ભાવનગર ટર્મિનસ, બોટાદ સહિત 5 સ્ટેશન પર પ્લેટફોર્મ ટિકિટ પર પ્રતિબંધ
- ભાવનગર રેલવે ડિવિઝનમાં
- પ્લેટફોર્મ પર ભીડ ન થાય તે હેતુથી આગામી પાંચ નવેમ્બર સુધી પ્લેટફોર્મ ટિકિટનું વેંચાણ નહીં કરવા રેલવે પ્રશાસનનો નિર્ણય
રેલવે પ્રશાસન દ્વારા જણાવાયું હતું કે, આગામી તહેવારોની મોસમ દરમિયાન બહેતર ક્રાઉડ મેનેજમેન્ટના ભાગરૂપે, ભાવનગર રેલવે ડિવિઝનના પોરબંદર, વેરાવળ, જૂનાગઢ, બોટાદ અને ભાવનગર ટમનસ સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટના વેંચાણ પર તાત્કાલિક અસરથી આજે તા. ૨૯ ઓક્ટોબરને મંગળવારથી તા. ૫ નવેમ્બર સુધી પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. તેનો ઉદ્દેશ્ય પ્લેટફોર્મ પર ભીડને નિયંત્રિત કરવાનો અને સ્ટેશન પરિસરમાં મુસાફરોની સરળ અવરજવર સુનિશ્ચિત કરવાનો છે. દિવાળીના તહેવાર અને છઠ પૂજા દરમિયાન પ્લેટફોર્મ ટિકિટના વેંચાણ પરનો પ્રતિબંધ તા. ૨૯ ઓક્ટોબરથી તા. ૫ નવેમ્બર સુધી અમલમાં રહેશે.
વરિષ્ઠ નાગરિકો, તબીબી જરૂરિયાત ધરાવતા લોકોને પ્રતિબંધમાંથી મુક્તિ
મુસાફરીને સરળ બનાવવા માટે વરિષ્ઠ નાગરિકો અને તબીબી જરૂરિયાતો ધરાવતા લોકોને આ પ્રતિબંધોમાંથી મુક્તિ આપવામાં આવી છે. તેમ રેલવે પ્રશાસન દ્વારા જણાવાયું હતું.