ભાણગઢના 5 માસથી વિકટ બનેલા પાણીના પ્રશ્ને આંદોલનના મંડાણ

Updated: Sep 26th, 2023


Google NewsGoogle News
ભાણગઢના 5 માસથી વિકટ બનેલા પાણીના પ્રશ્ને આંદોલનના મંડાણ 1 - image


- સત્તાધીશોની ગંભીર બેદરકારી સામે લોકોમાં આક્રોશ 

- સિહોર તાલુકા પંચાયતમાં ગામના દરેક ઘરમાંથી ભાઈઓ,બહેનો તેમજ સ્કુલના વિદ્યાર્થીઓ આંદોલનમાં જોડાયા, આજથી અનશન શરૂ કરાશે

સિહોર : છેલ્લા પાંચ માસથી સિહોર તાલુકાના ભાણગઢ ગામમાં પીવાના પાણીના વિકટ બનેલા પ્રશ્નના અનુસંધાને સત્તાધીશોની ઉદાસીનતાના વિરોધમાં દરેક ઘરના પુરૂષો, સ્ત્રીઓ તથા સ્કુલના વિદ્યાર્થીઓ સાથે સિહોર તાલુકા પંચાયતમાં છાવણી નાખીને આંદોલનના મંડાણ કરવામાં આવ્યા છે. દરમિયાન આ આંદોલન અંગે જો આવતીકાલે મંગળવારે બપોર સુધીમાં જો નીર્ણય નહિ લેવાય તો ગ્રામજનો દ્વારા મંગળવારે બપોર બાદ અનશન આંદોલન શરૂ કરવાની ચિમકી ઉચ્ચારાઈ છે. 

સિહોર તાલુકાના ઘાંઘળી ગામ પાસે આવેલા ભાણગઢ ગામમાં છેલ્લા પાંચ માસથી પીવાના પાણીની વિકટ પરિસ્થિતી ઉભી થઈ હોય જે ગંભીર બાબતે અવાર-નવાર લાગતા વળગતા તંત્રને ફરીયાદો કરવા છતાં સત્તાતંત્ર દ્વારા આજદિન સુધી કોઈ જાતની કાર્યવાહી કરવામાં ન આવતા ભાણગઢ ગામના આગેવાનો દ્વારા લેખિત ફરીયાદ કરીને સિહોરના મામલતદાર તથા ટી.ડી.ઓ. તેમજ પાણી પુરવઠા અધિકારીને જણાવાયુ હતુ કે, તા.૨૪,૯ સુધીમાં આ ગામને સ્પર્શતો અણઉકેલ પાણીનો પ્રશ્ન હલ કરવામાં નહિ આવે તો સમસ્ત ગામ દ્વારા તા.૨૫ સપ્ટેમ્બરથી આંદોલનના મંડાણ કરવાની ચિમકી અપાઈ હતી. જે મુજબ ગામસમસ્તના ભાઈઓ તથા બહેનો, સ્કુલના વિદ્યાર્થીઓ દ્વારા સોમવારથી સિહોર તાલુકા પંચાયતના ગ્રાઉન્ડમાં વિશાળ છાવણી નાખીને ઉપવાસ આંદોલનના મંડાણ કરવામાં આવ્યા છે. આ આંદોલનના અનુસંધાને પાણી પુરવઠા વિભાગના અધિકારીએ જણાવ્યુ હતુ કે, તંત્ર દ્વારા હાલ પાણીના ૪ થી ૫ ટાંકાની વ્યવસ્થા કરવામાં આવેલ છે. પરંતુ ઘાંઘળી ગામથી ભાણગઢ ગામ સુધી પાણીની લાઈન નાખવી તેઓની સત્તામાં નથી. જેથી તેઓએ ઉચ્ચ અધિકારીને જાણ કરી હતી. આ ઉપરાંત સિહોરના ટી.ડી.ઓ. દ્વારા એવુ જણાવાયુ છે કે, આ પાણીના પ્રશ્નની જવાબદારી તેઓની ન હોય પાણી પુરવઠા વિભાગમાં આવતી હોય છે. દરમિયાન સત્તાધીશોની ભાણગઢ ગામના વિકટ બનેલા પાણીના ગંભીર પ્રશ્ને આંદોલનની છાવણીમાં ગ્રામજનો દ્વારા સૂત્રોચ્ચાર કરાયા હતા. એટલુ જ નહિ આ ગામ માટે પાણીની જયા સુધી વ્યવસ્થા નહિ થાય ત્યાં સુધી ગામમાં ચૂંટણી કે મતદાનન નહિ કરવાનું ગ્રામ્ય આગેવાનોએ આક્રોશભેર જણાવી વધુમાં ઉમેર્યુ હતુ કે,જો સત્તાધીશો દ્વારા આ સમસ્યાનો આવતીકાલે મંગળવાર સુધીમાં ઉકેલ લાવવામાં નહિ આવે તો મંગળવારે બપોરથી ગ્રામજનો દ્વારા અનશન આંદોલન  શરૂ કરવામાં આવશે. નિરાકરણ ન આવે ત્યાં સુધી શરૂ રહેશે. 


Google NewsGoogle News