'કૂતરાથી ચેતો' : ભાવનગરમાં દરરોજ 57 લોકો બને છે ડોગ બાઈટનો શિકાર

Updated: Aug 21st, 2024


Google NewsGoogle News
'કૂતરાથી ચેતો' : ભાવનગરમાં દરરોજ 57 લોકો બને છે ડોગ બાઈટનો શિકાર 1 - image


- જવાબદાર તંત્રની નિષ્ક્રિયતાના કારણે શહેરમાં રખડતા ઢોરની સાથે શ્વાનનો આતંક

- દોઢ મહિનામાં આશરે 3 હજાર લોકોને કૂતરા કરડયા, અનંતવાડી વિસ્તારમાં રખડતા શ્વાનોના ત્રાસથી રહિશો ત્રાહિમામ, રાહદારીઓના હિતમાં લોકોએ સ્વખર્ચે સાવચેતીની સુચના દર્શાવતું બોર્ડ લગાવ્યું

ભાવનગર : ભાવનગરમાં રખડતા ઢોરના ભય હેઠળ દરરોજ લોકો રસ્તા પરથી પસાર થાય છે અને હવે રખડતા ઢોર બાદ રખડતા શ્વાનોનો આતંક પણ વધી રહ્યો છે. ભાવનગર શહેરમાં છેલ્લા દોઢ મહિનામાં આશરે ત્રણ હજાર કરતા વધારે લોકો ડોગ બાઈટનો શિકાર બન્યા છે. ભાવનગરમાં દરરોજ સરેરાશ ૫૭ લોકોને કુતરું કરડે છે. નાની-નાની સોસાયટીના રહીશો દ્વારા મહાનગરપાલિકામાં અનેકવાર ફરિયાદ કરવામાં આવે છે પરંતુ કોઈ નક્કર પરિણામ આવતું નથી. બીજી તરફ શહેરના અનંતવાડી વિસ્તારમાં રખડતા શ્વાનનો એ હદે ત્રાસ વધી ગયો છે કે સોસાયટીના લોકોએ રાહદારીઓને સાવચેત કરવા  સ્વખર્ચે બોર્ડ લગાવ્યું છે.

ભાવનગરના રાજમાર્ગો પર રખડતા ઢોરની સમસ્યાથી સૌ કોઈ વિદિત છે. દરરોજ લોકો રખડતા ઢોરના ભય હેઠળ જીવના જોખમે રસ્તા પરથી પસાર થાય છે અને શહેરમાં રખડતા ઢોર બાદ રખડતા કુતરાઓનો ત્રાસ પણ વધી રહ્યો છે. શહેરની સર તખ્તસિંહજી હોસ્પિટલના આંકડાઓ પ્રમાણે ૧લી જુલાઈ ૨૦૨૪ થી ૨૦ ઓગસ્ટ ૨૦૨૪ સુધીમાં છેલ્લા દોઢ મહિના કરતા વધારે સમયગાળામાં ૨૯૩૦ લોકો ડોગ બાઈટનો શિકાર બન્યા છે એટલે કે રોજ સરેરાશ ૫૭ લોકો ડોગ બાઈટનો શિકાર બને છે અને છેલ્લા પાંચ મહિનામાં ૫ હજારથી વધારે લોકો રખડતા કુતરાનો શિકાર બન્યા છે. જેમાં છેલ્લા દોઢ મહિનાથી આ આંકડો વધ્યો છે. જાહેર રોડ ઉપરાંત રહેણાંકી વિસ્તાર અને સોસાયટીઓમાં નાના બાળકો અને વૃદ્ધો રખડતા શ્વાનનો ભોગ બને છે ત્યારે મનપા તંત્ર દ્વારા માત્ર કાગળ પર જ કાર્યવાહી થતી હોય તેમ નાગરિકોની અનેક ફરિયાદો છતાં કોઈ નક્કર પરિણામ મળતું નથી. શહેરના અનંતવાડી વિસ્તારમાં લાંબા સમયથી રખડતા શ્વાનનો આતંક છે, આ વિસ્તારમાં દરરોજ સરેરાશ એક-બે લોકોને શ્વાન કરડે છે અને આ આતંક એ હદે છે કે સ્થાનિક સોસાયટીના રહીશોએ અહીંથી પસાર થતાં રાહદારીઓ એલર્ટ અને સુરક્ષિત રહે તે માટે સોસાયટીમાં સ્વખર્ચે સાવચેતી દર્શાવતું બોર્ડ લગાવી દીધું છે. આમ, શહેરમાં રખડતા ઢોર અને રખડતા શ્વાનના પ્રશ્નનો ઉકેલ લાવવામાં તંત્ર નિષ્ફળ રહ્યો હોય કે પછી જનતાના આવા પ્રશ્નો ઉકેલવામાં તંત્રને રસ નથી તેવું લાગી રહ્યું છે. સામાન્ય રીતે કુતરું કરડયાં બાદ આરઆઈજી ઈન્જેક્શન લેવું જરૂરી હોય છે પરંતુ ડોગ બાઈટના કેસોમાં વધારો થતો રહેતો હોવાથી ઘણીવાર હોસ્પિટલોમાં આ ઈન્જેક્શનનો સ્ટોક પણ ખાલી થઈ ગયાના કિસ્સાઓ પણ બનેલા છે ત્યારે નાગરિકો સુરક્ષિત અને રખડતા પશુઓના ભયથી મુક્ત જીવન જીવે તે માટે વહીવટી તંત્ર યોગ્ય આયોજન કરે તે જરૂરી છે. પરંતુ આ આંકડાઓ તંત્રની કામગીરી સામે પ્રશ્નાર્થ ઉભા કરે છે.

કોર્પોરેશનમાં 4 વખત  ફરિયાદ કરી ચુક્યો છું :  સુરેશભાઈ ઘોરી

અનંતવાડી વિસ્તારના રહીશ સુરેશભાઈ ઘોરીએ જણાવ્યું કે, અમારા વિસ્તારમાં ૬ મહિના કરતા વધારે સમયથી રખડતા શ્વાનનો ત્રાસ છે. અમારી આજુબાજુ લગભગ ૮૦ લોકોને કુતરાઓ કરડી ચુક્યા છે. પાલિકાની ઓફિસમાં ૪ વખત ફરિયાદ કરી ચુક્યો છું, ગાડી આવે કુતરાને લઈ જાય અને થોડા દિવસ પછી એવીની એવી જ સ્થિતિ થઈ જાય છે. થોડાં દિવસોના સમયગાળામાં બે નાના બાળકોને શ્વાન કરડી ચુક્યાં છે અને વૃદ્ધોને પણ કરડયા છે. નાના બાળકોને એકલાં નથી. રાહદારીઓ આ શ્વાનનો ભોગ ના બને તે માટે તેમને સચેત કરવા અમે સ્વખર્ચે બોર્ડ પણ લગાવ્યું છે.

છેલ્લા 5 મહિનામાં ડોગ બાઈટના કેસ

એપ્રિલ

૮૮૦

મે

૫૭૮

જૂન

૮૦૭

જુલાઈ

૧૮૯૯

૨૦ ઓગસ્ટ સુધી

૧૦૩૧


Google NewsGoogle News