ધોલેરા તાલુકા પંચાયતની ચૂંટણી પૂર્વે જ ભાજપની બે બેઠકો બિનહરીફ
- અમદાવાદ જિલ્લા પંચાયતની બે બેઠકો પર રસાકસી જામશે
- પાંચી અને રાહતળાવની બેઠકો પર કોંગી ઉમેદવારોએ ઉમેદવારી પરત ખેંચી
ધંધુકા, તા. 19 ફેબ્રુઆરી 2021, શુક્રવાર
ધોલેરા તાલુકા પંચાયતની ચૂંટણીમાં કેટલીક સીટો ઉપર બહુપાંખીયો જંગ જોવા મળે તેવા અણસાર વચ્ચે ભાજપે લગાવેલા જોરના કારણે પાંચી અને રાહતળાવની તાલુકા પંચાયતની બેઠકોના કોંગ્રેસના માન્ય ઉમેદવારો દ્વારા ફોર્મ પાછા ખેંચવાના દિવસે અચાનક જ ઉમેદવારી પાછી ખેંચાતા ભાજપને ચૂંટણી પૂર્વે જ બે બેઠકો બિનહરીફ પ્રાપ્ત થતા તાલુકા પંચાયતમાં સત્તાનો માર્ગ સરળ બન્યો છે.
બે કોંગી ઉમેદવારોએ ભાજપને સમર્થન આપી ફોર્મ પાછા ખેંચતા જ ભાજપની છાવણી ગેલમાં આવી ગઈ છે. તાલુકામાં એ.પી.એમ.સી.ચેરમેન અને સહકારી આગેવાન અનિરૂધ્ધસિંહ ચુડાસમા ગત ચૂંટણીમાં મહત્વની કડી સાબિત થયા હતા. ત્રણ અપક્ષ અને કોંગ્રેસે ભેગા મળીને પાંચ વર્ષ સત્તા ભોગવી હતી. આ વખતે પણ આવા જ સમીકરણો સામે ભાજપ સક્ષમતાપૂર્વક સામે આવ્યુ છે. ખાસ કરીને ધોલેરા જિલ્લા પંચાયતના ઉમેદવાર દિગ્પાલસિંહની ઉમેદવાર પર મહોર વાગતા જ કોંગ્રેસના કાંગરા ખરવા લાગ્યા છે. પીપળીના કોંગી આગેવાન ભરતસિંહ ચુડાસમા જિલ્લાની બેઠક માટે પ્રબળ અને સક્ષમ દાવેદાર માનવામાં આવી રહ્યા હતા. પરંતુ તેમની ટીકીટ ધારાસભ્ય દ્વારા કાપવામાં આવી અને ધારાસભ્યએ સગાવાદ કર્યાનો સોશ્યલ મિડીયામાં આક્ષેપ કરીને તેઓએ રોષ ઠાલવ્યો હતો.તાલુકા પંચાયતમાં બાકીની બેઠકો પર કોંગ્રેસ, ભાજપ અને અપક્ષો નશીબ અજમાવી રહ્યા છે. ત્યારે સૌથી વધુ કોળી મતદારો આ બેઠક પર પ્રભુત્વ ધરાવે છે. ત્યારે રાજકીય પક્ષોએ જ્ઞાતિ,જાતિના સમીકરણોને ધ્યાને રાખીને ઉમેદવારોની પસંદગી કરી હતી.
(બોકસ
જિલ્લા પંચાયતની 4 બેઠકો પર 17 ઉમેદવારો
અમદાવાદ જિલ્લા પંચાયતની ૪ બેઠકો ધંધુકા અને ધોલેરા તાલુકામાં સમાવિષ્ઠ છે. જેમાં ધંધુકામાં ગલસાણા અને હડાળા બેઠકો જયારે ધોલેરા તાલુકામાં ધોલેરા અને હેબતપુર બેઠકો છે. ઉમેદવારી પાછી ખેંચવાના દિવસ બાદ જિલ્લાની હડાળા બેઠક પર કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધો મુકાબલો થશે. અહિં માત્ર બે ઉમેદવારો જ રહ્યા છે. જયારે ગલસાણા, ધોલેરા અને હેબતપુરની બેઠકો પર પાંચ-પાંચ ઉમેદવારો બાકી રહેતા મુકાબલો રોચક બન્યો છે. આમ, જિલ્લા પંચાયતની ચાર બેઠકો પર ૧૭ ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ ખેલાશે.