આજથી ભાવનગરમાં સુરેન્દ્ર રશ્મી ક્રિકેટ ટુર્ના.માં 16 શાળા વચ્ચે જંગ
- અન્ડર-14 ઈન્ટર સ્કૂલ ક્રિકેટ ટુર્નામેન્ટ જીતવા ખેલાડીઓ જોર લગાવશે
- ટ્વેન્ટી-20 ક્રિકેટ ટુર્નામેન્ટમાં રોજની બે મેચ રમાશે, આગામી તા. 2 ફેબુ્રઆરીએ ફાઈનલ મેચ
ભાવનગર : ભાવનગર ડિસ્ટ્રીકટ ક્રિકેટ એસોસિએશન દ્વારા સુરેન્દ્ર રશ્મી અન્ડર-૧૪ ઈન્ટર સ્કૂલ ક્રિકેટ ટુર્નામેન્ટનુ આયોજન કરવામાં આવેલ છે. આવતીકાલ મંગળવારથી ટ્વેન્ટી-ર૦ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ થશે, જેમાં જુદી જુદી શાળાની ટીમે ભાગ લીધો છે તેથી આ ક્રિકેટ ટુર્નામેન્ટ જીતવા ખેલાડીઓ જોર લગાવશે તેમ જણાય રહ્યુ છે.
શહેરના ભરૂચા કલબ ખાતે સુરેન્દ્ર રશ્મી અન્ડર-૧૪ ઈન્ટર સ્કૂલ ક્રિકેટ ટુર્નામેન્ટનુ આયોજન કરવામાં આવેલ છે. આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં કુલ ૧૬ શાળાની ટીમે ભાગ લીધો છે. ટ્વેન્ટી-ર૦ ક્રિકેટ ટુર્નામેન્ટમાં રોજની બે મેચ રમાડવામાં આવશે. આવતીકાલ મંગળવારે સવારે ૯.૩૦ કલાકથી ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ થશે, જેમાં પ્રથમ મેચ વિદ્યાધીશ સ્કૂલ અને સેન્ટ મેરી ગુજરાતી સ્કૂલ વચ્ચે રમાશે, જયારે બીજી મેચ બપોરના ૧ કલાકે ફાતીમા કોન્વેટ સ્કૂલ અને એમ.એલ.કાકડીયા સ્કૂલ વચ્ચે રમાશે. નોકઆઉટ પધ્ધતિ મેચ રમાડવામાં આવશે તેથી જે ટીમનો વિજય થશે તે આગેકૂચ જારી રાખશે, જયારે પરાજય થશે તે ટીમ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ જશે.
ક્રિકેટ ટુર્નામેન્ટ જીતવા માટે ખેલાડીઓ એડીચોટીનુ જોર લગાવશે તેથી મેચ રસાકસીવાળી બની રહેશે તેમ જણાય રહ્યુ છે. આ ટુર્નામેન્ટમાં કંઈ ટીમ વિજય મેળવે છે ? તેની રાહ જોવી જ રહી. આગામી તા. ર ફેબુ્રઆરીએ ફાઈનલ મેચ રમાડવામાં આવશે. ક્રિકેટ ટુર્નામેન્ટ નિહાળવા માટે રમતપ્રેમીઓને અનુરોધ કરવામાં આવેલ છે.