ભાવનગર યુનિવર્સિટીમાં 3 કરોડના ખર્ચે બેડમિન્ટન રમતનુ મેદાન બનશે

Updated: Oct 4th, 2023


Google NewsGoogle News
ભાવનગર યુનિવર્સિટીમાં 3 કરોડના ખર્ચે બેડમિન્ટન રમતનુ મેદાન બનશે 1 - image


- સરકારે ગ્રાન્ટ મંજુર કરતા બેડમિન્ટન ખેલાડીઓમાં ઉત્સાહ 

- શામળદાસ કોલેજના ગેટની સામેની જગ્યામાં મેદાન બનાવવા વિચારણા, બેડમિન્ટન રમતના 8 કોટ બનશે 

ભાવનગર : ભાવનગર યુનિવર્સિટીમાં રૂ. ૩ કરોડના ખર્ચે બેડમિન્ટન રમતનુ મેદાન બનશે. સરકારે ગ્રાન્ટ મંજુર કરતા બેડમિન્ટન ખેલાડીઓમાં ઉત્સાહની લાગણી જોવા મળી હતી. આ બાબતે સરકારમાં ભાવનગર યુનિવર્સિટી અને ભાવનગર ડીસ્ટ્રીકટ બેડમિન્ટ એસોસિએશને પણ રજુઆત કરી હતી. આગામી દિવસોમાં બેડમિન્ટનુ કામ શરૂ થશે. 

ભાવનગર શહેરમાં બેડમિન્ટનની પ્રેકટીંસ માટે ભાવનગર યુનિવર્સિટીમાં માત્ર એક કોર્ટ છે તેથી ખેલાડીઓને મૂશ્કેલી પડી રહી હતી. અત્યાર સુધી રમવા માટે યોગ્ય જગ્યાના અભાવે, યોગ્ય કોચિંગના અભાવે આ રમતમાં ભાવનગરના બાળકો રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ ખાસ કોઈ ઉલ્લેખનીય દેખાવ કરી શક્યા ન હતાં. ભાવનગર શહેરના સિદસર સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ ખાતે બેડમિન્ટનનુ મેદાન છે પરંતુ ત્યાં ટુર્નામેન્ટો શરૂ હોવાથી ખેલાડીઓ નીયમીત પ્રેકટીસ કરી શકતા નથી. બેડમિન્ટન રમતનુ સારૂ મેદાન ખેલાડીઓને મળે તે માટે ભાવનગર યુનિવર્સિટી અને ભાવનગર ડીસ્ટ્રીકટ બેડમિન્ટ એસોસિએશને પણ રજુઆત કરી હતી. ભાવનગર યુનિવર્સિટીએ બેડમિન્ટન રમતના મેદાન માટે રૂ. ૩ કરોડ ફાળવવા ગુજરાત સરકાર અને ઉચ્ચશિક્ષણ વિભાગને દરખાસ્ત કરી હતી. આ દરખાસ્ત સરકારે મંજુર કરી દીધી છે. 

બેડમિન્ટન રમતના મેદાન માટે સરકારે રૂ. ૩ કરોડની ગ્રાન્ટ મળી ગઈ હોવાનુ જાણવા મળેલ છે. આ અંગે ભાવનગર યુનિવર્સિટીના શારીરિક નિયામક દિલીપસિંહ ગોહિલને પુછતા તેઓએ જણાવ્યુ હતુ કે, ગ્રાન્ટ મંજુર થઈ ગઈ છે પરંતુ સત્તાવાર કાગળ મળતા બેડમિન્ટન રમતના મેદાન માટેની કામગીરી હાથ ધરવામાં આવશે. શામળદાસ કોલેજના ગેટ સામે આવેલ જગ્યામાં બેડમિન્ટન રમતના ૮ કોર્ટ બનાવવાની વિચારણા ચાલી રહી છે. બેડમિન્ટનના રમત માટે ગ્રાન્ટ મંજુર થતા ભાવનગર ડીસ્ટ્રીકટ બેડમિન્ટન એસોસિએશનના પ્રમુખે નિર્ણયને આવકાર્યો હતો. બેડમિન્ટન મેદાન તૈયાર થયા બાદ ખેલાડીઓને ફાયદો થશે તેમ જણાય રહ્યુ છે.  


Google NewsGoogle News