ્રિલથી ભાવનગર નગરપાલિકાની સ્થાપના થઈ હતી. સને ૧૯૬૩થી પંચાયતીરાજ અમલમાં આવ્યુ તે પહેલા ભાવનગર જિલ્લામાં ભાવનગર, બોટાદ, ગઢડા, ગારિયાધાર, સાવરકુંડલા, મહુવા, પાલિતાણા, પાળીયાદ, સિહોર, તળાજા, ઉમરાળા અને વલભીપુર એમ કુલ ૧ર નગરપાલિકાઓ અસ્તિત્વમાં હતી. ત્યારબાદ રાજ્ય સરકારે ૧૦ હજારથી નીચેની વસતિ હોય ત્યાં ગ્રામ પંચાયત અને ૧૦ હજારથી ૩૦ હજાર વસતિ ધરાવનાર શહેરમાં નગર પંચાયતની રચના કરવાની ભલામણનો સ્વિકાર કર્યો હતો તેથી જિલ્લામાં નગરપાલિકાની સંખ્યા ૧રથી ઘટીને પ થઈ હતી, જેમાં ભાવનગર, બોટાદ, મહુવા, પાલિતાણા અને સાવરકુંડલા વગેરેનો સમાવેશ થતો હતો. પાંચ નગરપાલિકામાંથી એક માત્ર ભાવનગરને મહાનગરપાલિકાનો દરજ્જો ૪ર વર્ષ પૂર્વે મળ્યો હતો, જયારે અન્ય ચાર નગરપાલિકાને હજુ સુધી મહાપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો નથી.
ભાવનગર મહાપાલિકા બન્યા બાદ રાજ્ય સરકારે ચૂંટણી વગર અઢી વર્ષ માટે પ૧ સભ્યોની નિમણુંક કરી હતી, જેમાં રમણીકભાઈ પંડયા, રણુભાઈ રાઠોડ, સાજણભાઈ બુધેલીયા, મહીપતસિંહ ગોહિલ સહિતના નગરસેવકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. મહાપાલિકામાં કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષે શાસન કર્યુ છે, જેમાં રજવાડા સમયે ભાવનગરનો વિકાસ ઝડપી થયો હતો અને ભાવનગરની નોંધ લેવામાં આવતી હતી પરંતુ રાજકીય લોકોના શાસનમાં ભાવનગરનો વિકાસ ધીમો પડી ગયો હોવાનુ લોકમુખે ચર્ચાય રહ્યુ છે. કોંગ્રેસ-ભાજપના શાસનમાં થોડો વિકાસ થયો છે પરંતુ હજુ ઘણો વિકાસ બાકી છે ત્યારે હવે ઝડપી વિકાસ કયારે થશે ? તેની રાહ જોવી જ રહી. ઘણા વર્ષથી ભાવનગર મનપામાં ભાજપનુ શાસન છે ત્યારે માત્ર વિકાસની વાતો કરવાના બદલે સાચો અને ઝડપી વિકાસ થાય તેવુ આયોજન કરવુ જોઈએ તેમ જાગૃત નાગરીકોમાં ચર્ચાય રહ્યુ છે.
મનપાના કમિશનર કડક પગલા લે છે પરંતુ શાસકો ઢીલા પડતા હોવાની ચર્ચા
ભાવનગર મહાપાલિકાને કેટલાક સારા કમિશનર મળ્યા છે અને આ કમિશનરો દ્વારા ભાવનગરના વિકાસ માટે તેમજ ઝડપી કામગીરી માટે કડક પગલા લેવામાં આવ્યા છે, જેમાં પૂર્વ કમિશનર પ્રદીપ શર્મા, હાલના કમિશનર ઉપાધ્યાય વગેરેનો સમાવેશ થાય છે. એક સારા કમિશનર આવતા ઝડપી કામ થવા લાગે છે પરંતુ શાસકો ઢીલા પડી રહ્યા હોવાનુ ચર્ચાય રહ્યુ છે. રાજકીય શાસકોને ઝડપી કામ થાય તેમાં રસ ના હોય તેમ સમય મર્યાદામાં કામ થતા નથી છતા કડક પગલા લેવામાં આવતા નથી તેમ લોકમુખે ચર્ચાય રહ્યુ છે. સારા કમિશનર આવતા મોટાભાગની સમસ્યા હલ થઈ જાય છે પરંતુ કમિશનરની બદલી થયા બાદ ફરી દબાણ સહિતની સમસ્યા યથાવત જોવા મળતી હોય છે, આવુ ન થાય તે માટે શાસકોએ પણ લાલ આંખ કરવી જરૂરી છે.