ભાદર - 1 ડેમ ઓવરફલો થયો, ત્રણ દરવાજા બે ફૂટ ખોલાયા
- સૌરાષ્ટ્રવાસીઓમાં હરખની હેલી
- મચ્છુ સહિત 15 જળાશયોમાં નવા પાણીની આવક
ગોંડલ, જેતપુર, જામકંડોરણા અને ધોરાજીના 22 ગામોને એલર્ટ, 23મી વખત ઓવરફલો
રાજકોટ, તા. 21 ઑગસ્ટ, 2020, શુક્રવાર
સૌરાષ્ટ્રનો બીજા નંબરનો સોૈથી મોટો ભાદર - ૧ ડેમ ઉપરવાસમાં ભારે વરસાદથી ઓવરફલો થતા લોકોમાં હરખની હેલી ઉઠી છે. રાજકોટ ઉપરાંત જેતપુર, વીરપુર, સહિતનાં ગામોને પીવાનુ પાણી પુરુ પાડતો ભાદર ડેમનાં ત્રણ દરવાજા બે ફૂટ ખોલવામાં આવ્યા છે. પાણીની આવક સતત ચાલુ છે.
ગોંડલ પાસેના લીલાખા પાસે આવેલા ભાદર ડેમમાં છેલ્લા ત્રણેક દિવસથી પાણીની નોંધપાત્ર આવક થઈ રહી છે ગઈ કાલે ઓફરફલો આડે એક ફૂટનું અંતર હતુ દરમિયાન ઉપરવાસમાં પડેલા વરસાદથી આવકમાં વધારો થતા ૩૪ ફૂટની સપાટી ધરાવતો ડેમ ઓવરફલો થઈ ગયો હતો. અત્યાર સુધીમાં ર૩ મી વખત ભાદર - ૧ ડેમ ઓવરફલો થયો છે. ડેમમાં હાલ ૬૬૪૮ એમસીએફટી પાણીનો સંગ્રહ થયો છે. ભાદર ડેમનાં સવારે બે દરવાજા અર્ધો ફૂટ ખોલવામાં આવ્યા હતા પરંતુ આવક સતત વધી રહી હતી. આશરે ર૭૦૦ કયુસેક પાણીની આવક ચાલુ હોય સાંજે ભાદરનાં ત્રણ દરવાજા બે ફૂટ સુધી ખોલવામાં આવ્યા હતા.
વિરાટ ભાદર - ૧ જળાશય છલકાઈ જતા ગોંડલ તાલુકાનાં લીલીખા, મસીતાળા , ભંડારીયા ખંભાલીડા , નવાગામ અને જેતપુર તાલુકાનાં મોણપર, ખીરસરા, દેરડી, જેતપુર, નવાગઢ, રબારીકા , કેરાડી ઉપરાંત જામ કંડોરણા અને ધોરાજી તાલુકાનાં મળીને રર ગામોનાં લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે. ભાદર ડેમ નિમાર્ણ થયા બાદ ર૩ મી વખત ઓવરફલો થયો છે. ભાદર ઓવરફલો થતા રાજકોટ વાસીઓનો પાણીનો પ્રશ્ન હલ થયો છે. ભાદરમાંથી રાજકોટ, જૂનાગઢ અને પોરબંદર જિલ્લાનાં આશરે ૪૬ ગામોની ૩૬ર૪ર હેકટર જમીનને સિંચાઈનું પાણી પુરુ પાડવામાં આવે છે. ગત વર્ષે ડેમ ઓવરફલો થયા બાદ ત્રીસ વર્ષે ઉનાળુ પાક માટે કેનાલમાં પાણી છોડવામાં આવ્યુ હતુ. ભાદર ભરાઈ જતા ખેડૂતોમાં આનંદની લાગણીઓનાં ઘોડાપૂર ઉછળી રહયા છે.
દરમિયાન ઉપરવાસમાં વરસાદથી કોટડા સાંગાણી તાલુકામાં આવેલો ગોંડલી ડેમ ૧૦૦ ટકા ભરાઈ ગયો છે. મોરબી જિલ્લાનાં મચ્છુ - ૧ અને મચ્છુ - ર સહિત ૧પ જેટલા જળાશયોમાં નવા પાણીની આવક થઈ હતી. રાજકોટ જિલ્લાનાં રપ જળાશયોમાં અત્યાર સુધીમાં ૯૦ ટકા પાણીનો જથ્થો ઠલવાઈ ચૂકયો છે.