એલઆરડી ભરતી કૌભાંડમાં 14 આરોપીઓની જામીન અરજી નામંજૂર

Updated: Sep 19th, 2023


Google NewsGoogle News
એલઆરડી ભરતી કૌભાંડમાં 14 આરોપીઓની જામીન અરજી નામંજૂર 1 - image


રાજકોટના એડિશનલ સેશન્સ જજનો ચૂકાદો

આરોપીઓ પોલીસ તપાસના પ્રાથમિક તબક્કે નિર્દોષ હોવાનો કોઇપણ પૂરાવો રજૂ કરી શક્યા નથી, સરકારી વકીલની દલીલ

રાજકોટ: રાજકોટમાં બોગસ નિમણૂંક પત્રોના આધારે એલઆરડીમાં ભરતી થવાના કૌભાંડમાં પકડાયેલા ૧૪ આરોપીઓએ કરેલી જામીન અરજી એડીશનલ સેશન્સ જજ જે.ડી. સુથારે નામંજૂર કરી છે. આ કેસની હાલ ક્રાઇમ બ્રાંચ તપાસ કરી રહી છે. મુખ્ય સૂત્રધાર સહિતનાં ઘણા આરોપીઓ હજુ પકડાયા નથી.

જેની જામીન અરજી નામંજૂર થઇ છે તેવા આરોપીઓમાં ભાવેશ ગોબરભાઈ ચાવડા, બાલાભાઈ ગોબરભાઈ ચાવડા, ધીરાભાઈ ગોવિંદભાઈ ખોરાણી, રમેશ દેવશીભાઈ ઓળકીયા, શૈલેષ દિનેશભાઈ નાગડકીયા, હિતેશ જેન્તીભાઈ કુકડીયા, રવિ હરિભાઈ રોજાસરા, હરદીશ નાજાભાઇ વાઘેલા, બહાદુર કાન્તિભાઈ સોરાણી, દિનેશ ગગજીભાઈ માલકીયા, વિપુલ દાહભાઈ હાડા, વિપુલ હિરાભાઈ રોજાસરા, રાજેશ ભીખાભાઇ રોજાસરા અને ઘનશ્યામ શંભુભાઈ માનલોકીયાનો સમાવેશ થાય છે.

આ કેસમાં સરકાર પક્ષ તરફથી જિલ્લા સરકારી વકીલ એસ.કે. વોરાએ એવી રજૂઆત કરી હતી કે આ ગુનામાં અમુક આરોપી ખોટા દસ્તાવેજો બનાવનાર છે. અમુક વેપારીઓ પૈસા ઉઘરાવનાર છે. જ્યારે અમુક આરોપીઓ નાપાસ થયેલા ઉમેદવારો છે. આ રીતે કોઇપણ કેટેગરીના આરોપી નિર્દોષ નથી. જે ઉમેદવારો નાપાસ થયા હતા તેઓ પૈસા આપીને લાયક ઉમેદવારોના હક્કો છીનવી પૈસાના જોરે લાભ મેળવી લેવાના ગુનાઇત ઇરાદાવાળા છે. 

પોલીસ તપાસના પ્રાથમિક તબક્કે કોઇપણ આરોપી નિર્દોષ હોવાનો કોઇપણ પૂરાવો રજૂ કરી શક્યા ન હોય ત્યારે જામીન મેળવવા માટે લાયક બનતા નથી.

ઉલ્લેખનીય છે કે આ કેસની ક્રાઇમ બ્રાંચ તપાસ કરી રહી છે. બે મુખ્ય સૂત્રધારો સહિત ઘણા આરોપીઓ આજની તારીખે પણ પકડાયા નથી. હાલ આ તમામ આરોપીઓને પકડવા માટે ક્રાઇમ બ્રાંચની જુદી-જુદી ટીમોને કામે લગાડવામાં આવી છે. 



Google NewsGoogle News