બરવાળા ગ્રા.પં. ચૂંટણીમાં સરપંચ પદ માટે 50 ઉમેદવારો વચ્ચે જંગ
- સરપંચ પદ માટે ભરાયેલ 80 ફોર્મ પૈકી 26 ફોર્મ પરત ખેંચાયા
- સાળંગપુર અને ચાંચરીયા ગ્રામ પંચાયત સમરસ થઈ, સરપંચ-સભ્યોની ચૂંટણીને લઈ ગ્રામીણ રાજનીતિ તેજ
સમગ્ર રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણીના ઠોલ ઠબુકી રહ્યા છે. ચૂંટણીના ફોર્મ પરત ખેંચવાની અને ચકાસણીની પ્રકિયા પુર્ણ થઈ છે. ત્યારે બરવાળા તાલુકામાં કુલ ૧૯ ગ્રામ પંચાયત માટે પ્રથમ સરપંચ પદના કુલ ૮૦ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. જેમાં બે ફોર્મ અમાન્ય ઠર્યા હતા. જ્યારે સભ્યની ચૂંટણી માટે કુલ ૨૯૪ ફોર્મ ભરાયા હતા. જેમાં પાંચ ફોર્મ અમાન્ય ઠર્યા હતા. સરપંચ પદના કુલ ૮૦ ઉમેદવાર પૈકી ૨૬ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા ૫૦ ઉમેદવારો વચ્ચે તેમજ સભ્યપદ માટે ૨૯૪ પૈકી ૨૯ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા ૧૯૧ ઉમેદવાર વચ્ચે સીધો જંગ ખેલાશે.
બરવાળા તાલુકની સાળંગપુર ગ્રામ પંચાયત અને ચાંચરીયા ગ્રામ પંચાયતના સભ્યો-સરપંચ બિનહરિફ થતા બન્ને પંચાયત સમરસ બનેલ છે. ચોકડી ગ્રામ પંચાયતની સરપંચ પદ માટેની ચૂંટણીમાં કુલ ૯ ઉમેદવાર વચ્ચે જંગ જામશે.જેને લઈ ગામમાં રાજકિય માહોલ ખુબ ઉતેજના ભર્યો જોવા મળી રહ્યો છે.
બરવાળા પંથકમાં પંચાયતના સરપંચ અને સભ્યોની ચૂંટણીને લઈને ગ્રામીણ રાજનીતી તેજ બની છે. બરવાળા તાલુકાના મોટાભાગના ગામડાઓમાંતી સુરત વસવાટ કરતા લોકો માટે લકઝરી બસો બાંધવાની તૈયારી શરૂ થઈ ગઈ છે. જ્યારે અમુક ઉમેદવારો તો સુરત રવાના થયા છે. અને મતદાન કરવા લોકો આવે તે માટે કમર કસી રહ્યા છે. તો અમુક ઉમેદવારોએ સુરત ખાતે રહેતા લોકોએ કોર્પોરેશનની ચૂંટણીમાં મતદાન કરેલ છે. કે નહીં, તેની ખરાઈ કરવા માટે તેમના માણસોને સુરતમાં કામે લગાડયા છે. આમ સુરત અને ગામડામાં બન્ને જગ્યાએ નામ ચાલતા હશે તે મતદારો મતદાન કરવા આવે અને ડખ્ખા ઉભા ન થાય તેની તૈયારીમાં વહીવટી તંત્રએ પણ ગંભીરતા લીધી હોવાનુ જાણવા મળી રહ્યુ છે.
તા.પં.ના મહિલા પ્રમુખ પતિએ રામપરામાંથી ઉમેદવારી નોંધાવી
બરવાળા તાલુકા પંચાયતના મહિલા પ્રમુખના પતિએ રામપરા ગ્રામ પંચાયતમાં સરપંચ પદ માટે પોતાની ઉમેદવારી નોંધાવી છે. જ્યારે તાલુકા પંચાયતના સામાજીક ન્યાય સમીતિના મહીલા ચેરમેને ભીમનાથ ગ્રામ પંચાયતના સરપંચપદ માટે ઉમેદવારી કરી છે. જ્યારે બરવાળા તાલુકા ભાજપના પ્રમુખના ભાઈએ રોજીદ ગ્રા. પં.ના સરપંચપદ માટે આમ આદમી પાર્ટીના સમર્થન સાથે ઉમેદવારી કરતા જિલ્લા ભાજપમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડયા છે.