બરવાળા : અચોક્કસ મુદતનું આંદોલન દોઢ દિવસમાં સમેટાયું, ભારે તર્ક-વિતર્ક
- નગરપાલિકા દ્વારા ઝિંકાયેલા વેરાવધારાના વિરોધમાં શરૂ થયું હતું આંદોલન
- નાગરીક સમિતિમાં અંદરો અંદર વિખવાદ થતા અચાનક દુકાનો ખલી ગઈ
બરવાળા નગરપાલિકા દ્વારા વેરા વધારાનાં વિરોધમાં બરવાળા નાગરીક સમિતિ દ્વારા કરવામાં આવેલ ધરણાં બાદ કોઈ નિરાકરણ નહીં આવતા અંતે બરવાલાનાં વેપારીઓ દ્વારા જ્યાં સુધી વેરો વધારો પાછો ખેંચવામાં ન આવે ત્યાં સુધી બરવાળા અચોક્કસ મુદત માટે બંધ રહેશે તેવું એલાન કરવામાં આવેલ અને વેરો વધારો પાછો ખેંચવામાં આવશે તેવી લેખિતમાં નગરપાલિકા પાસે માંગણી કરવામાં આવેલ પરંતુ દોઢ દિવસ બરવાળા બંધ રહ્યા બાદ નાગરીક સમિતિમાં અંદરો અંદર વિખવાદ થતા બરવાળા અચોક્કસ મુદત માટે બંધ રાખવું કે કેમ તે ચણભણાટ ઉભો થયેલ. પ્રથમ તો નાગરીક સમિતિ દ્વારા હુંકાર કરવામાં આવેલ કે પ્રથમ ધરણા કરશું ત્યારબાદ ઉપવાસ કરીશું અને જ્યાં સધી વેરો વધારો પાછો ન ખેંચાય તો આમરણાંત ઉપવાસની પણ ચીમકી ઉચ્ચારવામાં આવેલ પરંતુ નાગરીક સમિતિ દ્વારા શરૂ કરાયેલ વેરા વધારા આંદોલનમાં અચાનક યુટર્ન આવેલ અને વેરા વધારા આંદોલન સંકેલવા પાછળ કોનો હાથ? એક એક પ્રશ્નાર્થ લોકોમાં થયેલ છે.
બરવાળા નગરપાલિકાએ અગાઉ પણ જાહેર કરેલ કે અમોએ વેરા વધારાનાં ઠરાવ રદ કરી મુળ વેરો લાગુ કરવાનો ઠરાવ કરેલ છે. જે વાતને વળગી રહેલ અને નગરપાલિકાનાં સત્તાધીશો તેમની વાતમાં મક્કમ રહેલ પરંતુ નાગરીક સમિતિએ સમગ્ર વેપારી સમાજ તેમજ નાગરીકોનું સમર્થન હોવા છતાં શા માટે આંદોલનને સમાપ્ત કરવું પડયું તે અંગે તરેહ તરેહની ચર્ચા ચાલી રહી છે. આ બે દિવસ બંધ રાખી કોઈ પરીણામ ન આવતા મોટા ભાગનાં વેપારીઓમાં પણ રોષની લાગણી જન્મી છે.
હાલ જુનો વેરો છે તે પ્રમાણે વસુલ કરવામાં આવશે : ન.પા.
બરવાળાનાં વેપારી અગ્રણી મનિષભાઈ વાળાએ નગરપાલિકાનાં સત્તાધીશોને વિનંતી કરીને જણાવેલ છે કે હાલ જુના દર પ્રમાણે વેરો વસુલ કરો જે માંગણી બરવાળા નગરપાલિકાનાં સત્તાધીશોએ મંજુર રાખેલ અને જણાવેલ કે સરકારમાંથી વેરો ઘટાડો મંજુર નહીં થાય તેની અમારી જવાબદારી નહીં. આમ હાલ પુરતો જુનો વેરો છે તે પ્રમાણે વસુલ કરવામાં આવશે.