ધંધુકાના ઉજવલા યોજનાના લાભાર્થીઓને 12-12 માસથી ગેસ કનેક્શન મળતા નથી
- અનેક વખત રજુઆતો કરવા છતા તેનું પરિણામ શૂન્ય
- ગેસ એજન્સીનો પરવાનો રદ થયા બાદ એસ વી જનરેટ ટ્રાન્સફર ન થતા સમગ્ર પંથકના અનેક લાભાર્થીઓને ધરમધકકા
ધંધુકા શહેર અને તાલુકાના ૫૫ જેટલા રેશનકાર્ડ ધારકોને ઉજવલા અન્વયેના ગેસ કનેક્શન ૧૨-૧૨ મહિના વીતવા છતાં મળતા નથી ધંધુકા ૫ંથકના ૫૫ જેટલા રેશનકાર્ડ ધારકો પાસેથી જરૂરી પુરાવો મેળવી ગેસ એજન્સી દ્વારા ગેસ કનેક્શન મંજૂર થયેલ ગેસ એજન્સીએ તા.૧૭.૯.૨૦૨૧ ના એસ.વી જનરેટ કરેલ બાદ ગેસ એજન્સીનો પરવાનો રદ થતાં આ ફાળવણી તલ્લે ચડી છે. ગેસ એજન્સીનો પરવાનો રદ થતાં હાલ ચાર્જમાં ગણનાથ ગેસ એજન્સીમાં એસ.વી. જનરેટ ટ્રાન્સફર ન થતા બાર બાર મહિનાથી આ ગેસ કનેકશન માટે લોકો અવાર-નવાર આંટા ખાઈ રહ્યા છે અને એજન્સીધારકો મૌખિક રીતે એમ જણાવી રહ્યા છે કે, એસ વી જનરેટને કારણે જૂની માંગણી રદ કરી નવેસરની માંગણીની કાર્યવાહી આ કિસ્સામાં થઈ શકે નહીં. આ બાબતે અનેક વખત રજૂઆતો કરવા છતાં આજ દિન સુધી કશી જ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી. મોટા લોકોના કામો અગમ્ય કારણસર ફટાફટ થતા હશે પણ ગરીબ અને સામાન્ય લોકોની સત્ય, પ્રમાણિક અને વ્યાજબી રજૂઆતનો એકતારાનો નાદ સંભળાતો નથી. આ બાબતે ધંધુકા તાલુકા વિકાસ મંચના માનદ મંત્રી દ્વારા પુરવઠા મંત્રાલય અને ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનનું ધ્યાન દોરી ધારદાર રજૂઆત કરાઈ છે.