બેકરીની આઈટમ્સમાં શુક્રવારથી 10 થી 15 ટકાનો વધારો ઝીંકાશે
- કાચા માલના ભાવમાં વધારા અને ઉત્પાદન ખર્ચ મોંઘો થતા
- મેંદો, પામતેલ,કેમીકલ, લોડીંગ, લેબરવર્ક, પેકેજીંગના ભાવ વધતા બ્રેડ સંબંધિત ફાસ્ટફૂડ પણ મોંઘુ થશે
પામતેલ ઉપરાંત કેટલાક રો મટીરીયલ્સના ભાવ વધી જતા આજથી દોઢેક મહિના પૂર્વે સ્થાનિક ફરસાણના વિક્રેતાઓ દ્વારા ભાવવધારો કરાયો હતો. ત્યારબાદ કાચા માલના ખુબ જ ભાવ વધારા અને ઉત્પાદન ખર્ચ મોંઘો થતા ભાવનગર બ્રેડ એસોસિએશન દ્વારા પણ આગામી તા.૨૫ ઓકટોબરને શુક્રવારથી નાછુટકે વિવિધ બેકરીની આઈટમ્સમાં ભાવવધારો અમલી કરવાની જાહેરાત કરાઈ છે. આજથી બે મહિના પૂર્વે રૂા ૧૪૦૦ ના ભાવે મળતા ૫૦ કિલો મેંદાના લોટનો કટ્ટાના રૂા ૧૯૫૦ થયા છે જયારે પામતેલના ૧૫૬૦ ના ભાવ સ્ટેમ્પડયુટી વધતા રૂા ૨૦૯૦ થયા છે. રૂા ૧૬૨૦ ના ઘીના ભાવ રૂા ૨૦૫૦ થયા છે તેમજ કેમીકલ, લોડીંગ, મજુરી, લેબર વર્ક ઉપરાંત બેકરીની આઈટમના પેકીંગ માટેના પ્લાસ્ટીકના ભાવમાં વધારો, રોકાણમાં વધારો, જગ્યાના ભાડામાં વધારો, ગુજરાત ગેસના ઉંચા ભાવ અને ખાંડના ભાવ વધારાને લઈને અમદાવાદ સહિત અન્ય મહાનગરોમાં ઓકટોબરના પ્રારંભથી બેકરીની આઈટમમાં ભાવ વધ્યા બાદ રાજયમાં સૌથી છેલ્લે ભાવનગરમાં પણ બ્રેડ એસોસીએશને ભાવ વધારવા મજબૂર થવુ પડતા ૨૫ ઓકટોબરને શુક્રવારથી ભાવવધારો અમલી થશે. જેથી ગ્રાહકોને બેકરીની આઈટમમાં અંદાજે ૧૦ થી ૧૫ ટકાનો વધારો ચૂકવવાનો વખત આવશે. બેકરીની આઈટમ મોંઘી થતા હોટડોગ, બર્ગર અને પીઝાના ભાવમાં વધારો થશે. જો આગામી સમયમાં ભાવ ઘટશે નહિ તો ઉપરોકત આઈટમ્સ દિવાળી બાદ વધુ મોંઘી થશે ભાવનગરમાં નાની મોટી મળી ૭૦ બેકરીઓ આવેલી છે. જેમાં ૧૦ કિલોથી લઈને ત્રણ ટન સુધીના પ્રોડકશનની કામગીરી થઈ રહી છે તેમ જણાવી ભાવનગર બ્રેડ એસોસિએશનના પ્રેસિડન્ટ કુલદિપસિંહ ગોહિલે વધુમાં ઉમેર્યુ હતુ કે, બેકરીની આઈટમ્સનું ભાવનગર શહેર ઉપરાંત સમગ્ર સૌરાષ્ટ્રમાં વિતરણ કરાય છે અને બેકરીના વ્યવસાયની સાથે ભાવનગરમાં પ્રોડકશન, માર્કેટીંગ, મેનેજમેન્ટ, સેલીંગ સહિતની પ્રક્રિયામાં પ્રત્યક્ષ યા પરોક્ષ મળીને કુલ ૮૦૦૦ પરિવારો સંકળાયેલા છે.