Get The App

ગોહિલવાડમાં આજે ઠેર-ઠેર બાપા-સિતારામનો જયઘોષ ગૂંજી ઉઠશે

Updated: Jul 21st, 2024


Google NewsGoogle News
ગોહિલવાડમાં આજે ઠેર-ઠેર બાપા-સિતારામનો જયઘોષ ગૂંજી ઉઠશે 1 - image


- સંતોની મઢુલીઓને મનોહર રીતે સુશોભીત કરાઈ 

- નામી અનામી ગુરૂઆશ્રમોમાં ગુરૂવંદના, પૂજન, અર્ચન, પાદુકા પૂજન અને સત્સંગ સહિતના કાર્યક્રમો યોજાશે

ભાવનગર : અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરી જ્ઞાનરૂપી પ્રકાશના પંથે દોરી જનાર સદગુરૂદેવ પ્રત્યેનું ઋુણભાવ વ્યકત કરવાના મહિમાવંતા મહાપર્વ ગુરૂપુર્ણિમા મહોત્સવની ગોહિલવાડમાં આવતીકાલ તા.૨૧ જુલાઈને રવિવારે પરંપરાગત રીતે હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવશે. આ અવસરે ચોતરફ આવેલા નામી અનામી ગુરૂઆશ્રમો, મઢુલીઓમાં ગુરૂવંદના, પૂજન અર્ચન, પાદુકાપૂજન,સત્સંગ અને મહાપ્રસાદ સહિતના કાર્યક્રમોનું વિશેષ આયોજન કરવામાં આવેલ છે. 

ભારતીય સંસ્કૃતિમાં ગુરૂપુર્ણિમાનો ખુબ જ મહિમા હોય આવતીકાલે અષાઢી પૂનમ તા.૨૧ જુલાઈને રવિવારે ગોહિલવાડના ગામે ગામ આવેલા નામી અનામી ગુરૂઆશ્રમોમાં ભકિતભાવ સાથે ઉજવણી કરાશે.ગુરૂઆશ્રમોમાં રવિવારે વહેલી સવારથી જ સેવકો ગુરૂવંદના અર્થે ઉમટી પડશે. ભાવનગર શહેર અને જિલ્લાભરમાં આવેલા નામી અનામી સંતો,મહંતોના આશ્રમો, મઢુલીઓમાં ગુરૂપુર્ણિમાની ઉજવણીને લઈને શિષ્ય સમુદાય દ્વારા ગુરૂવંદના, ચરણપાદુકાનું ષોડશોપચાર પૂજન અર્ચન કરાશે.આ સાથે આર્શિવાદસભા, સંતવાણી તેમજ મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાશે. ગુરૂઆશ્રમોમાં દિવસ દરમિયાન જય જય ગુરૂદેવના ગગનભેદી નારાઓ સાથે આબાલવૃધ્ધ ભાવિકોની ભારે ભીડ દ્રશ્યમાન થશે. ભાવિકો પૂજન, આરતી સહિતની ધાર્મિક વિધિઓમાં સહભાગી થઈ ભાવવિભોર બની ગુરૂદર્શનનો લ્હાવો લઈને ધન્યતાની અનુભૂતિ કરશે. શહેરમાં ઉપરાંત હાઈવે પરની પૂ.બજરંગદાસબાપાની મઢુલીઓને ચિત્તાકર્ષક રીતે સુશોભીત કરી દિવસ દરમિયાન બાપાના કર્ણપ્રિય ભકિતગીતોની જમાવટ વચ્ચે ધાર્મિક કાર્યક્રમો યોજાશે. 

વરસતા વરસાદમાં પણ બગદાણાના ગુરૂઆશ્રમમાં માનવ મહેરામણ ઉમટયુ

જયારે ભાવનગર જિલ્લામાં આવેલ અપરંપાર મહિમા ધરાવતા સદગુરૂ સંત બજરંગદાસ બાપાના ધામ બગદાણા ખાતે આવતીકાલે રવિવારે ગુરૂપૂણમા મહોત્સવ ધામધૂમપૂર્વક ઉજવાશે. હજારો ભાવિકોની સાક્ષીએ અહીં વહેલી સવારથી ધામક કાર્યક્રમો યોજાશે. રવિવારે સવારે ૫ કલાકે મંગળા આરતી, સવારે ૭ કલાકે ધ્વજાપૂજન, ધ્વજા રોહણ સવારે ૮ કલાકે થશે.બાદ મહિમાપૂર્ણ ગુરુપૂજન વિધિ કાર્યક્રમ સવારે ૮-૩૦ થી ૯-૩૦ સુધી યોજાશે.રાજભોગ આરતી સવારે ૯-૩૦ થી ૧૦ સુધી રહેશે.બાદ પ્રસાદ ભોજન વિતરણ સવારે ૧૦ કલાકથી અવિરત શરૂ રહેશે.ગુરુ પુનમની આગળની રાત્રી (ચૌદસ)થી બગદાણા બાપાના ધામ તરફના ચારે દિશાઓના રસ્તાઓ ઉપર પદયાત્રીઓ  વરસતા વરસાદમાં પણ પદયાત્રા કરીને બગદાણા પહોંચ્યા હતા.બગદાણા તરફના બધી બાજુઓના માર્ગો પર ઠેર-ઠેર ચા પાણી, ભોજન સહિતની વ્યવસ્થાઓ માટે  સેવાના સમીયાણા શરૂ રહ્યા છે. જયાં રસોડા, મંડપ, મઢુલીઓમાં બગદાણા ધામના યાત્રિકોની સેવા શરૂ રહી હતી. બાપા સીતારામના ચરણોમાં મસ્તક નમાવવા માટે આજે રવિવારે હજારોની સંખ્યામાં ભાવિકો,શ્રદ્ધાળુઓ ભક્તો ઉમટી પડશે. ત્યારે અહીં રસોડા વિભાગ સહિતના વિભાગોમાં આગોતરી વ્યવસ્થાઓ કરાઈ છે.ગુરુ આશ્રમ દ્વારા આવતા ત્રણ વર્ષ દરમિયાન એક લાખ વૃક્ષો વાવીને તેના ઉછેર કરવાની ઝુંબેશ શરૂ રહી છે.આજે પણ ગુરુઆશ્રમ ખાતેથી સર્વે યાત્રાળુઓને રોપાઓનું વિનામૂલ્યે વિતરણ શરૂ રહ્યું હતું. રવિવારે ૪૦૦ ઉપરાંત ગામોના ૧૧,૦૦૦ સ્વયંસેવક ભાઈઓ તેમજ ૧૧,૦૦૦ સ્વયંસેવક બહેનોની સેવા મળી છે. પૂ. બાપાના સૂત્ર રામ,રોટલો અને રાષ્ટ્રભક્તિના રંગે રંગાયેલા સર્વે સ્વયંસેવક ભાઈઓ બહેનો અહીંના આરતી,દર્શન, ચા પાણી, રસોડા વિભાગ, ભોજનશાળા, સફાઈ, પાકગ, સુરક્ષા જેવા ડઝનબદ્ધ વિભાગોમાં દર વર્ષે નમૂનોદાર સેવા પૂરી પાડે છે.અહીં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બેલમપર દ્વારા બે મેડિકલ ઓફિસર સહિતના ૧૨ વ્યક્તિના સ્ટાફ સાથે પ્રાથમિક સારવાર ઉપલબ્ધ ઉપલબ્ધ કરાવાશે. અહીં બે ૧૦૮ એમ્બ્યુલન્સ પણ ૨૪ કલાક સ્ટેન્ડ બાય રહેશે.


Google NewsGoogle News